રાજકોટમાં પણ કોલેરાનો ફુંફાડો : લોહાનગરને અસરગ્રસ્ત જાહેર કરવા તૈયારી
રાજકોટ શહેરમાં પણ કોલેરાનો કેસ બહાર આવતા ખળભળાટ મચ્યો છે.
કમિશ્નર દેવાંગ દેસાઇની સૂચનાથી આરોગ્ય વિભાગની ટીમો લોહાનગર વિસ્તારમાં ઉતરી પડી છે અને એક કિ.મી. વિસ્તારમાં આવેલા 448 ઘરનો સર્વે કરવામાં આવ્યો છે. પાણીના નમુના ચકાસવામાં આવી રહ્યા છે અને લોકોને ઓઆરએસના પેકેટનું વિતરણ પણ શરૂ કરવામાં આવ્યા હોવાનું કમિશ્નરે જણાવ્યું હતું.
કમિશ્નર દેવાંગ દેસાઇએ કહ્યું હતું કે, તાજેતરમાં ગોંડલ રોડ પર રેલવે ફાટક પાસે આવેલા લોહાનગરમાં છ વર્ષના એક બાળકને કોલેરાના રોગનું નિદાન થયું હતું. ઘરના પાણીની અસ્વચ્છ ટાંકીમાંથી આવેલું દુષિત પાણી પીવાથી આ બાળકને કોલેરા લાગુ થયાનું માનવામાં આવે છે.
આ અંગેની જાણ થતા તુરંત આરોગ્ય વિભાગની ટીમ વિસ્તારમાં પહોંચી હતી. એક કિ.મી. વિસ્તારમાં આવેલા મકાનોનો સર્વે કરી પાણીના નમુના ચકાસવામાં આવી રહ્યા છે. જરૂર હોય ત્યાં સુપર કલોરીનેશન પણ શરૂ કરવામાં આવ્યું છે. ગઇકાલે સરકારમાંથી નાયબ નિયામક રાજકોટ આવ્યા હતા અને તેમણે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
બે દિવસ પહેલા જામનગરમાંથી પણ કોલેરાના કેસ બહાર આવ્યા હતા. શંકાસ્પદ દર્દીઓના સ્ટુલ સેમ્પલ લઇને પણ મનપાએ તપાસ શરૂ કરાવી છે. આ વિસ્તારમાં ઝીંક ટેબ્લેટ અને ડીહાઇડ્રેશન રોકવા ઓઆરએસનું વિતરણ શરૂ કરાયું છે.
આ ઉપરાંત ઝાડા-ઉલ્ટીના કેસની પણ તપાસ કરાઇ રહી છે. જે વિસ્તારમાંથી કોલેરાનો કેસ બહાર આવે તે વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવે છે. આ મુજબ રાજકોટના લોહાનગર વિસ્તારને પણ કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી સંભાવના છે. હાલ કમિશ્નરે આરોગ્ય વિભાગને હાઇએલર્ટ પર મૂકી દીધો છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.