ભણેલી દીકરી બે કૂળને તારે” શિક્ષણ એ ત્રીજી આંખ છે.પ્રાથમિકથી લઇ ઉચ્ચ શિક્ષણ રાજ્ય સરકારે વિનામૂલ્યે કર્યું છે. -પ્રભારી મંત્રીશ્રી કુંબેરભાઈ ડીંડોર
“ભણેલી દીકરી બે કૂળને તારે” શિક્ષણ એ ત્રીજી આંખ છે.પ્રાથમિકથી લઇ ઉચ્ચ શિક્ષણ રાજ્ય સરકારે વિનામૂલ્યે કર્યું છે.
-પ્રભારી મંત્રીશ્રી કુંબેરભાઈ ડીંડોર
********************
શાળા પ્રવેશોત્સવના ૧૭માં ચરણ પ્રારંભે ધોરણ ૧ અને આંગણવાડીના ભુલકાઓને દફતર, પાટી પેન, ચોપડા, ચોકલેટ આપી વાજતે ગાજતે સામૈયું કરી નામાંકન કરાયું. શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ અને એસ.એમ.સી.ના અધ્યક્ષોનું સન્માન- મિટીંગ તથા ધોરણ ૧ થી ૮માં પ્રથમ નંબરે આવેલા વિદ્યાર્થીઓને ઇનામ આપી નવાજ્યા. ઉચ્ચ અભ્યાસ માટે શુભેચ્છા પાઠવી.
******************
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાની પોગલુ, મેમદપુર, ખારી, અમરાપુરની શાળામાં મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે ભૂલકાઓનો દબદબાભેર શાળા પ્રવેશ કરાવ્યો, શાળાના બાળકો દ્વારા વકતૃત્વ અને કાર્યક્રમનું સ્વંયમ સંચાલન કરાયું. દાતાઓ અને વડીલોનું જાહેર સન્માન કરાયું.
*********************
રાજ્યભરમાં કોરોના કાળના બે વર્ષના બ્રેક બાદ તારીખ ૨૩મી જુને રાજ્યભરના તમામ જિલ્લાઓમાં મુખ્યમંત્રી, મંત્રીશ્રી, ધારાસભ્યશ્રી અને આઈ.એ.એસ, આઈ.પી.એસ,આઈ.એફ.એસ અને ઉચ્ચ અધિકારીઓ તથા પદાધિકારીઓની ઉપસ્થિતિમાં પ્રાથમિક શાળા અને આંગણવાડીના ભૂલકાંઓને શાળા પ્રવેશોત્સવ અને નામાંકન થકી કન્યા કેળવણીને વેગ આપવાના મહાઅભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની શાળાઓની સ્થિતિ બદલવા અને બાળકોના પ્રારંભિક શિક્ષણને વેગ આપવા માટે વર્ષ ૨૦૦૩થી શરૂ કરાયેલા આ શાળા પ્રવેશોત્સવથી રાજ્યની શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ અભિયાનને અસરકારક અને પરિણામલક્ષી બનાવવા સાબરકાંઠા જિલ્લાના પ્રભારી રાજ્યમંત્રી ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રીશ્રી ડો.કુંબેરભાઈ ડીંડોરે પ્રાંતિજ તાલુકાની પોગલુ, મેમદપુર, ખારી,અમરાપુરની પ્રાથમિક શાળા તેમજ આંગણવાડીના ભૂલકાંઓને વાજતે ગાજતે શાળા પ્રવેશ અને ભૂલકાઓનું નામાંકન કરવામાં આવ્યું હતું.
જિલ્લાના ૮ તાલુકાઓમાં પણ મહાનુભાવોના હસ્તે નામાંકન કરવામાં આવ્યું હતું. જિલ્લામાં શિક્ષણ સંચાલિત કુલ ૧૧૬૩ શાળાઓ કાર્યરત છે. શાળાના પટાંગણમાં ઉપસ્થિત ગ્રામજનો, વાલીઓ, વિદ્યાર્થીઓને સંબોધન કરતા રાજ્ય મંત્રીશ્રી ડૉ.કુંબેરભાઈ ડીંડોરે જણાવ્યું હતું કે ભણેલી દીકરી બે કુળને તારે છે. શિક્ષણએ ત્રીજું નેત્ર છે. શિક્ષણએ તમામ સમસ્યાની જડીબુટ્ટી સમાન છે. રાજ્યમાં પુરોગામી સરકારે બહેનોને આગળ વધવાના પુરતા અવસરો પૂરા પાડ્યા નથી. આ સરકારે કન્યા કેળવણીને પ્રોત્સાહન આપીને તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યુ છે અને કહ્યું હતું કે હું ભિક્ષુક છું ભિક્ષામાં મને દીકરીને ભણાવવાનું વચન આપો તેવો સંકલ્પ કર્યો હતો. જેના પરિણામે આજે દીકરા કરતાં દીકરીઓ ભણવામાં તેમજ નામાંકનમાં અગ્રેસર છે. જેન્ડર રેશીયો પણ ઇક્વલ થઈ ગયો છે અને રાજ્ય સરકારે કન્યા કેળવણી મફત અને ફરજિયાત કરી છે. ઉચ્ચ અભ્યાસ માટે ફ્રી શીપ કાર્ડ આપવામાં આવે છે. જેથી આદિવાસી, બક્ષીપંચ, દલિત દીકરીઓને આગળ વધવાના અવસરો પ્રાપ્ત થાય છે. માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ આ પરંપરાને આગળ ધપાવીને સૌનો સાથ સૌનો વિકાસ અને સૌના વિશ્વાસને ચરિતાર્થ કર્યો છે. વિકાસની કેડી ઉપર ગુજરાતની પ્રગતિ શૈક્ષણિક, આરોગ્ય, સામાજિક, ભૌગોલિક રીતે અનેકવિધ યોજના થકી આગળ ધપી રહી છે. જનકલ્યાણ કરી રહી છે. મંત્રીશ્રી કુંબેરભાઈ ડીંડોરે વધુમાં જણાવ્યું હતું કે એક વર્ષના આયોજન માટે ખેતી અનાજ ઉગાડો, દસ વર્ષના આયોજન માટે વૃક્ષ ઉગાડો અને સો વર્ષના આયોજન માટે નવી પેઢીને શિક્ષણ આપવું પડે. આપણે નવી શિક્ષણનીતિનો અમલ કરવા જઈ રહ્યા છે. જેના સુંદર પરિણામો આવનારા દિવસોમાં આપણને મળનાર છે.
રાજ્યના યુવાનો-વિદ્યાર્થીઓને લાભ થવાનો છે. આજે ગુજરાતની શાળાઓ ભૌતિક સુવિધાથી સજ્જ છે. ઓરડાઓ, પ્રજ્ઞાવર્ગ,કોમ્પ્યુટર લેબ, વિજ્ઞાન પ્રયોગશાળા જેવી સુવિધા ઉપલબ્ધ કરાઇ છે. શહેર જેવી જ સુવિધા ગામડાંમાં આપવામાં આવી રહી છે. રાજ્યની ખાનગી શાળામાંથી ૪ લાખ જેટલા વિદ્યાર્થી સર્ટિફિકેટ કઢાવીને સરકારી શાળામાં એડમિશન લઈને સરકારી શાળામાં દાખલ થયા છે. મંત્રીશ્રી ડીંડોરે વાલીઓને સંબોધતા જણાવ્યું હતું કે આપણી આ શાળાઓમાં હાઇલી ક્વોલીફાઇડ શિક્ષકો છે. તેનો લાભ બાળકોને સીધો મળવાનો છે અને તેઓ સારું શિક્ષણ આપી રહ્યા છે. શિક્ષણ સાથે સંસ્કાર, ચારિત્ર ઘડતર, રાષ્ટ્રપ્રેમનું કાર્ય થઈ રહ્યું છે. વાલીઓ પણ ઘરે બાળક આવે તો વાંચન, ગણન, લેખન કરાવવા બેસાડે તે પણ ખૂબ જરૂરી છે. આજે ૨૩મી જૂન ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસને યાદ કરી તેમણે કરેલા કાર્યોની બાળકોને ઝાંખી કરાવી હતી. સાથે ગીતાનું પઠન ગીતા જીવન દર્શન પણ બાળકોના સંસ્કારમાં ઉતરે અને જાણે તે જરૂરી છે.આપના બાળકોને પ્રેમ કરો, વ્હાલ કરો આગળ વધવા માટે પ્રોત્સાહન આપી કુટુંબ, રાષ્ટ્રની પ્રગતિમાં સહભાગી થવા અપીલ કરી હતી. અને ભૂલકાઓના ભવિષ્ય માટે શુભકામના પાઠવી હતી. અને ટેકનોલોજીના શિક્ષણ ઉપર ભાર મૂક્યો હતો. શાળાએ જ્ઞાનમંદિર છે. હવે બાળકોને બે જોડ ગણવેશ માટે રૂપિયા ૧૦૦૦ સીધા ડી.બી.ટીના માધ્યમથી ખાતામાં જમા કરવામાં આવે છે. વચ્ચે કોઈ દલાલ આવતા નથી. પૂરેપૂરા પૈસા જમા થાય છે. કોરોના કાળમાં શિક્ષણ વિભાગે ઘણું ગુમાવ્યું છે પણ તેમાં ખોટ પૂરવા શિક્ષકો વધુ સમય ફાળવીને નબળાને સબરા બનાવવા પ્રયત્ન કરશે. સર્વાંગી વિકાસ અને રચનાત્મક વિકાસમાં સૌ સાથે મળી આગળ વધીએ.
આ પ્રસંગે મંત્રીશ્રી કુંબેરભાઈ ડીંડોર અને મહાનુભાવો દ્વારા બાળકોને દફતર, પાટીપેન, પુસ્તકો ,ચોકલેટ આપી પ્રોત્સાહિત કર્યા હતા અને ધોરણ ૧ થી ૮માં ઉચ્ચ ટકાવારી મેળવનાર તેજસ્વી તારલાઓનું
સન્માન કરવામાં આવ્યું હતું અને એસ.એમ.સીના અધ્યક્ષ કમિટીની મીટિંગ યોજી પ્રશ્નોની રજૂઆત સાંભળી હતી અને દાતાઓ દ્વારા શાળામાં સહયોગ કરનાર ગ્રામજનો તથા સૌ બુઝુર્ગ વ્યક્તિઓનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. અને પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
પોગલુ પ્રાથમિક શાળામાં ધોરણ-૧માં કુમાર ૨૧ અને ૨૦ કન્યા મળી કુલ ૪૧ બાળકો તથા ૧૨ આંગણવાડીના બાળકોનું નામાંકન કરી શાળા પ્રવેશ કરાવ્યો હતો. મેમદપુરા ૧૭ કુમાર,૧૦ કન્યા મળી કુલ ૨૭ બાળકો તથા આંગણવાડીના ૫ બાળકો, ખારી અમરાપુર ખાતે ૧૦ કુમાર,૫ કન્યા મળી કુલ ૧૫ બાળકોનું નામાંકન કરાવ્યું હતું.
ખારી અમરાપુર ખાતે પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી જયસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે અમારા સમયમાં ક્યાંય કોઈ આવા શાળા પ્રવેશોત્સવ હતા નહીં. આજે સરકાર ગામડે ગામડે જઈને ભૂલકાઓનું વાજતે ગાજતે કુમકુમ તિલક કરી પ્રવેશ કરાવે છે. એ તમારું સદનસીબ છે. શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસે યાદ કરી તેમના કરેલા કાર્યો અંગે વિસ્તૃત સમજ આપી હતી અને કાશ્મીરમાં ૩૭૦ની કલમ દૂર કરવાથી એક ભારત શ્રેષ્ઠ ભારત બન્યું છે. રાજ્ય સરકાર સૌને આગળ વધવાના અવસર આપે છે. તેનો લાભ ઉઠાવી જીવનમાં પ્રગતિ કરો અને ઉજ્જવળ ભવિષ્ય માટે બાળકોને શુભેચ્છા પાઠવું છું.
આ પ્રસંગે ગામના સરપંચશ્રી, શાળાના આચાર્યશ્રી, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના ચુંટાયેલા સદસ્યો, ગામના અગ્રણીઓ, જિલ્લા શિક્ષણ અધિકારી, પ્રાંત અધિકારી, શિક્ષણ પ્રેમી, યુવાનો, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.