હજુ 5 દિવસ હીટવેવનો માર:ગુજરાત સહિત 16 રાજ્યમાં 45 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું - At This Time

હજુ 5 દિવસ હીટવેવનો માર:ગુજરાત સહિત 16 રાજ્યમાં 45 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું


ગુજરાતભરમાં ગુરુવારે પણ હીટવેવનો માર યથાવત્ રહ્યો હતો. અમદાવાદમાં 46.6 ડિગ્રી સાથે 131 વર્ષનું પાંચમું સૌથી ઊંચુ તાપમાન નોંધાયું હતું. છેલ્લાં 15 દિવસથી એન્ટી સાયક્લોનિક સરક્યુલેશનથી શરૂ થયેલી હીટવેવને કારણે ગરમીઅે માઝા મૂકી છે. રાજસ્થાનનું બાડમેર 48.8 ડિગ્રી ગરમી સાથે દેશનું સૌથી ગરમ સ્થળ રહ્યું હતું. ગુરુવારે ગુજરાત સહિત 16 રાજ્યમાં તાપમાનનો પારો 45 ડિગ્રીથી ઊંચો નોંધાયો હતો. બીજી તરફ હવામાન વિભાગે દેશભરમાં હજુ 5 દિવસ આકરી ગરમીનો માર યથાવત રહેશે એવી આગાહી કરી છે. છેલ્લા બે દિવસમાં જ રાજ્યમાં હીટ સ્ટ્રોકથી 15 લોકોના મોત થયા હતા. વધતી ગરમી સાથે પાણીની અછતનું સંકટ પણ તોળાઈ રહ્યું છે. સેન્ટ્રલ વૉટર કમિશનના જણાવ્યા પ્રમાણે દેશના 150 મોટાં જળાશયોમાં પાણીની સપાટી છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ ઘટી છે. સૌથી વધુ ગરમીમાં અમદાવાદ દેશમાં 8મા, રાજ્યમાં પહેલા ક્રમે
હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલ જણાવે છે કે, 23 મે ગુરુવારના રોજ અમદાવાદનું મહત્તમ તાપમાન 46.6 ડિગ્રીએ પહોંચતાં 131 વર્ષોમાં પાંચમું અને ગુરુવારે રાજ્યનું પ્રથમ ક્રમનું તેમજ દેશનું આઠમા ક્રમનું સૌથી ગરમ શહેર બન્યું છે. અમદાવાદમાં 20 મે 2016ના રોજ ઓલ ટાઇમ રેકોર્ડબ્રેક મહત્તમ તાપમાન નોંધાયું હતું. એ પહેલા 1955માં 46.6 ડિગ્રી, 1970માં 47.5 ડિગ્રી તથા 2010માં 46.8 ડિગ્રી નોંધાઈ હતી. એ પછી 23 મે 2024ના રોજ રેકોર્ડબ્રેક તાપમાન નોંધાયું છે. ગરમી કેમ? ગુજરાતમાં 8 વર્ષમાં ટ્રી કવર 35% ઘટ્યું
ગુજરાતના ટ્રી કવરમાં છેલ્લાં 8 વર્ષમાં 2870 ચો.કિમી.નો ઘટાડો થયો છે. ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ - 2021 મુજબ રાજ્યમાં ટ્રી કવર 5489 ચોરસ કિમી છે. 2013ના રિપોર્ટ પ્રમાણે, ટ્રી કવર 8358 ચો.કિમી. હતું. છેલ્લાં 8 વર્ષમાં ટ્રી કવરમાં 35%નો ઘટાડો થયો છે. છેલ્લાં બે વર્ષમાં ગુજરાતના ટ્રી કવરમાં 1423 ચો.કિમી.નો ઘટાડો થયો છે. 3 વર્ષમાં 84 હજાર વૃક્ષોનું છેદન
રાજ્ય સરકારે વિધાનસભામાં રજૂ કરેલા જવાબ મુજબ રાજ્યનાં જંગલોમાંથી વર્ષ 2020-21થી 2022-23 સુધીમાં 84 હજારથી વધુ વૃક્ષો કાપવામાં આવ્યાં છે. જેમાંથી સરકારને 39.77 કરોડ રૂપિયાની આવક થઇ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.