ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ઘુડખર અભયારણ્યમાં વસતા વન્ય પ્રાણીઓ માટે પાણીની સુવિધા પૂરી પાડવા આશરે ૫૦ જેટલા જળકુંડ - At This Time

ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ઘુડખર અભયારણ્યમાં વસતા વન્ય પ્રાણીઓ માટે પાણીની સુવિધા પૂરી પાડવા આશરે ૫૦ જેટલા જળકુંડ


*કચ્છના નાના રણમાં વસતા ઘુડખરોની વ્હારે આવ્યો ગુજરાત વન વિભાગ*
**********
*ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ઘુડખર અભયારણ્યમાં વસતા વન્ય પ્રાણીઓ માટે પાણીની સુવિધા પૂરી પાડવા આશરે ૫૦ જેટલા જળકુંડ બનાવાયા*
**********
*વનકર્મીઓ દ્વારા દરરોજ સવાર-સાંજ તમામ જળકુંડમાં પાણી ભરવાની થઇ રહી છે સરાહનીય કામગીરી*
**********
ગરમીના પ્રમાણમાં દર વર્ષે થઇ રહેલા વધારા અને હીટવેવના કારણે સમગ્ર માનવ-પશુ જીવન પ્રભાવિત થઇ રહ્યું છે. ઉનાળાની આ કાળઝાળ ગરમી અને એમાં પણ હીટવેવમાં આપણે કેવા વિહવળ થઇ જઇએ છીએ? ત્યારે વિચારો કે, આ સ્થિતિમાં વન્ય જીવોનું શું થતું હશે? પરંતુ ગુજરાત સરકારનો વન વિભાગ આવા અબોલ વન્ય જીવોની વ્હારે આવ્યો છે. રાજ્યમાં આવેલી કોઇપણ વિપરીત પરિસ્થિતિઓ દરમિયાન વન્ય જીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે વન વિભાગ-વન કર્મીઓ હરહંમેશ ખડેપગે રહ્યા છે. આ કાળઝાળ ગરમીમાં પણ વન વિભાગે વન્ય પ્રાણીઓની સાચા અર્થમાં ચિંતા કરી છે.

વાત છે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા ઘુડખર અભયારણ્યની. કચ્છના નાના રણમાં અને આશરે ૪,૯૫૪ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા ઘુડખર અભયારણ્યમાં ઉનાળા દરમિયાન શુષ્ક આબોહવાના પરિણામે ગરમીનું મહત્તમ તાપમાન ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જતું હોય છે. આ અભયારણ્યમાં આશરે ૬,૦૦૦થી વધારે ઘુડખર વસવાટ કરે છે. ઉનાળાની ગરમી દરમિયાન અહીં પીવાના પાણીની સમસ્યા વિકરાળ બને છે. આવા સમયે વન વિભાગ દ્વારા અભયારણ્યમાં વિવિધ સ્થળોએ પાણીના જળકુંડની ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

પર્યાવરણીય વિવિધતા ધરાવતા આ અભયારણ્યમાં ઘુડખર ઉપરાંત નીલગાય, વરૂ, શિયાળ, જરખ, સસલાં સહિત જુદા-જુદા પક્ષીઓ પણ વસવાટ કરે છે. અભયારણ્યમાં વસતા આ વન્ય પ્રાણીઓની પ્રાણ સલામતી માટે વન વિભાગ દ્વારા વિવિધ સ્થળોએ આશરે ૫૦ જેટલા જળકુંડ બનાવવામાં આવ્યા છે અને તેને વન કર્મીઓ દ્વારા નિયમિત રીતે દિવસમાં બે વાર પાણીથી ભરવામાં આવે છે. રણમાં ૪ થી ૫ કીલોમીટરના અંતરે તેમજ રણ આસપાસના બજાણા, ખારાઘોડા, દહેગામ, પીપળી, અખીયાણા, ઝીંઝુવાડા, વચ્છરાજપુરા, અમરાપુર, ભીમકા, ઓડુ જેવા ગ્રામીણ વિસ્તારના રણકાંઠે પણ પાણીના પોઈન્ટ બનાવવામાં આવ્યા છે.

દરરોજ આ જળકુંડમાં પાણી ભરવા જતા વન વિભાગના વન સંરક્ષકના જણાવ્યાનુસાર કેટલીક જગ્યાએ પાણીના હોજ અને અવેડા પણ તૈયાર કરાયા છે. રણમાં આવેલા આ પાણીના પોઈન્ટ પર રોજ સવાર-સાંજ અનેક વન્ય પ્રાણીઓ પોતાની તરસ છીપાવવા આવતા હોય છે. ૫૦ ડિગ્રી તાપમાનમાં વન્ય પ્રાણીઓને પાણી જેવી જરૂરી સુવિધા પૂરી પાડીને ગુજરાતનો વન વિભાગ જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડી રહ્યો છે. માત્ર કચ્છના નાના રણમાં જ નહિ, ગુજરાતના અન્ય અભયારણ્યો ખાતે પણ વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓ માટે વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.
**********
નિતિન રથવી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.