1400 લિટર ભેળસેળિયું દૂધ પકડાયું, એક જ કંપનીમાં નાખવાનો હતો જથ્થો - At This Time

1400 લિટર ભેળસેળિયું દૂધ પકડાયું, એક જ કંપનીમાં નાખવાનો હતો જથ્થો


જામજોધપુરનો શખ્સ બે મહિનાથી રાજકોટમાં દૂધ ઠાલવતો

વાહનમાં​​​​​​​ બે ટાંકા દૂધ હતું, તપાસ કરતાં પાણી-તેલની ભેળસેળ ખૂલી

રાજકોટ શહેરમાં ભેળસેળિયા દૂધ ઠાલવવા માટેનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે જેમાં મનપાની ફૂડ શાખાએ 1400 લિટર દૂધ પકડી તેનો નાશ કર્યો છે. ફૂડ શાખાના જણાવ્યા અનુસાર કેટલાક વાહનોમાં પાણીના પ્લાસ્ટિકના ટાંકાઓ હોય છે અને તેમાં દૂધ ભરીને હેરફેર કરે છે. આવા દૂધમાં ભેળસેળ અગાઉ પણ બહાર આવી છે તેમાં ફરી માહિતી મળતા ડેઝિગ્નેટેડ ફૂડ ઓફિસર એ. એન. પંચાલ, ફૂડ સેફ્ટી ઓફિસર આર. આર. પરમાર અને કે. જે. સરવૈયા સહિતની ટીમે કોઠારિયા રોડ પરથી પસાર થતા બોલેરો વાહન નંGJ10 TX 5961ને અટકાવીને પૂછપરછ કરી હતી. જેમાં ચાલક કારા દેવાયત મુછાળ પોતે જ વાહનમાલિક હોવાનું અને જામજોધપુર તાલુકાના અમરાપર ગામના ડોલા તળાવ નેસના રહેવાસી હોવાનું અને અલગ અલગ પશુપાલકો પાસેથી દૂધ લઈને લોઠડા ગામે આવેલી એક કંપનીમાં નાખવા જતા હોવાનું કહ્યું હતું. અધિકારીઓએ દૂધના સેમ્પલ લઈ મોબાઇલ લેબમાં પ્રાથમિક ટેસ્ટ કરાતા તેમાં ફેટ વધારવા માટે તેલનો ઉપયોગ અને જથ્થો વધારવા માટે પાણીનો ઉપયોગ કરાયો હોવાનું જણાયું હતું આથી વધુ પૃથક્કરણ માટે તેના સેમ્પલ વડોદરા મોકલાયા છે તેમજ ભેળસેળિયો જથ્થો હોવાથી 1400 લિટર દૂધનો નાશ કરાયો છે. 

દૂધ વેચનારે આશરે બે મહિનાથી આ ધંધો ચાલુ કર્યો હતો અને દરરોજનું 1500 લિટર આસપાસ દૂધ આપતો હતો તેથી અત્યાર સુધીમાં હજારો લિટર ભેળસેળિયું દૂધ રાજકોટમાં વેચી નખાયું છે અને હજુ વધારે વેચે તે પહેલા ઝડપાઇ ગયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.