સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ વાર મતદાન કરતા યુવાનોમાં મતદાન માટે અનેરો ઉત્સાહ જોવા મળ્યો.
તા.01/12/2022/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં આજે વિધાનસભા ચૂંટણી-2022 અંતર્ગત મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે ત્યારે યુવા મતદારોમાં પણ મતાધિકારનો ઉપયોગ કરવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને પ્રથમ વાર વોટ આપતા યુવાનો લોકશાહીની આ પ્રક્રિયામાં સામેલ થઈ આનંદ અનુભવી રહ્યા છે. BSC નર્સિંગમાં અભ્યાસ કરતા 18 વર્ષીય સિદ્ધિ શૈલેષભાઈ મહેતાએ એમ.પી. શાહ કોમર્સ કોલેજ સ્થિત મતદાન મથક પર પ્રથમ વાર મતદાન કરતા જણાવ્યું હતું કે, મતદાન કરવું આપણી પવિત્ર ફરજ છે. મતદાન કરવા માટે હું ભાવનગરથી ખાસ સુરેન્દ્રનગર આવી છું. દેશના વિકાસ માટે તેમજ લોકશાહીના પર્વને સાર્થક બનાવવા માટે મતદાન અવશ્ય કરવું જોઈએ અને પોતાનાં પરિવારજનોને તેમજ મિત્રોને પણ મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ.સુરેન્દ્રનગરમાં નર્સિંગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા ફર્સ્ટ ટાઈમ વોટર શ્રેયા પણ આ વર્ષથી મતદાન કરી શકશે એ વાતે આનંદ અનુભવી રહ્યા છે. સુન્દરમ નગર ખાતે રહેતા શ્રેયાએ પ્રથમવાર મતદાન કરતા જણાવ્યું હતું કે, પ્રથમ વાર મત આપી રહી છું એટલે યાદગાર અનુભવ તો બની જ રહેશે પણ એ સાથે કલરવ સ્કૂલ ખાતેનાં આ ઇકો ફ્રેન્ડલી મતદાન મથક પરથી તેમણે મતદાન કર્યું છે, જે બાબત આ અનુભવને વધુ યાદગાર બનાવી દીધો છે. પ્રથમ વારનાં મતદાન ઉપરાંત ઇકો ફ્રેન્ડલી કોન્સેપ્ટ સાથે ડેકોરેટ થયેલ મતદાન બુથ પણ હંમેશા યાદ રહી જવાનું તેમ તેમણે હસતા ચહેરે ઉમેર્યું હતું.
લિંબડીનાં અને બીકોમ સેકન્ડ યરમાં અભ્યાસ કરતા 18 વર્ષીય યુવાન હર્ષદગીરી વિજયગીરી ગોસ્વામીએ પણ પ્રથમ વખત મતદાન કર્યા બાદ સસ્મિત જણાવ્યું હતું કે લોકશાહી અને મતદાનનાં અધિકાર વિશે અભ્યાસમાં શીખ્યા ત્યારથી મતદાન માટે ઉત્સાહ હતો. આજે મતદાન કરીને અને એ રીતે આપણા પ્રતિનિધી ચૂંટવાની પ્રક્રિયામાં સામેલ થઈને ખુશી થઈ રહી છે. જો આપણે સારા પ્રતિનિધી ચૂંટવા માંગતા હોઈએ તો મતદાનની આ પ્રક્રિયામાં આપણે સહભાગી થવું જ રહ્યું તેમ તેમણે ઉમેર્યું હતું.
લિંબડીનાં જ સતવારા સમાજની ભોજનશાળા ખાતે જોડિયા ભાઈ-બહેન અલમાસ ઈશાક મહમદ અને રૂકસાર ઈશાક મહંમદ પ્રથમ વાર મતદાન કર્યા બાદ જણાવે છે કે મતદાન કરવું એ રાષ્ટ્ર પ્રત્યેની આપણી ફરજ છે અને દરેક યુવાને દરેક ચૂંટણીમાં મતદાન કરવું જોઈએ જેથી આપણી લોકશાહીને મજબૂત બનાવી શકાય. બંને ભાઈ-બહેને મતદાન મથક પર ઉપસ્થિત સુવિધાઓ વિશે પણ સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જરૂરી તમામ સુવિધાઓ અહીં કરવામાં આવી છે, જે આનંદની વાત છે. પોતે એકેય ચૂંટણીમાં મતદાન કરવાનું નહીં ચૂકે તેવો દ્રઢ સંકલ્પ તેમણે આ પ્રસંગે વ્યક્ત કર્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.