સસ્તામાં કાર પડાવવા ખેલ નાખતા વિલેશ પરમારને જ ઉપાડી લીધો:સાત શખ્સો ઝબ્બે - At This Time

સસ્તામાં કાર પડાવવા ખેલ નાખતા વિલેશ પરમારને જ ઉપાડી લીધો:સાત શખ્સો ઝબ્બે


શહેરના ઢેબર રોડ પર ગેરેજમાંથી યુવાનનું અપહરણ થયા બાદ રાજકોટ ક્રાઈમ બ્રાંચ, ભક્તિનગર પોલીસ અને અમદાવાદ સેટેલાઈટ પોલીસે સંયુકત ઓપરેશન પાર પાડી આ અપહરણ કેસમાં સંડોવાયેલા અલગ અલગ 7 શખ્સોને ઝડપી લીધા હતાં. આ અપહરણ પાછળ સસ્તામાં મોંઘી કાર પડાવી લેવાનોં અપહૃત યુવાનનો ઈરાદો હોય સમાધાનની મીટીંગ દરમિયાન કાર ઉપર વ્યાજે રૂપિયા આપનાર અપહૃત યુવાને ખેલ નાંખતા અંતે તેને જ ઉપાડીને લઈ ગયા હતાં અને આ મામલે ભોગ બનનારની પત્નીની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી સાત શખ્સોને ઝડપી લીધા છે.
શહેરનાં કોઠારીયા રોડ પર દોઢ મહિના પહેલા જ રહેવા આવેલા અગાઉ સુરત રહેતા વિલેશ નરશી પરમાર નામના યુવાને સુરતમાં રહેતા મનીષ બાલકૃષ્ણ પંડયાને રૂપિયા અઢી લાખ વ્યાજે આપ્યા હતાં. જેના બદલામાં મનીષે મોંઘી કિયા કાર ગીરવે મુકી હતી જે કાર મનીષે રાજસ્થાન અજમેરના વિજયનગર ચોસલાના વતની રાજેશ ભૈરૂલાલ જોષી પાસેથી ખરીદી હોય જેના હપ્તા બાકી હોય રાજેશના મૃતક ભાઈના નામની કાર બારોબાર ગીરવે મુકી મનીષે અઢી લાખ રૂપિયા લઈ લીધા બાદ કારના હપ્તા નહીં ભરતાં રાજેશે કાર પાછી માંગી હતી. જે કાર રાજકોટમાં વિલેશ પાસે હોય તે બાબતે સમાધાન માટે ઢેબર રોડ પર રાજકમલ ફાટક પાસે સી.યુ.ગેરેજમાં મીટીંગ થઈ હતી. આ મીટીંગમાં વિલેશે મોંઘી કાર સસ્તામાં પડાવાના ઈરાદે ખેલ નાંખ્યો હતો અને કાર પરત લેવા રોકડ રકમ લઈને આવેલા રાજેશ અને તેના મિત્રો સમક્ષ ખેલ નાંખી કારના બદલામાં વ્યાજ સહિત મોટી રકમ માંગી હતી. જેથી મામલો બીચકયો હતો અને કાર પરત લેવા આવેલા રાજેશ અને તેના મિત્રોએ મહેન્દ્રા એકસયુવી કારમાં વિલેશનું અપહરણ કરી લીધું હતું અને તેને રાજસ્થાન લઈ જવાની તૈયારીમાં હતાં. અમદાવાદ સુધી વિલેશને કારમાં રાખી તેની પત્ની અલ્પા સાથે ફોન ઉપર સમાધાન બાબતની વાતચીત કરી મનીષને આપેલી રકમ પરત લઈ લઈ કાર પાછી આપી દેવા વાટાઘાટો કરી હતી. પરંતુ અપહૃત વિલેશની પત્નીએ પોલીસને જાણ કરી દીધી હોય જેથી રાજ્યભરમાં નાકાબંધી કરાવી દીધી હતી અને આ પ્રકરણમાં ક્રાઈમ બ્રાંચ, ભક્તિનગર અને અમદાવાદ સેટેલાઈટ પોલીસે સાત આરોપીઓને ઝડપીલીધા હતાં વિલેશના અપહરણમાં સંડોવાયેલા અજમેરનાં વિજયનગર ચોસલાના રાજેશ ભૈરૂલાલ જોષી, બહાદુરપુરા અજમેરના રાધેકિષ્ના ઉર્ફે ભારમલ વધારામ ગુજ્જર, અજમેરના ખુટીયાના રામલાલ શિવરાજ જાટ, ગુલાબપુરાના શિવરાજસિંહ સુજાનસિંહ રાજપુત, દોલતપુરાના પ્રેમચંદ શ્રમણલાલ જાટ, જીવરાજ બલારામ ચૌધરી અને મનીષ બાલકૃષ્ણ પંડયાની ધરપકડ કરી હતી.
આ અપહરણમાં સંડોવાયેલા રામલાલ ચૌધરી, પ્રેમચંદ જાટ અને જીવરાજ ચૌધરી જેઓ ચોટીલા ખાતે બાંધકામના બ્લાસ્ટીંગના કામમાં મજુરી અર્થે ગુજરાત આવ્યા હોય અને ચોટીલા રહેતાં હોય તે રાજેશના કહેવાથી શિવરાજસિંહની એકસયુવી કારમાં અમદાવાદ આવ્યા હતા અને ત્યાંથી બધા ચોટીલા આવી મીટીંગ માટે રાજકોટ આવ્યા હતાં. બીજી તરફ જીવરાજ તેની ક્રેટા લઈને આવ્યો હતો જેમાં અન્ય આરોપીઓ તેની સાથે હતાં. આ પ્રકરણમાં પોલીસે 8 મોબાઈલ, બે કાર અને રોકડ રૂા.2 લાખ સહિત 12.90 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.