દગાખોર પત્નિના છરીના ઘાથી ઘવાયેલા ગાંધીગ્રામના ભવાનભાઇ નકુમનો જીવ ગયોઃ બનાવ હત્યામાં પલ્ટાયો
ગાંધીગ્રામના ભારતીનગરમાં એક મહિના પહેલા દગાખોર પત્નિએ છરીનો ઘા ઝીંકી દેતાં ગંભીર ઇજા પામેલા પતિનું સારવાર દરમિયાન સિવિલ હોસ્પિટલમાં મોત થતાં બનાવ હત્યામાં પરિણમ્યો છે. પતિ-બાળકોને છોડીને પ્રેમી સાથે ભાગેલી મહિલા છ વર્ષ પ્રેમી સાથે રહી હતી. પછી પ્રેમી તરછોડીને ભાગી પતિએ તેને ફરીથી અપનાવી હતી. પણ પ્રેમી સાથેના પોતાના લગ્નના કાગળો ઘરમાં ન મળતાં તે પતિએ છુપાવી દીધાની શંકા કરી તેણીએ પતિ સાથે ઝઘડો કરી છરી ભોંકી દીધી હતી. આ એક ઘા પતિ માટે જીવલેણ નીવડયો છે. પત્નિ હુમલાના ગુનામાં જેલમાં હોઇ હવે હત્યાની કલમનો ઉમરો થયો છે.
આ બનાવ તા. ૧૧/૯/૨૩ના રાતે ગાંધીગ્રામ ભારતીનગર-૬ વિજયભાઇ સતવારાના મકાનમાં બન્યો હતો. આ મકાનમાં હત્યાનો ભોગ બનેલા ભવાનભાઇ રવજીભાઇ નકુમ (ઉ.વ.૪૫) પત્નિ વનીતા અને બે સંતાન સાથે ભાડેથી રહેતાં હતાં. ગાંધીગ્રામ પોલીસે ઘટના બની ત્યારે સારવારમાં રહેલા (હવે મોતને ભેટેલા) ભવાનભાઇ નકુમની ફરિયાદ પરથી તેની પત્નિ વનીતા ભવાનભાઇ નકુમ વિરૂધ્ધ આઇપીસી ૩૨૬ મુજબ ગુનો નોંધી ધરપકડ કરી હતી. જે હાલ જેલહવાલે છે. ભવાનભાઇએ તે વખતે એફઆઇઆરમાં જણાવ્યું હતું કે હું પ્લમ્બીંગ કામ કરુ છું અને મુળ જામનગરના ખિલ્લોસ ગામનો વતની છું. મારે સંતાનમાં એક પુત્ર ધાર્મિક (ઉ.વ.૧૬) અને પુત્રી નેન્સી (ઉ.વ.૬) છે. દસેક વર્ષ પહેલા અમે ગાંધીગ્રામ રામાપીર ચોકડી પાસે શાષાીનગરમાં ભાડાના મકાનમાં રહેવા આવ્યા હતાં. ત્યારે અમારા પડોશમાં જગદીશ રહેતો હોઇ તેની સાથે મારી પત્નિ વનીતાને પ્રેમ થઇ ગયો હતો. આ કારણે તે છએક વર્ષ પહેલા મને મુકી પ્રેમી જગદીશ સાથે ભાગી ગઇ હતી. ત્યારબાદ આજથી દોઢેક માસ પહેલા પત્નિ વનીતાએ ફોન કરી વાત કરી હતી કે હું હવે ગાંધીગ્રામ ભારતીનગરમાં રહુ છું. મને પ્રેમી જગદીશ તેના ત્રણ વર્ષના બાળક સાથે મુકીને જતો રહ્યો છે. હવે મારે ફરીથી તમારી સાથે રહેવું છે. તેમ કહેતાં હું મારા બાળકોને લઇ ફરીથી વનીતા સાથે રહેવા લાગ્યો હતો.
ત્યારબાદ તા. ૧૧/૯/૨૩ના સાંજે આઠેક વાગ્યે હું મજૂરી કામ કરી ઘરે આવ્યો હતો. એ પછી હું અને પત્નિ વનીતા શાકભાજી લેવા ગયા હતાં. પોણા નવેક વાગ્યે પાછા ઘરે આવ્યા હતાં અને જમ્યા બાદ હું ખાટલા પર આરામ કરતો હતો ત્યારે મારી પત્નિ વનીતા માળીયા પરથી સુટકેશ ઉતારી તેમાંથી કાગળો શોધતી હતી. તેણીએ મને પુછ્યું હતું કે મેં મારા અને જગદીશના લવમેરેજના કાગળો આ સુટકેશમાં રાખ્યા હતાં એ ક્યાં છે? આ સુટકેશમાં નથી, તમે કાગળો ક્યાં મુકી દીધા છે? તેમ પુછતાં મેં તેને કહેલું કે કાગળોની મને ખબર નથી.
આ વાત થતાં વનીતા ઉશ્કેરાઇ ગઇ હતી અને ‘મને મારા કાગળો આપી દો નહિતર હું દિકરા ધાર્મિકને મારી નાંખીશ' તેમ કહી દિકરાને મારવા જતાં હું આડો ઉભો રહી જતાં તેણીએ સુટકેશમાંથી છરી કાઢી મને પેટમાં જમણી બાજુ એક ઘા ઝીંકી દીધો હતો. લોહી નીકળવા માંડતા મેં તેના પર કાપડનો ટુકડો બાંધી દીધો હતો. એ પછી પત્નિ વનીતાએ જ રિક્ષા બોલાવી હતી અને મને લાખના બંગલા નજીક દવાખાને લઇ ગઇ હતી. ત્યાં ડોક્ટરે પેટના ભાગે ટાંકા લીધા હતાં. ત્યારબાદ હું અને પત્નિ વનીતા ઘરે જતાં રહ્યા હતાં.
બીજા દિવસે ૧૨/૯ના સવારે સાડા ચારેક વાગ્યે મને ઘા લાગ્યો હતો તે ભાગે વધુ દુઃખાવો ઉપડતાં મેં પત્નિ વનીતાને દવાખાને લઇ જવાનું કહેતાં તેણી મને રિક્ષા બોલાવી રાજકોટ સિવિલ હોસ્પિટલે લાવી હતી. અહિ હું બેભાન જેવો થઇ ગયો હતો. સાંજે છએક વાગ્યે ભાનમાં આવતાં ડોક્ટરે મને કહ્યું હતું કે પેટમાં જમણી બાજુ આંતરડા સુધી ઇજા પહોંચી છે અને છરીના ઘાથી આંતરડામાં ગંભીર ઇજા થઇ છે. આ પછી મેં મારા ભાઇઓ ભાણજીભાઇ અને નવીનભાઇને વાત કરી હતી. એ પછી મારા ભાઇઓએ પોલીસ સ્ટેશને પહોંચીને જાણ કરતાં પોલીસે મારી ફરિયાદ પરથી પત્નિ વનીતા વિરૂધ્ધ ગુનો નોધયો હતો.
ઉપરોક્ત વિગતો હુમલો થયો ત્યારે ભવાનભાઇ નકુમે પોતાની ફરિયાદમાં નોંધાવી હતી. જેના આધારે ગાંધીગ્રામ પીઆઇ એમ. જે. વસાવા, પીએસઆઇ પરમાર, હીરાભાઇ રબારી, કેલ્વીનભાઇ સાગર સહિતે ગુનો નોંધી આરોપી પત્નિ વનીતા ભવાનભાઇ નકુમની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતાં જેલહવાલે થઇ હતી. જે હજુ સુધી જેલમાં જ છે.
બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં સતત એક મહિનાથી સારવાર હેઠળ રહેલા ભવાનભાઇએ ગત રાતે દમ તોડી દેતાં આ બનાવ હત્યામાં પરિણમ્યો છે. પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવા તજવીજ કરી હતી. પ્રેમી સાથે ભાગીને છ વર્ષ તેની સાથે રહ્યા બાદ પ્રેમીએ દગો કરતાં પરત આવી પતિ સાથે રહેતી મહિલાએ પોતાના અને પ્રેમીના લગ્નના કાગળો માટે થઇને પતિને છરી ભોંકી દીધી હતી. છરીનો એ ઘા હવે જીવલેણ નીવડતાં બે સંતાને પિતાની છત્રછાંયા ગુમાવી દીધી છે. ભવાન ભાઇ પ્લમ્બીંગ કામની મજૂરી કરતાં હતાં. ત્રણ ભાઇ અને ચાર બહેનમાં વચેટ હતાં. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને અંતિમવિધી માટે વતન ખિલ્લોસ ગામે લઇ જવાશે તેમ તેમના ભાઇએ કહ્યું હતું. (૧૪.૫)
છરી ઝીંકી પત્નિ જ હોસ્પિટલે લાવી હતીઃ ત્યારે પ્લમ્બીંગ કામ કરતાં પડી જતાં સળીયો લાગી ગયાનું કહ્યું હતું!
પહેલા દિવસે ખાનગી સારવાર અપાવી, બીજા દિવસે સિવિલમાં દાખલ કર્યા હતાં
ભવાનભાઇને ૧૧/૯ના રોજ પત્નિ વનિતાએ પેટમાં છરી ભોંકી દીધા બાદ પોતે જ પતિને ગાંધીગ્રામમાં લાખના બંગલા પાસેના દવાખાને લઇ જઇ પતિને અકસ્માતે ઇજા થયાનું કહી સારવાર અપાવી દીધી હતી. પણ બીજા દિવસે પતિને દુઃખાવો વધી જતાં પત્નિને વાત કરતાં તેણીએ તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતાં. અહિ તબિબ અને હોસ્પિટલ ચોકીના સ્ટાફની પ્રાથમિક પુછતાછમાં વનીતાએ હુમલાની વાત છુપાવી હતી અને પતિ ઇન્દિરા સર્કલ પાસે પાંચ માળીયા બિલ્ડીંગમાં પ્લમ્બીંગ કામે ગયા ત્યારે પડી જતાં પેટના ભાગે સળીયો ખુંચી ગયાની નોંધ કરાવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે તે મુજબ એન્ટ્રી નોંધાવી હતી. પરંતુ એ દિવસે સાંજે ભવાનભાઇ ભાનમાં આવ્યા બાદ તેણે પોતાના ભાઇઓને સાચી વાત કરી હતી. બાદમા પોલીસે ગુનો નોંધી ત્યારે જ વનીતાની ધરપકડ કરી લીધી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.