રાજકોટની ભાગોળે ગૌમાતાના મૃતદેહોનો ખડકલો: પશુપાલકોમાં અરેરાટી - At This Time

રાજકોટની ભાગોળે ગૌમાતાના મૃતદેહોનો ખડકલો: પશુપાલકોમાં અરેરાટી


રાજકોટ-અમદાવાદ હાઈવે પર માલિયાસણ પાસે જામનગર જવાના બાયપાસ નજીક સેંકડો પશુઓના મૃતદેહોનો ખડકલો હોવાના દ્રશ્યો આજે વાયરલ થતા ભારે અરેરાટી મચી ગઈ છે. સ્થળ પર પહોંચેલા માલધારીઓએ જણાવ્યું કે લમ્પીના કારણે સેંકડો પશુઓએ જીવ ગુમાવ્યા છે અને તંત્રના જિલ્લામાં માત્ર 20-25ના મૃત્યુના દાવા કરવામાં આવી રહ્યા છે.
ખુલ્લી જમીનમાં ગૌમાતા સહિત મૃત પશુઓના મોટા ખડકલા કરી દેવાયા છે, કોણ ફેંકી ગયું તેની કોઈને જાણ નથી, પરંતુ, કેટલાક મૃતદેહો કોહવાઈ ગયા છે અને રોગચાળો વધુ ગંભીર બને તેવી ભીતિ સર્જાઈ છે.મૃતદેહોનો યોગ્ય રીતે નિકાલ કરાતો નથી તેમ માલધારી આગેવાન રાજુ જુંજાએ જણાવ્યું હતું. આ પશુઓના મૃત્યુ લમ્પી વાયરસથી વધ્યાનું પશુપાલકોએ જણાવ્યું છે.
રાજકોટમાં જૂલાઈ માસમાં માસિક સરેરાશ મૃત્યુમાં 300 ટકાનો તોતિંગ વધારો ઓન રેકોર્ડ નોંધાયો છે અને રાજકોટની નજીકના હલેન્ડા અને આજુબાજુના ગામોમાં ગઈકાલે 75 મૃત્યુ સ્થાનિક ગ્રામજનોએ જાહેર કર્યા હતા અને આજે એક દિવસમાં 18 પશુઓના મૃત્યુ નીપજ્યાનું જાણવા મળ્યુ ં છે.
બીજી તરફ જિલ્લા પશુપાલન તંત્રએ જણાવ્યા મૂજબ આજે વધુ 3 સહિત કૂલ 24ના મૃત્યુ થયા છે. આજે વધુ 157 સહિત 1835 પશુઓને ચેપ લાગ્યો છે ત્યારે બીજીતરફ પશુની લાશોની ઢગલા નજરે પડી રહ્યા છે. કોરોના કાળમાં રાજકોટમાં 6000થી વધુના મોત નીપજ્યાનું સહાય વખતે જાહેર થયું જ્યારે તંત્રના ચોપડે 500નો જ આંકડો રહ્યો હતો તે વાતનું હવે લમ્પી મહામારીમાં પુનરાવર્તન થઈ રહ્યાનું માલધારીઓએ રોષભેર જણાવ્યું હતું.
માલધારી આગેવાન રાજુ જુંજાએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ-અમદાવાદ હાઈ-વે પર માલિયાસણ પાસે 150થી 200 જેટલા પશુઓના મૃતદેહો પડ્યા છે અને કોહવાઈ રહ્યા છે પશુપાલનની ટીમ જ ત્યાં મૃતદેહોનો ખડકલો કરી રહ્યો છે તેવા આક્ષેપો પણ કર્યા હતા અને લગભગ પશુઓના મોત લમ્પી વાયરસના રોગના કારણે જ થયા હોવાનું કહી રહ્યા છે. રાજુ જુંજાએ કહ્યું હતું કે, આ પશુઓનો યોગ્ય નિકાલ કરી દાટવામાં આવે અને તંત્રના ચોપડે સાચા આંકડા દેખાડવામાં આવે.
લમ્પી સ્કિન ડિસિઝના કારણે દુધાળા પશુઓના મોત થવાની ઘટનાથી પશુપાલકોમાં ચીંતાનું મોજુ ફરી વળ્યું છે ત્યારે એક તરફ તંત્રના ચોપડે માત્ર ગણતરીના મોતના આંકડા દેખાડવામાં આવે છે તો બીજી તરફ માલીયાસણ પાસે પશુઓના મૃતદેહોના ઢગલાઓના ફોટા વાયરલ થતાં અરેરાટી મચી જવા પામી છે અને મૃતદેહો ખુલ્લામાં પડેલા હોવાથી રોગચાળો ફાટી નિકળવાનો સર્જાઈ રહ્યો છે ત્યારે સ્ટેન્ડીંગ કમિટીના સભ્ય જયમીન ઠાકરે સોલિડવેસ્ટ શાખાને તમામ લમ્પીગ્રસ્ત મૃતદેહોને યોગ્ય રીતે જમીનમાં નિયમ મુજબ દાટવાની સૂચના આપી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.