જમ્મુ-કાશ્મીર વિધાનસભા બીજી વખત રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાનથી વંચિત
નવી દિલ્હી, તા.૨૩દેશમાં ૧૮મી જુલાઈએ રાષ્ટ્રપતિપદની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરની વિધાનસભાના મતદારો ટોચના બંધારણીય પદ માટેની ચૂંટણીના ઈતિહાસમાં બીજી વખત મતદાન કરી શકશે નહીં.જમ્મુ-કાશ્મીરમાં હાલ વિધાનસભાની રચના થઈ ન હોવાથી તે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન નહીં કરી શકે. રાજ્યની વિધાનસભા ખોરવાઈ જાય ત્યારે તેના મતદારો રાષ્ટ્રપતિ ચૂંટણીનો ભાગ બની શકતી નથી. દેશમાં ગુજરાત એવું સૌપ્રથમ રાજ્ય બન્યું હતું, જે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લઈ શક્યું નહોતું. વર્ષ ૧૯૭૪માં ગુજરાતમાં નવનિર્માણ આંદોલન ચાલતું હતું. ચીમનભાઈ પટેલના નેતૃત્વવાળી વિધાનસભા ભંગ થઈ ગઈ હતી. પરિણામે ગુજરાત રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભાગ લઈ શક્યું નહોતું.એ જ રીતે આસામ, નાગાલેન્ડ અને જમ્મુ-કાશ્મીરની વિધાનસભાઓ પણ બરખાસ્ત થઈ જવાના કારણે પછીની ચૂંટણીઓમાં ભાગ લઈ શકી નહોતી. વર્તમાન કિસ્સામાં વર્ષ ૨૦૧૯માં જમ્મુ-કાશ્મીર રાજ્યનું બે કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખમાં વિભાજન થયા પછી જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની રચના થઈ શકી નથી. જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન કાયદો કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર માટે વિધાનસભાની જોગવાઈ પૂરી પાડે છે, પરંતુ વિવિધ કારણોસર અહીં હજી સુધી ચૂંટણી યોજાઈ શકી નથી. જોકે, ૧૮મી જુલાઈએ યોજાનારી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના પાંચ સાંસદો ફારુખ અબ્દુલ્લા, હસનૈન મસૂદી, અકબર લોન, જુગલ કિશોર શર્મા અને જિતેન્દ્રસિંહ મતદાન કરી શકશે.૧૯૯૨માં જમ્મુ-કાશ્મીર અને નાગાલેન્ડ રાજ્યનું રાષ્ટ્રપતિ ચૂંટણીમાં કોઈ પ્રતિનિધિત્વ નહોતું. તે સમયે જમ્મુ-કાશ્મીર અને નાગાલેન્ડ વિધાનસભા ભંગ કરી દેવાઈ હતી. ૧૯૯૧ની લોકસભા ચૂંટણી પછી આતંકવાદના કારણે આ બંને અશાંત રાજ્યોમાં ચૂંટણી થઈ શકી નહોતી. આ પહેલાં ૧૯૮૨માં આસામની વિધાનસભા ભંગ કરી દેવાઈ હોવાથી તેના ધારાસભ્યો પણ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરી શક્યા નહોતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.