મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વેરાવળમાં વિમ્સ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું*
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વેરાવળમાં વિમ્સ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું*
------------
*વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં સ્વાસ્થ્ય સુરક્ષા અને સેવાકાર્યની સુવાસ ફેલાતી રહેશે : મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ*
------------
*હોસ્પિટલના ઉદ્ઘાટન સમારોહમાં પ્રવાસનમંત્રીશ્રી મુળુભાઈ બેરા, નવસારી સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલની પણ રહી પ્રેરક ઉપસ્થિતિ*
------------
*ગીર સોમનાથ, તા.૦૪:* મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગીર સોમનાથ જિલ્લામાં ડાભોર-વેરાવળ રોડ પર જિલ્લાની નવનિર્મિત વિમ્સ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું. મુખ્યમંત્રીશ્રી એ તંદુરસ્ત અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે રાજ્ય સરકાર અભિયાન ચલાવી રહી છે તેના સંદર્ભમાં કહ્યું હતું કે પ્રાકૃતિક ખેતીને રાજ્ય સરકાર પ્રોત્સાહન આપી રહી છે અને આ અભિયાનમાં લાખો ખેડૂતો જોડાઈ રહ્યા છે.
રાજપાલ શ્રી આચાર્ય દેવવ્રત દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે અને જેને બહોળો પ્રતિસાદ મળ્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશિપ હેઠળ 'સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના પ્રયાસ' થકી છેવાડાના માનવીને પણ મુખ્યધારામાં કેવી રીતે લાવી શકાય એવા કામ થઈ રહ્યા છે. રાજ્યમાં આરોગ્યલક્ષી યોજનાઓનો વ્યાપ વધારવામાં આવ્યો છે. વેરાવળ નજીક ગ્રામ્યસ્તરે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની સુવિધાથી સામાન્ય જનતાને પણ સ્વાસ્થ્યની સુરક્ષા ઉપલબ્ધ થશે અને આવા સેવાકાર્યની સુવાસ ફેલાતી રહેશે તેમ પણ મુખ્યમંત્રી શ્રીએ જણાવ્યું હતું.
જનભાગીદારીની અગત્યતાને સ્પષ્ટ કરતા મુખ્યમંત્રીશ્રી એ કહ્યું કે, એનજીઓ અને અન્ય સંસ્થાઓ જ્યારે સરકારનો સાથ આપે છે ત્યારે એનર્જી બમણી થઈ જાય છે. આ જ રીતે રાજ્યને વિકસીત ગુજરાત બનાવવામાં બધાનો પણ સિંહફાળો નોંધાવીએ એવી અભ્યર્થના સાથે હોસ્પિટલ ખાતે સેવા ભાવનાથી આરોગ્ય સેવાના આયોજનને આવકાર્યું હતું. આ હોસ્પિટલ ખાતે આયુષ્યમાન ભારત સહિત વિવિધ યોજનાઓને પણ આયોજકો દ્વારા આવરી લેવામાં આવી છે તે અંગે હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.
નવસારી સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, આ હોસ્પિટલ ગીર સોમનાથ અને આસપાસના વિસ્તારના તમામ લોકો માટે આશીર્વાદરૂપ બનશે. ગીર સોમનાથ જિલ્લાના નાગરિકોના આરોગ્ય કલ્યાણ હેતુસર વિમ્સ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ નિષ્ણાત ડોક્ટર્સની ટીમ સાથે અદ્યતન મશીનો અને અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતા વિવિધ ૯ વિભાગ તથા હૃદયની સારવાર આપતી કેથલેબ સાથેની અદ્યતન સુવિધાઓ ધરાવે છે. આ હોસ્પિટલ જનરલ સર્જરી, ઓર્થોપેડિક, કાર્ડિયાક અને બાળરોગ, પ્રસુતિ અને સ્ત્રીરોગ જેવા વિવિધ વિભાગ અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સહિતની અદ્યતન સુવિધા પણ પૂરી પાડશે.
આ તકે સ્વાગત પ્રવચન લોકસાહિત્યકાર શ્રી માયાભાઈ આહિરે કર્યુ હતું. માયાભાઈ અને અરજણભાઈ ભમ્મરે મહાનુભાવોનું સ્વાગત પણ કર્યું હતું .આ તકે, મુખ્યમંત્રીશ્રીની સાથે પ્રવાસનમંત્રીશ્રી મુળુભાઈ બેરા, ધારાસભ્ય અને અગ્રણીઓ પણ જોડાયા હતાં. આ તકે, વિમ્સ ડિરેક્ટરશ્રી અરજણભાઈ ભમ્મર, પૂર્વ મંત્રી શ્રી જશાભાઈ બારડ, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, પૂર્વ બીજ નીગમ ચેરમેન શ્રી રાજશીભાઈ જોટવા, ધારાસભ્ય સર્વશ્રી ભગવાનભાઈ બારડ, કાળુભાઈ રાઠોડ, પ્રદ્યુમનભાઈ વાજા, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર, અમરિશભાઈ ડેર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મંજુલાબહેન કાનાભાઈ મુછાર, વેરાવળ નગરપાલિકા પ્રમુખ શ્રી પલ્લવીબહેન જાની તેમજ જિલ્લા અગ્રણી શ્રી ઝવેરીભાઇ ઠકરાર, મહેન્દ્રભાઈ પીઠિયા, શ્રી રઘુભાઈ હુંબલ, સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા, સંતશ્રી શેરનાથબાપુ, ઈન્દ્રભારતીબાપુ, બાલકનાથબાપુ સહિત જિલ્લા કલેક્ટરશ્રી એચ.કે.વઢવાણિયા, જિલ્લા પોલિસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી રવિન્દ્ર ખતાલે તેમજ આગેવાનો અને બહોળી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતાં.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.