સાબરકાંઠામાં આવાસ યોજનાના લોકાપર્ણ-ખાતમુહૂર્તકાર્યક્રમના અમલીકરણ અધિકારીઓની બેઠક યોજાઇ - At This Time

સાબરકાંઠામાં આવાસ યોજનાના લોકાપર્ણ-ખાતમુહૂર્તકાર્યક્રમના અમલીકરણ અધિકારીઓની બેઠક યોજાઇ


સાબરકાંઠામાં આવાસ યોજનાના લોકાપર્ણ-ખાતમુહૂર્ત કાર્યક્રમના અમલીકરણ અધિકારીઓની બેઠક યોજાઇ

********

બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે આગામી તા. ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસ અપર્ણ કરવામાં આવનાર છે, જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં સમાવિષ્ટ લાભાર્થીઓને લાભ મળી રહે તે માટે અમલીકરણ અધિકારીઓની નિમણૂક કરાઇ છે જેમની બેઠક સોમવારના રોજ કલેકટર શ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી.

સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપતા કલેકટર શ્રી હિતેષ કોયાએ જણાવ્યું હતું કે, આવાસોના લોકાપર્ણ-ખાતમુહૂર્ત પૂર્વે જિલ્લામાં તા.૨૭ થી ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૨ એમ ત્રિ-દિવસીય ઉજવણી કરવામાં આવશે. જેમાં જિલ્લાના ૨૨૯ ગામોમાં પ્રભાતફેરી, સ્વચ્છતા રેલી, શ્રમદાન થકી જાહેર સ્થળોએ સફાઇની કામગીરી, તેમજ સ્વચ્છતાને લગતી વિવિઘ પ્રવૃતિઓ હાથ ઘરવામાં આવશે. જયારે તા.૩૦ સપ્ટેમ્બરના રોજ પ્રભાતફેરી, વૃક્ષારોપણ, વાનગી સ્પર્ધા, આરોગ્ય તપાસણી /વેક્સિનેશન કેમ્પ, રંગોળી પુરવી, એસ.એચ.જી /વીઓ/સી.એલ.એફ. મીટીંગ, પૂજાવિધિ, હવન, ઘરદીવડા, સાંસ્કૃતિક કાર્યક્રમ, પરંપરાગત ગરબા/રાસ ઈલેક્ટ્રિક તોરણોથી આવાસનું સુશોભન સહિતની પ્રવૃતિઓ હાથ ઘરવામાં આવશે. જેમાં ગ્રામ્યકક્ષાએ નોડલ અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે.

આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી કલ્પેશ પાટીદાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ચૌધરી, જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ચારણ સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

********


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.