જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સુન પ્રિપ્રેર્ડનેસ અંતર્ગત બેઠક યોજાઇ કલેકટરશ્રીએ જિલ્લાના અધિકારીશ્રીઓને પ્રિ-મોન્સુન અંતર્ગત કામગીરી કરવા માર્ગદર્શિત કર્યા
ગીર સોમનાથ,તા.૧૩:જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સંકલન હોલ, ઈણાજ ખાતે ચોમાસા પહેલાની આગોતરી તૈયીરીઓ અંગેની બેઠક યોજાઇ હતી.
જિલ્લા કલેકટરશ્રીએ પ્રિ-મોન્સુનની તૈયારીઓ માટે ગ્રામ્ય અને નગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અપડેટ કરવાં,તરવૈયા અને રેસ્ક્યુ ટીમો તૈયાર કરવાં, પૂરના કારણે સ્થળાંતર કરી શકાય તેવાં વિસ્તારો ચકાસી લેવાં જણાવ્યું હતું. તેમજ પાણી ભરાવાના પ્રશ્નો ન રહે અને વોકળા,ગટરની સાફ-સફાઇ સમયસર થઇ જાય અને જર્જરીત પુલો,કોઝવે સહિતનું સમારકામ કરીને તે માટે તકેદારીના તમામ પગલાં ભરવા સંબંધિત અધિકારીઓને વહેલી તકે કાર્ય કરીને રિપોર્ટ કરવા સૂચના આપી હતી.
તદુપરાંત, કલેકટરશ્રીએ જિલ્લામાં જ્યાં- જ્યાં જર્જરિત મકાનો હોય તો તેવા મકાનોની ખાતરી કરી આવા જર્જરિત મકાનો ઉતારી લેવામાં આવે તે માટેની કાર્યવાહી કરવા જણાવ્યું હતું. કલેક્ટરશ્રીએ રોગચાળો ન ફેલાય તે માટે સ્વાસ્થ્ય સબંધિત તાકિદના પગલાં માટે મેડિકલ ટીમો સાથે દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવાં પણ સૂચના આપી હતી. તેમજ આશ્રયસ્થાનો માટે ઉપયોગમાં લેવાની શાળાઓના મકાનની ચકાસણી કરવા સાથે ચોમાસાના સમયગાળા દરમ્યાન સંભવિત આપત્તિને પહોંચી વળવા માટે અધિકારીશ્રીઓ માર્ગદર્શિત કર્યા હતા.જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપકરે પીજીવીસીએલ દ્વારા આપત્તિના સમયે ઈમરજન્સી સેવાઓ માટે તાલુકાના લાયઝન સંભાળતા અધિકારીશ્રીઓ સાથે સંકલનમાં રહીને વીજ પુરવઠાની સ્થિતિ સામાન્ય રહે તે માટે ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતા.તેમજ રોડ રસ્તાઓ અવિરત ચાલુ રહે તે માટેની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા અધિકારીશ્રીઓ સૂચના આપી હતી.જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ નીચાણવાળા વિસ્તારોના ઝૂંપડાઓમાં વસતા નાગરિકોને ભારે વરસાદ કે પૂરની સ્થિતિમાં સમયસર ચેતવણી મળે તે માટેની વ્યવસ્થાઓ ગોઠવવા અને સગર્ભા મહિલાઓનો સર્વે કરીને આપત્તિના સમયે સલામત સ્થળે ખસેડવા વ્યવસ્થાઓ કરવા સૂચના આપી હતી.અધિક નિવાસી કલેક્ટર શ્રી રાજેશ આલે જિલ્લામાં દરેક વિભાગો દ્વારા કરવામાં આવતી કામગીરી તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અંગેની માહિતી આપી આ તમામ માહિતી અપડેટ કરવા જણાવ્યું હતું.અને જિલ્લા-તાલુકા મથકોએ કંટ્રોલ રૂમ સતત કાર્યરત રહે તે જોવાનું જણાવી બચાવ-રાહત કામગીરીના તમામ સાધનો ચાલુ હાલતમાં છે કે કેમ તેની યોગ્ય ચકાસણી કરાવી લેવા પણ જણાવ્યું હતું.આ બેઠકમાં એસીએફ શ્રી વિકાસ યાદવ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી દર્શનાબેન ભગલાણી,આર એન્ડ બીના કાર્યપાલક ઈજનેર શ્રી સુનિલભાઈ મકવાણા,જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો.અરુણ રોય સહિતના વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
રીપોર્ટ દીપક જોષી ગીર સોમનાથ પ્રાચી.9825695960
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.