પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષસ્થાને બોટાદ જિલ્લા આયોજન મંડળ તથા ATVT જોગવાઇ હેઠળના કાર્યોનો “વર્કઓર્ડર વિતરણ કેમ્પ” સંપન્ન
પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષસ્થાને બોટાદ જિલ્લા આયોજન મંડળ તથા ATVT જોગવાઇ હેઠળના કાર્યોનો “વર્કઓર્ડર વિતરણ કેમ્પ” સંપન્ન
બોટાદમાં વરસી વિકાસકાર્યોની હેલી
કુલ રૂ.835.77 લાખના 270 કામોનો વર્કઓર્ડર, કુલ રૂ.65.03 લાખના 46 કામોની વહીવટી મંજૂરી, કુલ રૂ.616.17 લાખના 1 કામનું ઈ-ખાતમુહૂર્ત તેમજ રૂ.45.29 લાખના 3 કામોનું ઈ-લોકાર્પણ કરાયું
બોટાદ જિલ્લાની મહિલાઓનાં સ્વ-સહાય જૂથો માટે બરવાળા-સાળંગપુર રોડ પર નિર્માણ પામશે રૂ. 60 લાખના ખર્ચે ગ્રામ હાટ
*વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના “વાંચે ગુજરાત” અભિયાનને વેગ આપવા બોટાદમાં 1.25 કરોડનાં ખર્ચે અદ્યતન વાંચનાલય આકાર પામશે
: મંત્રીશ્રીમતી ભાનુબેન બાબરિયા
રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી અને બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષસ્થાને બોટાદ જિલ્લા આયોજન મંડળ તથા ATVT જોગવાઇ હેઠળના કાર્યોનો “વર્કઓર્ડર વિતરણ કેમ્પ” યોજાયો હતો. મંત્રીશ્રીના હસ્તે જિલ્લા આયોજન મંડળ અને ATVT જોગવાઇ અંતર્ગત બોટાદ જિલ્લાના વિકાસલક્ષી કાર્યોનાં વર્ક ઓર્ડર વિતરણ, ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
જે અન્વયે મંત્રી દ્વારા કુલ રૂ.835.77 લાખના 270 કામોનો વર્કઓર્ડર, કુલ રૂ.65.03 લાખના 46 કામોની વહીવટી મંજૂરી, કુલ રકમ રૂ.616.17 લાખના 1 કામનું ઈ-ખાતમુહૂર્ત તેમજ રૂ.45.29 લાખના 3 કામોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું
મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાએ પ્રાસંગિક ઉદબોધન કરતા કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ડબલ એન્જીનની સરકારે સૌ નાગરિકોને ગૌરવ થાય તે પ્રકારની કામગીરી કરી છે. આજે ગુજરાતનો વિકાસ સમગ્ર દેશ માટે રોલ મોડલ બન્યો છે. તાજેતરમાં જ આપણાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનાં નેતૃત્વમાં ગુજરાતમાં 20 વર્ષ પૂર્વે આરંભાયેલા સ્વાગત કાર્યક્રમની સફળતાની ઉજવણી અન્વયે સ્વાગત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનાં થકી ગામે-ગામ લોકોના પ્રશ્નોનું ઘરઆંગણે જ અને ત્વરિત નિવારણ આવ્યું છે. ગુજરાત સરકારે વ્યાપક યોજનાઓનો અમલ કરીને નાગરિકોની સુખાકારીમાં ઉત્તરોત્તર વધારો કર્યો છે, અને આ કાર્યમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વને કારણે આપણે અનેક નવા આયામો સિદ્ધ કર્યા છે.
મંત્રી શ્રીમતી ભાનુબેને વર્ક ઓર્ડર વિતરણ અને વિકાસલક્ષી કામોના ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ યોજવા બદલ અભિનંદન પાઠવતા ઉમેર્યુ હતું કે, બોટાદ જિલ્લાનો શ્રેષ્ઠ રીતે વિકાસ થાય તે માટે સરકાર અને વહીવટી તંત્ર સતત કાર્યરત છે. બોટાદ જિલ્લા આયોજન મંડળે લોકહિતલક્ષી કામો પારદર્શક અને ઝડપી બની રહે તે હેતુસર જે-તે વર્ષનાં કાર્યો તે જ વર્ષમાં પૂર્ણ કરવાનો મક્કમ નિર્ધાર કર્યો છે. જેથી બોટાદ જિલ્લાની આ આગવી અને અનોખી પહેલ અન્ય જિલ્લાઓ માટે પ્રેરણાદાયી બની છે.
આ વેળાએ ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભીએ જણાવ્યું હતું કે, આજના કાર્યક્રમમાં સીધા સરપંચોનાં હાથમાં જ વર્ક ઓર્ડર આપવામાં આવ્યા છે જે ખરેખર સરાહનીય છે. વ્યક્તિને સીધો જ લાભ મળે તેવો સરકારનો અભિગમ રહ્યો છે.
જિલ્લા કલેક્ટર ડૉ.જીન્સી રોયે પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, બોટાદ જિલ્લાના આંગણે આજે જિલ્લા આયોજન મંડળ તથા ATVT જોગવાઈ હેઠળ અનેક વિકાસકાર્યોની હેલી વરસી છે જેના થકી બોટાદ જિલ્લાના લોકોની સુખાકારીમા વધારો થવાની સાથે સૌને સુલભ સુવિધાઓ પણ પ્રાપ્ત થશે. આયોજનના કામો જે તે તાલુકામાં અગ્રતાના ધોરણે નક્કી કરાતાં હોય છે. કલેક્ટરએ વધુમાં ઉમેર્યું હતું કે, લોકોને આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહે તે માટે બોટાદ શહેરી વિસ્તાર સહિત જિલ્લાના તમામ તાલુકાકક્ષાએ ડાયાલીસીસની સુવિધા પણ પ્રાપ્ત થઈ રહી છે.
આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી જણાવ્યું હતું કે, આજે બોટાદના આંગણે વિકાસકાર્યોનો જાણે ઉત્સવ ઉજવાય રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. એકસાથે અંદાજે 9 કરોડના વિકાસકાર્યોનો આજે વર્ક ઓર્ડર આપવામાં આવી રહ્યો છે જે ખરેખર પ્રશંસનિય છે.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદાનિયાએ સૌ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. કાર્યક્રમનાં અંતે આભારવિધિ કરતાં જિલ્લા આયોજન અધિકારીશ્રી બી.કે.જોશીએ જણાવ્યું હતું કે, આજનો બોટાદ જિલ્લાનો આ વર્કઓર્ડર વિતરણ કાર્યક્રમ રાજ્યમાં કરવામાં આવેલી નવતર પહેલ છે. જે અન્ય જિલ્લાઓ માટે દીવાદાંડી સમાન સાબિત થશે. આ તકે તેમણે ઉમેર્યું હતું કે, જે સરપંચ ૩ માસમાં કામ પૂરું કરશે તેમનું વિશેષ સન્માન કરવામાં આવશે.
બોટાદના નગરપાલિકા ટાઉનહોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કિશોરભાઈ બળોલિયા સહિત જિલ્લાના અધિકારીઓ- પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં બોટાદવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બોટાદ જિલ્લાની મહિલાઓનાં સ્વ-સહાય જૂથો માટે બરવાળા-સાળંગપુર રોડ પર નિર્માણ પામશે રૂ. 60 લાખના ખર્ચે ગ્રામ હાટ: મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા
આ અવસરે બોટાદ જિલ્લાનાં પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાએ બોટાદવાસીઓ માટે વિકાસકાર્યોની હેલી વરસાવતા જાહેરાત કરી હતી કે, બરવાળા તાલુકા સ્થિત સાળંગપુર ધામ રાજ્યનાં મહત્વનાં યાત્રાધામ તરીકે વિકસી રહ્યું છે, જેનો લાભ આપણી બોટાદ જિલ્લાની બહેનોને પણ મળે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગ્રામ્ય સ્તરે મહિલાઓ આત્મનિર્ભર બની પોતાના કૌશલ્ય દ્વારા આગળ આવે તેમજ ગ્રામ્ય કળાનો વ્યાપક પ્રચાર-પ્રસાર થાય તે હેતુસર બોટાદ જિલ્લાની મહિલાઓનાં સ્વ-સહાય જૂથો માટે બરવાળા-સાળંગપુર રોડ પર રૂ. 60 લાખના ખર્ચે ગ્રામ હાટ બનાવવામાં આવશે. જે બોટાદ જિલ્લાની બહેનો માટે આત્મનિર્ભરતાનું માધ્યમ બની રહેશે. આ પ્રોજેક્ટ થકી બોટાદની બહેનોને નવું જોમ મળશે અને રાજ્યસ્તરે પણ બહેનો અને માતાઓ પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી શકશે.
((બોક્સ-2 ))
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વાંચે ગુજરાત અભિયાનને વેગ આપવા બોટાદમાં 1.25 કરોડનાં ખર્ચે અદ્યતન વાંચનાલય આકાર પામશે: મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા
આજે આ લોકાર્પણ કાર્યક્રમમાં બોટાદવાસીઓને એક-બે નહિ પરંતુ અનેક વિકાસકાર્યોની ભેટ મળી રહી છે ત્યારે બોટાદના લોકોને વાંચનાલય રૂપે એક નવલું નજરાણું મળવા જઇ રહ્યું છે. બોટાદ જિલ્લાના પ્રભારીમંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાએ જણાવ્યું હતું કે, બોટાદનાં યુવાનો કારકિર્દીની સુવર્ણ કેડી કંડારી શકે તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા સહિત દેશ-દુનિયાનું જ્ઞાન ઉપાર્જન કરી શકે તે હેતુથી બોટાદ ખાતે રૂ. 1.25 કરોડનાં ખર્ચે અદ્યતન વાંચનાલય આકાર પામવા જઇ રહ્યું છે. આ વાંચનાલય થકી યુવાપેઢી જ્ઞાનનાં આદાન-પ્રદાન થકી નવતર જાણકારી મેળવી ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકશે.
Report by
Ashraf jangad
9998708844
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.