બોટાદ જિલ્લાકક્ષાનાં વિશ્વાસથી વિકાસ કાર્યક્રમમાં રૂ. ૬૨ કરોડથી વધુનાં વિકાસકામોનું મંત્રીશ્રી પ્રદિપભાઈ પરમારના હસ્તે ઈ-લોકાર્પણ-ખાતમુહૂર્ત - At This Time

બોટાદ જિલ્લાકક્ષાનાં વિશ્વાસથી વિકાસ કાર્યક્રમમાં રૂ. ૬૨ કરોડથી વધુનાં વિકાસકામોનું મંત્રીશ્રી પ્રદિપભાઈ પરમારના હસ્તે ઈ-લોકાર્પણ-ખાતમુહૂર્ત


‘‘વિશ્વાસથી વિકાસયાત્રા-બોટાદ’’
આજે ગુજરાત રાજ્ય સમગ્ર દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે

- કેન્દ્રમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર છેવાડાના વ્યક્તિને યોજનાકીય લાભો મળે તે માટે સતત કાર્યરત

બોટાદ જિલ્લાકક્ષાનાં વિશ્વાસથી વિકાસ કાર્યક્રમમાં રૂ. ૬૨ કરોડથી વધુનાં વિકાસકામોનું મંત્રીશ્રી પ્રદિપભાઈ પરમારના હસ્તે ઈ-લોકાર્પણ-ખાતમુહૂર્ત

બોટાદ માહિતી બ્યુરો :- બોટાદ જિલ્લામાં આજે ‘‘વિશ્વાસથી વિકાસયાત્રા’’નો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રીશ્રી પ્રદિપભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ અવસરે મંત્રીશ્રી પરમારના વરદ હસ્તે બોટાદ જિલ્લાના આશરે રૂ.૬૨ કરોડથી વધુનાં વિકાસકામોનું ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં બોટાદવાસીઓને રૂ.૪૫.૭૪ કરોડના ખર્ચે-૧૦ કામોનું ઈ-લોકાર્પણ તેમજ રૂ.૧૬.૫૮ કરોડના ખર્ચે ૫ કામોનું ઇ-ખાતમુહૂર્ત સહિત કુલ રૂ.૬૨ કરોડથી વધુના ૧૫ વિકાસકામોની ભેટ આપવામાં આવી છે.

આ કાર્યક્રમમાં મંત્રીશ્રી પ્રદિપભાઈ પરમારે જણાવ્યું હતું, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશમા વિવિધક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરવાની સાથે જ લોકપ્રિય વ્યક્તિ તરીકે નામના મેળવીને દેશની યશ કલગીમાં વધારો કર્યો છે. રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકારે નાગરિકોને ગુણવત્તાસભર આરોગ્ય સવલત આપવા અનેક પગલા લીધા છે આ સાથે જ છેવાડાના લોકોને રસ્તા, સિંચાઈ, વીજળી સહિતના પાયાના પ્રશ્નોને અગ્રતા આપીને સુદ્રઢ સેવાઓ સાથે આ ડબલ એન્જિનની સરકારે જનહિત લક્ષી અનેક નિર્ણયો લીધા છે. આજે ગુજરાત રાજ્ય સમગ્ર દેશનું ગ્રોથ એન્જિન બન્યું હોવાનું મંત્રીશ્રી પરમારે જણાવ્યું હતું.

ગુજરાતના સર્વાંગી વિકાસ માટે છેલ્લા ૨૦ વર્ષમાં રાજ્યના બજેટમાં ઉતરોત્તર વધારો કરીને ગુજરાતના ઈતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું કોઈ જ નવા કરવેરા વિનાનું જનહિતલક્ષી બજેટ ફાળવ્યું હોવાનું મંત્રીશ્રીએ જણાવ્યું હતું. કોરોના મહામારીનો મક્કમ મુકાબલો કરીને ૧૨ કરોડથી વધુ રસીના ડોઝ આપી સમગ્ર દેશમાં ગુજરાતે ઉદાહરણીય કાર્ય કર્યું છે. ગુજરાતના યુવાનો વિદેશને બદલે ગુજરાતમાં જ રહીને મેડીકલક્ષેત્રમા અભ્યાસ કરી શકે તે માટે નવી મેડીકલ કોલેજો ઉભી કરવામાં આવી છે તેમજ ઉચ્ચ અભ્યાસ માટે યુવાનોને વિદેશ જવા પ્રોત્સાહન રૂપે લોન પણ પુરી પાડવામાં આવતી હોવાનું મંત્રીશ્રી પ્રદિપભાઈ પરમારે ઉમેર્યું હતું.

ગુજરાતમાં થયેલાં વિકાસકાર્યો અંગે મંત્રીશ્રી પરમારે કહ્યું હતું કે, હવે ગુજરાત વિકાસનું રોલમોડેલ બન્યું છે. આજે કેન્દ્રમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતમાં ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર છેવાડાના વ્યક્તિને યોજનાકીય લાભો મળે તે માટે સતત કાર્યરત છે. આજે વિકાસથી વિશ્વાસ યાત્રા અંતર્ગત બોટાદ જીલ્લા સહિત સમગ્ર રાજ્યમાં વિકાસકાર્યોની ભેટ આપવામાં આવી રહી છે ત્યારે જન સુખાકારીમાં વધારો થશે તેવો વિશ્વાસ મંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.

આ તકે રાજયકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ નિહાળવામાં આવ્યું હતું. એમ.ડી.શાહ વિદ્યાલય તેમજ આદર્શ વિદ્યાલયની બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયો હતો. કાર્યક્રમના અંતે પ્રાંત અધિકારીશ્રી દિપકભાઇ સતાણીએ આભારદર્શન કર્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ વિરાણી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી ધીરુભાઈ બાવળિયા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી અરવિંદભાઈ વનાળિયા, બોટાદ એ.પી.એમ.સી. ચેરમેનશ્રી જીવરાજભાઈ પટેલ, ઈન્ચાર્જ કલેકટરશ્રી પી.ડી.પલસાણા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી કિશોરભાઈ બલોલિયા, જિલ્લા આયોજન અધિકારીશ્રી બ્રિજેશભાઈ જોશી સહિત સામાજિક રાજકીય અગ્રણીઓ, અધિકારીઓ તેમજ બોટાદવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

Report, Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.