માન. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુ ના વરદહસ્તે આયુષ્માન ભવઃ કાર્યક્રમનું વર્ચ્યુઅલી લોન્ચીંગઃ આરોગ્યની તમામ યોજનાઓનો લાભ પોતાના ગામમાં જ મળશે.
મોડાસા ટાઉનહોલ ખાતે કલેક્ટરશ્રી પ્રશસ્તિ પરિકની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયોઃ લાભાર્થીઓને આયુષ્માન અને આભા કાર્ડનું વિતરણ કરાયું.
આ પ્રસંગે ઉપસ્થિત સૌએ અંગદાન અંગે સંકલ્પ લીધા.
ગુજરાતની મુલાકાતે પધારેલા દેશના માન. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુના વરદહસ્તે સમગ્ર દેશમાં આયુષ્માન ભવઃ કાર્યક્રમનું વર્ચ્યુઅલી લોન્ચીંગ કરવામાં હતું. આ પ્રસંગે અરવલ્લી જિલ્લામાં મોડાસાના ટાઉન હોલ ખાતે કલેક્ટરશ્રી પ્રશસ્તિ પરિકની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આયુષ્માન ભારત યોજના અને આભા કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ અંગદાન અંગે સંકલ્પ લીધા હતા.
આ પ્રસંગે કલેક્ટરશ્રી પ્રશસ્તિ પરિકે જણાવ્યું કે, આરોગ્ય વિભાગની આયુષ્માન ભારત યોજના સહિત તમામ યોજનાઓનો લાભ લાભાર્થીઓને પોતાના ગામમાં જ મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી તા.૧૭ સપ્ટેમ્બરથી આ અભિયાનની શરૂઆત કરવામાં આવનાર છે. તા.૨ ઓક્ટોબરના રોજ આયુષ્માન ગ્રામસભા અંતર્ગત ગામમાં લાભ લીધેલ લાભાર્થીના અનુભવ શેર કરી વધુમાં વધુ અને બાકી રહી ગયેલા લાભાર્થીઓ કાર્ડ મેળવે તે માટે પ્રચાર-પ્રસાર કરીને જન જાગૃતિ હાથ ધરાશે અને જે ગામમાં 100% કામગીરી થઇ હોય તેમને પ્રોત્સાહીત કરાશે. આ ઉપરાંત દરેક તાલુકામાં રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાવાસીઓને રક્તદાન કરવાની અપીલ કરતાં કલેક્ટરશ્રીએ કહ્યું કે, લોકો રક્તદાન અને અંગદાન કરતા થાય એ માટે જિલ્લામાં રક્તદાન અને અંગદાન અંગેની જાગૃતિ ફેલાવવામાં આવશે. જિલ્લાના હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરોમાં આયુષ્યમાન મેળાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
અરવલ્લી જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને SDH ખાતે સાફ સફાઈ અને કાયાકલ્પ અંતર્ગત કામગીરી કરાશે. તા.૧૭/૦૯/૨૦૨૩થી તા.૦૨/૧૦/૨૦૨૩ ના સમયગાળા દરમ્યાન આરોગ્યના કેમ્પો યોજવામાં આવશે. જેમાં ડાયાબિટીસ, હાઇપર ટેન્શન, હ્રદયરોગ, લકવો, ઓરલ કેન્સર, બ્રેસ્ટ કેન્સર અને ગર્ભાશયના મુખનું કેન્સર જેવા રોગોની પ્રાથમિક તપાસ અને સ્ક્રિનિંગની કામગીરી દરેક ગામમાં કરવામાં આવશે. આયુષ્માન આપકે દ્વાર ૩.૦ અંતર્ગત ૭૦,૦૦૦ થી વધુ લાભાર્થીને આયુષ્યમાન ભારત એમજેએવાય ના પીવીસી કાર્ડનું વિતરણ કરાશે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ લાલસિંહ ચૌહાણ,જિલ્લા વિકાસ અધિકારીશ્રી દીપેન કેડિયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રાજેશ કુચારા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ર્ડા. સિદ્દિકી સહિત લાભાર્થીઓ અને મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.