રાજકોટ: આચારસંહિતાના નામે હેરાન નહીં કરાય તેવી ખાતરી મળતા સોની બજાર બંધનું એલાન મુલત્વી - At This Time

રાજકોટ: આચારસંહિતાના નામે હેરાન નહીં કરાય તેવી ખાતરી મળતા સોની બજાર બંધનું એલાન મુલત્વી


આચારસંહિતાના બહાન લોકોની કનડગત થતી હોવાના કિસ્સા પણ વધવા લાગ્યા છે, રાજકોટની સોની બજારના વેપારીઓએ તો આ બાબતે ઉગ્ર વિરોધ કરી પોલીસ કમિશ્નર અને જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી જો હેરાનગતિ અટકાવવામાં નહીં આવે તો અચોકકસ મુદત સુધી સોનીબજાર બંધ રાખવાની ચીમકી આપી હતી.
જો કે તંત્ર વાહકોએ આ હેરાનગતિ કે કનડગત થતી હોય ત્યાં એક-બે દિવસમાં પગલાં લઇ દૂર કરવામાં આવશે તેવી ખાતરી આપતા સોની બજારના વેપારીઓએ હાલ બંધ પાળવામાં નિર્ણય મુલત્વી રાખ્યો છે.
વિધાનસભાની ચુંટણીને લઇને આચારસંહિતાનું પાલન કરાવવા પોલીસ અને મિલટરી ફોર્સ દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન ચેકીંગના બહાને વેપારીઓને કનડગત કરાતી હોવાના કિસ્સા એક પછી એક બહાર આવવા લાગ્યા છે. જેના કારણે ધંધા ઉપર પણ માઠી અસર થઇ છે. સોનીબજારમાં તો ચેકીંગ પોઇન્ટ બનાવવામાં આવ્યો છે.
રાજકોટ ગોલ્ડ ડિલર્સ એસો. ના પ્રમુખ ભાયાભાઇ સાહોલિયા, સેક્રેટરી જયેન્દ્ર રાણપરા સહિતના પ્રતિનિધિ મંડળે કલેકટરને પાઠવેલા આવેદન દ્વારા એવી રજુઆત કરી હતી કે આચારસંહિતાના નિયમોનું પાલન કરાવવા મૂકાયેલા કેટલાક અધિકારીઓ પોતાને મળેલી સત્તાનો દુરપયોગ કરી સોની બજારના વેપારીઓને ચેકીંગના બહાને હેરાન કરવામાં આવે છે.
જો આ પ્રકારની હેરાનગતિ બંધ નહી કરાય તો અમારે સોની બજાર અચોકકસ મુદત સુધી બંધ રાખવા મજબુર બનીશું. સોની વેપારીઓની રજુઆતને લક્ષમાં લઇ કલેકટરે આ બાબતે એક-બે દિવસમાં જે તે અધિકારીઓને સુચના આપી બીનજરુરી રીતે હેરાન નહી કરાય તેવી ખાતરી આપી છે. આ ખાતરી મળતા હાલ સોનીબજાર બંધનું એલાન મુલતવી રાખવામાં આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.