રાજકોટમાં દોઢ માસ પૂર્વે જ પ્રેમલગ્ન કરનાર દંપતીનો ટ્રેન હેઠળ આપઘાત
શહેરના રેલનગર પાસે આવેલા સંતોષી નગરમાં રહેતા અને દોઢ માસ પૂર્વે જ પ્રેમ લગ્ન કરનાર દંપતીએ આજરોજ સવારના સુમારે અહીં સંતોષીનગર પાસે જ આવેલી રેલવે ફાટક નજીક ટ્રેન હેઠળ ઝંપલાવી બંનેએ સજોડે આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા અહીં લોકો ટોળે વળ્યા હતા બાદમાં બંનેના પરિવારજનોને જાણ કરવામાં આવતા તેઓ પણ દોડી આવ્યા હતા. બનાવના પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી જરૂરી કાર્યવાહી કરી હતી. દોઢ માસ પૂર્વે જ પરિવારની સહમતિથી લગ્ન કરનારા આ યુગલે ક્યાં કારણસર આ પગલું ભરી લીધું તેનાથી પરિવારજનો પણ અજાણ હોય પોલીસે આ નવ દંપતીના આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
આપઘાતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટમાં રેલનગર પાસે આવેલા સંતોષી નગર શેરી નંબર 5 માં રહેતા કોળી યુવાન કરણ અશોકભાઈ પંચાસરા (ઉ.વ 22) તથા તેની પત્ની સ્નેહા પંચાસરા (ઉ.વ 21) એ આજરોજ સવારના સુમારે સંતોષીનગર પાસે આવેલી રેલવે ફાટક નજીક ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. દરમિયાન અહીં સવારના વોકિંગમાં નીકળેલા કોઈ વ્યક્તિનું ધ્યાન જતા તેણે પોલીસને જાણ કરી હતી. બાદમાં અહીં લોકો એકત્ર થતાં તે પૈકી કોઈ યુવાનના પરિવારજનોથી પરિચિત હોય તેણે તાકીદે યુવાનના પરિવારને જાણ કરી હતી. જેથી તેના પરિવારજનો પણ અહીં દોડી આવ્યા હતા બીજી તરફ પોલીસ સ્ટાફ પણ બનાવ સ્થળે પહોંચી ગયો હતો.
આપઘાતના આ બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, કોળી યુવાન કરણ બે ભાઈ ત્રણ બહેનના પરિવારમાં નાનો છે અને તે મજૂરી કામ કરતો હતો. તેણે દોઢ માસ પૂર્વે જ પાડોશમાં રહેતી દરજી જ્ઞાતિની યુવતી સ્નેહા સાથે પરિવારની સહમતિથી પ્રેમ લગ્ન કર્યા હતા.
પરિવારજનોએ જણાવ્યું હતું કે, આજરોજ સવારના સુમારે પરિવારના અન્ય સભ્યો ઘરે સુતા હતા દરમિયાન આ દંપતિ કંઈ કહ્યા વગર ઘરેથી ચૂપચાપ નીકળી ગયું હતું અને બાદમાં તેમણે આ પગલું ભરી લીધું છે. દંપતીએ ક્યાં કારણોસર લગ્નજીવનના દોઢ માસમાં જ જીવનનો અંત આણી દીધો તેનાથી પરિવારજનો પણ અજાણ હોય પોલીસે દંપત્તિના આપઘાતનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે. હાલ પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે. હજુ દોઢ માસ પૂર્વે જ લગ્ન કરનાર આ દંપતીએ આવું આઘાતજનક પગલું ભરતા બંનેના પરિવારમાં કાળો કલ્પાંત છવાઈ ગયો હતો.
આપઘાત કરી લેનાર કોળી યુવાન કરણ પંચાસરાના કાકા મનોજભાઈ જણાવ્યું હતું કે, તેના ભત્રીજા અશોકને પાડોશમાં રહેતી દરજી જ્ઞાતિની યુવતી સ્નેહા સાથે પ્રેમ સંબંધ હોવાની વાત કર્યા બાદ બંનેના પરિવારજનોએ લગ્ન માટે સહમતિ આપી હતી. એટલું જ નહીં પરંતુ ધામધૂમથી લગ્ન કરાવ્યા હતા. પરંતુ દોઢ માસમાં જ બંને આ પગલું ભરી લેતા પરિવારજનો આઘાતમાં સરી પડ્યા છે.
દોઢ માસ પૂરી પ્રેમ લગ્ન કરનાર સ્નેહાના માતાપિતા હયાત ન હોય તે પોતાના માસા અને માસી સાથે રહેતી હતી. તેઓએ જ તેનું પાલનપોષણ કર્યું હતું. દરમિયાન આજરોજ દીકરીની જેમ ઉછેરેલી સ્નેહાએ આ પગલું ભરી લેતા તેઓ શોકાતૂર બની ગયા છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.