ભોમેશ્વરમાં કુખ્યાત આરીફ કયડા આણી ટોળકીએ મહિલાના ઘરમાં સોડા બોટલના ઘા કર્યા
જૂની અદાવતમાં બે જૂથ ફરી ભડકયા હોય અને સામસામે બઘડાતી બોલી હતી અને પોલીસના હાથ ટૂંકા પડ્યા હોય તેમ મુક પ્રેક્ષક બની હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું હતું. ભોમેશ્વરમાં કુખ્યાત આરીફ કયડા આણી ટોળકીએ મહિલાના ઘરમાં સોડા બોટલના ઘા કરી તોડફોડ કરી ધમકી આપતાં ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે ભોમેશ્વર પ્લોટ શેરી નં.12 માં ખોડિયાર ડેરી સામે રહેતાં રસીદાબેન મુનાફભાઇ જુણેજા (ઉ.વ.49) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે આરીફ ઓસમાણ કયડા, રઘુ અને બે અજાણ્યાં શખ્સોના નામ આપતાં ગાંધીગ્રામ પોલીસે આઈપીસી 504, 506(2),427,336 સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ પતિ મુનાફ અને પુત્ર મોસીન (ઉ.વ.29), સમીર (ઉ.વ.27) સાથે રહે છે. તેમના દિયર વાસીમભાઇ જુણેજાએ ચારેક મહિના પહેલાં આરીફ કયડા અને મોસીન કયડા વિરુધ્ધ અગાઉ પ્ર.નગર પોલીસ સ્ટેસનમાં મારામારી અંગેની ફરીયાદ કરેલ હતી. જે કેસ હાલ કોર્ટમાં ચાલુ છે. જે કેસમાં સમાધાન કરવા આરીફ કયડા અવાર નવાર કહેતો હોય પરંતુ તેણીના દિયરે સમાધાન કરેલ ન હતું. જેથી આ મામલે તે કેસમાં વચ્ચે રહી સમાધાન કરાવવા કહેલ હતું. પરંતુ તેણીના દિયરે સમાધાન કરવાની ના પાડેલ હતી.
ગઇ તા.22/04/2024 ના રાત્રીના દશેક વાગ્યાની આસપાસ આરીફ કયડાએ પરાબજારમાં જલારામ ભેળવાળા સાથે મારામારી કરેલ હોવાના સમાચાર તેણીના દિયર વાસીમભાઇ જુણેજાને મળતા તેઓ બન્ને પતિ-પત્નીને ડર લાગેલ કે, આ આરીફ કયડા તેઓના ઘરે પણ આવી ઝધડો કરશે તેવા ભયથી દંપતી તેણીના ઘરે આવેલ હતા અને તેણીના ઘરે કોઈ પુરુષ હાજર ન હતા. બાદમાં તેઓ અને તેમની પુત્રવધુ પોતા પોતાના રૂમમાં સુઇ ગયેલ હતા.
બાદમાં મોડી રાતે દોઢ વાગ્યાની આસપાસ તેણી ઉપરના રૂમમાં સૂતી હતી તે રૂમની બાલ્કનીનો કાચ તુટવાનો અવાજ આવતા તુરંત બારીમાંથી નીચે જોતા આરીફ કયડા અને તેની સાથેના ત્રણ શખ્સો નીચે ઉભેલ હતાં. આરીફ કયડાના હાથમાં ખાલી કાચની સોડાની બોટલ હતી અને તે મોટે મોટેથી ગાળો બોલતો હતો અને કહેતો હતો કે, વાસીમભાઇ જુણેજાએ અમારી ઉપર જે પોલીસ ફરીયાદ કરેલ છે જે કેસમાં તમે સમાધાન કરાવી દ્યો નહીતર કોઇને જીવતા નહી રહેવા દઇ તેમ કહી ચારેય શખ્સો બે બાઇકમાં નાસી છૂટ્યા હતાં.
બાદમાં તેઓની ઘરે લગાડેલ સી.સી.ટી.વી કેમેરા જોતા ત્રણ અજાણ્યા શખ્સોમાંથી તેણીના દિયરની બાજુમાં રહેતો રઘુ હોવાનું જોવા મળ્યું હતું. તેમજ આરીફ કાચની સોડા બોટલના ચારેક છુટા ઘા ઘરની ઉપરના રૂમની બાલ્કનીમાં કરતો હોવાનું જોવા મળ્યું હતું. બનાવ અંગેની ફરીયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી પીએસઆઈ એન.વી.હરિયાણી અને ટીમે આરોપીની શોધખોળ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.