રાજકોટ સિવિલ હોસ્પિટલના અધિક્ષક ત્રિવેદી પાસેથી ચાર્જ ઝુંટવી લેવાયો: મોનાલી માકડીયા નવા સુપ્રિન્ટેન્ડન્ટ - At This Time

રાજકોટ સિવિલ હોસ્પિટલના અધિક્ષક ત્રિવેદી પાસેથી ચાર્જ ઝુંટવી લેવાયો: મોનાલી માકડીયા નવા સુપ્રિન્ટેન્ડન્ટ


રાજકોટ સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. આર.એસ. ત્રિવેદી પાસેથી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ તરીકેનો ચાર્જ ઝુટવી લેવાયો છે. તેમની જગ્યાએ પી.ડી.યુ. મેડીકલ કોલેજ, રાજકોટના અધિક ડીનના ડો.મોનાલી માકડીયાને નવા સુપ્રિન્ટેન્ડન્ટ બનાવાયા છે.
સિવિલ હોસ્પિટલમાં સતત વિવાદ, આંતરિક ખટપટ, ઉપરાંત ડો.ત્રિવેદીની રીતિ નીતિ સામે અનેક વખત સવાલો ઉઠ્યા હતા. જે બાદ આ કાર્યવાહી થતા સિવિલ હોસ્પિટલમાં ચર્ચા જાગી છે.
ગુજરાત સરકાર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ સચિવાલય, ગાંધીનગર દ્વારા ઉપ સચિવ વી. એમ. પટેલે જાહેર કરેલ આદેશમાં જણાવ્યું છે કે, તબીબી અધિક્ષક, પી.ડી.યુ. હોસ્પિટલ, રાજકોટનો તા.3/4/2021થી વધારાનો હવાલો ધરાવતા ડો.રાધેશ્યામ ત્રિવેદી ફીજીયોલોજીના પ્રાધ્યાપકને તબીબી અધિક્ષકના વધારાનાં હવાલામાંથી મુક્ત કરવામાં આવે છે.
ડો.મોનાલી માકડીયા, પ્રાધ્યાપક, બર્ન્સ એન્ડ પ્લાસ્ટીક સર્જરી, વર્ગ-1,ને તબીબી અધિક્ષક, પી.ડી.યુ હોસ્પિટલ, રાજકોટનો વધારાનો હવાલો તેમની મૂળ ફરજો ઉપરાંત સોંપવામાં આવે છે. વધુમાં ડો.મોનાલી માકડીયા, પી.ડી.યુ. મેડીકલ કોલેજ. રાજકોટના અધિક ડીનના વધારાના હવાલામાંથી મુક્ત કરવામાં આવ્યા છે. આદેશના પગલે સિવિલ હોસ્પિટલમાં ભારે ચર્ચા જાગી છે.
સૂત્રોએ જણાવ્યા મુજબ, તાજેતરમાં કેબિનેટ મંત્રીના સગાને સરખી સારવાર ન આપતા મોત થયાનું આક્ષેપ હતો. તેના પડઘા ગાંધીનગર સુધી પહોંચ્યા હતા. ઉપરાંત હોસ્પિટલમાં અનેક પ્રશ્નો હાલમાં જ કલેકટર કચેરીમાં મળેલી બેઠકમાં ઉઠ્યા હતા. જેમાં સાંસદ, ધારાસભ્યો, મંત્રીઓની હાજરીમાં જ સિવિલ હોસ્પિટલમાં ચાલતા તંત્રની આકરી ટીકા થઈ હતી.
આ ઉપરાંત પ્રોફેસરની બદલી માટેનો કાગળ આગળ ન મોકલવો, હોસ્પિટલમાં ડોક્ટરોની સિક્યુરિટી ન હોવી, દર્દીઓ તરફથી અવાર નવાર ફરિયાદો ઉઠવી સહિતના અનેક વિવાદો સામે આવ્યા હતા. જે આ કાર્યવાહીમાં અસરકર્તા રહ્યા છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.