95,000 કમાન્ડો, દરેક ખૂણે-ખૂણે ફોર્સ…:જમ્મુ-કાશ્મીર ચૂંટણી માટે સેના સજ્જ, દરેક બૂથ પર ઉચ્ચ સુરક્ષાકર્મીઓ તહેનાત
જમ્મુ-કાશ્મીરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. કુલ ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાશે. ચૂંટણીપંચના આદેશ પર સુરક્ષા એજન્સીઓ જમ્મુ-કાશ્મીરમાં મોટી સુરક્ષા વ્યવસ્થા કરી રહી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, રાજ્યમાં 95,000થી વધુ અર્ધલશ્કરી દળો તહેનાત કરવામાં આવશે છે. કાશ્મીર ક્ષેત્રમાં અર્ધલશ્કરી દળોની લગભગ 500 કંપની તહેનાત કરાશે. આ સિવાય જમ્મુ ક્ષેત્રમાં 450 કંપની તહેનાત કરવામાં આવશે. ચૂંટણીપંચે MHAની મદદથી ખાસ રણનીતિ બનાવી
આતંકવાદી ઘટનાઓને જોતાં ચૂંટણીપંચની સૂચના પર કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને સુરક્ષા એજન્સીઓએ ફુલપ્રૂફ સુરક્ષા વ્યવસ્થા કરી છે. આમાં જમ્મુ અને કાશ્મીર બંને ક્ષેત્રમાં લગભગ 95 હજાર સૈનિકો તહેનાત કરવામાં આવશે. આ સાથે આ વિસ્તારમાં પહેલાંથી જ તહેનાત અર્ધલશ્કરી દળોની કંપનીઓને રોકી દેવામાં આવશે. જમ્મુ તથા કાશ્મીરમાં નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણી કરાવવા માટે ચૂંટણીપંચે MHAની મદદથી ખાસ રણનીતિ બનાવી છે. તમને જણાવી દઈએ કે અમરનાથ યાત્રા દરમિયાન આ વિસ્તારમાં વધારાનાં દળો તહેનાત કરવામાં આવ્યાં હતાં. આ સાથે જમ્મુ-કાશ્મીરમાં તબક્કાવાર ચૂંટણી દરમિયાન સુરક્ષા માટે બહારથી 450થી વધુ વધારાની કંપનીઓ મોકલવામાં આવશે. વિધાનસભાની ચૂંટણી ઘણી રીતે ઐતિહાસિક
જમ્મુ-કાશ્મીરમાં 6 વર્ષ પછી વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ચૂંટણીપંચની જાહેરાત બાદ રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. રાજ્યની ચૂંટણીને ઘણી રીતે ઐતિહાસિક માનવામાં આવી રહી છે, કારણ કે છેલ્લાં પાંચ વર્ષમાં ઘણા ફેરફારો થયા છે. આમાં સૌથી મહત્ત્વપૂર્ણ છે 5 ઓગસ્ટ, 2019ના રોજ કલમ 370 નાબૂદ. જેમ જેમ ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે એમ એમ અનેક પ્રકારની ચર્ચાઓ પણ શરૂ થઈ રહી છે. શું નેશનલ કોન્ફરન્સ (NC) અને ભારતીય જનતા પાર્ટી (BJP) કાશ્મીર અને જમ્મુ પ્રદેશોમાં સૌથી મોટા પક્ષો તરીકે ઊભરી આવશે? તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં NCએ કાશ્મીર ખીણની ત્રણમાંથી બે બેઠક જીતી હતી, જ્યારે ભાજપે જમ્મુની બંને બેઠકો કબજે કરી હતી. જો વિધાનસભાની ચૂંટણીઓમાં સમાન મતદાન પદ્ધતિનું પુનરાવર્તન થાય છે તો એ કેન્દ્રશાસિત પ્રદેશના ભાવિ રાજકીય લેન્ડસ્કેપને આકાર આપી શકે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.