સિવિલ હોસ્પિટલમાં વારંવાર બનતાં ચોરીના બનાવો અટકાવવા એકશન પ્લાન ઘડતાં એસીપી દિયોરા - At This Time

સિવિલ હોસ્પિટલમાં વારંવાર બનતાં ચોરીના બનાવો અટકાવવા એકશન પ્લાન ઘડતાં એસીપી દિયોરા


રાજકોટ તા. ૧૬: સિવિલ હોસ્પિટલમાં સમયાંતરે કોઇને કોઇ ઉઠાવગીર, તસ્કર, ખિસ્સા કાતરૂ ત્રાટકીને દર્દી કે દર્દીના સગા અથવા તો તબિબ કે પછી બીજા કોઇપણ કર્મચારીને નિશાન બનાવી રોકડ, પર્સ, મોબાઇલ ફોન અને બીજી ચીજવસ્તુઓ ચોરી જાય છે. તેમજ કમ્પાઉન્ડમાં પાર્ક કરાયેલા વાહનો પણ ઘણીવાર ચોરાઇ જાય છે. સિવિલમાંથી મોબાઇલ ફોન ચોરી લેનારા બે તસ્કરને ક્રાઇમ બ્રાંચે પકડ્યા ત્યાં બીજા બે તબિબના મોબાઇલ ફોન ચોરાઇ ગયાનો બનાવ બન્યો હતો. આને પગલે આજે એસીપી પી. કે. દિયોરા, પ્ર.નગર પીઆઇ વી. જે. ફર્નાન્ડીઝ સહિતની ટીમ સિવિલ હોસ્પિટલે પહોંચી હતી અને આરએમઓ ડો. એમ. સી. ચાવડા, સિકયુરીટી ઇન્ચાર્જ એ. ડી. જાડેજા સહિતની સાથે ખાસ બેઠક યોજી ચોરીના બનાવો અટકાવવા એકશન પ્લાન ઘડી કાઢી તેનો કડક અમલ કરવા સુચના આપી હતી.
એસીપીશ્રી દિયોરા, પીઆઇશ્રી ફર્નાન્ડીઝ અને ટીમે સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડ, ઓપીડી, ઓર્થોપેડિક વિભાગોની મુલાકાત લીધી હતી અને બાદમાં આરએમઓશ્રી ડો. એમ. સી. ચાવડા, સિકયુરીટી ઇન્ચાર્જ નિવૃત પીઆઇશ્રી એ. ડી. જાડેજા સહિતની સાથે ખાસ ચર્ચા કરી હતી. સિવિલમાં કયા કયા વિભાગમાં ચોરીના વધુ બનાવો બને છે તેની માહિતી મેળવી ત્યાં સીસીટીવી કેમેરાની ઘટ હોય તો વધુ કેમેરા લગાડવા, ખિસ્સા કાતરૂથી સાવધાન...એવા બોર્ડ મોટા અક્ષરે અને દેખાય એ રીતે લગાડવા, અગાઉ જે તસ્કરો પકડાયા હોય તેની મોટી પ્રિન્ટ કઢાવી ફોટા લગાડવા (જેથી લોકો આવા શખ્સો સિવિલમાં આવે તો ઓળખી જાય) તેમજ વધુ ગિરદી રહેતી હોય ત્યાં સિકયુરીટી સ્ટાફ વધુ નજર રાખે તેવી સુચના આપી હતી. તેમજ ડી. સ્ટાફની ટીમ પણ સમયાંતરે ચેકીંગ કરશે તેવી સુચના આપી હતી.
આરએમઓશ્રી ચાવડાએ સુચનોને ધ્યાને લઇ તબિબી અધિક્ષકનું ધ્યાન દોરવા તજવીજ કરી હતી. સિકયુરીટી ઇન્ચાર્જ એ. ડી. જાડેજાએ જણાવ્યું હતું કે અવાર-નવાર સિકયુરીટીના જવાનો તસ્કરો, ખિસ્સા કાતરૂઓને પકડે છે અને પોલીસને સોંપે છે. પણ જે તે ભોગ બનનાર ફરિયાદી બનવા તૈયાર ન થતાં હોય આવા તસ્કરોને છોડી મુકવામાં આવે છે. જેથી એ એકાદ બે દિવસ બાદ ફરીથી સિવિલમાં આવી જાય છે. ઘણીવાર આવા શખ્સો પકડાય જાય ત્યારે લોકો મારકુટ કરે તો આ શખ્સો બાદમાં સિકયુરીટી વિરૂધ્ધ ફરિયાદ કરી દેતાં હોય છે. તો ઘણીવાર આવા શખ્સો પોતાની જાતે બ્લેડની લોહી કાઢી બાદમાં સિકયુરીટી ઉપર ખોટા આરોપ મુકી દેતાં હોય છે. આ કારણે સિકયુરીટીમેનને આરોપી બનવું પડતું હોય છે. જે તસ્કરો, શકમંદોને રંગેહાથ પકડીને સોંપવામાં આવે તેની સામે યોગ્ય કાર્યવાહી થાય અને બીજી વાર સિવિલમાં ન આવે તે પ્રકારના પગલા લેવામાં આવે તો પણ ચોરી-ઉઠાંતરીના બનાવો બનતાં ઘટી શકે તેમ સિકયુરીટી ઇન્ચાર્જ દ્વારા જણાવવામાં આવ્યું હતું. તસ્વીરમાં એસીપી પી. કે. દિયોરા, પીઆઇ વી. જે. ફર્નાન્ડીઝ, આરએમો ડો. એમ. સી. ચાવડા, સિકયુરીટી ઇન્ચાર્જ એ. ડી. જાડેજા સહિતના ચર્ચા કરતાં દેખાય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.