મતદારો જોગ માન. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી પંચમહાલ ગોધરાનો સંદેશ - At This Time

મતદારો જોગ માન. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી પંચમહાલ ગોધરાનો સંદેશ


અવસર લોકશાહીનો, ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022

ગોધરા
જિલ્લામાં લોકશાહીના સૌથી મોટા ’અવસર’ એવા ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ માટે પંચમહાલ જિલ્લામાં સમાવિષ્ટ ૧૨૪-શહેરા વિધાનસભા મતવિભાગમાં કુલ-૨૯૩ મતદાન મથકો આવેલા છે. ૧૨૫-મોરવા હડફ (અ.જ.જા) વિધાનસભા મતવિભાગમાં કુલ-૨૫૫ મતદાન મથકો આવેલ છે. ૧૨૬-ગોધરા વિધાનસભા મતવિભાગમાં કુલ-૨૯૩ મતદાન મથકો આવેલા છે. ૧૨૭-કાલોલ વિધાનસભા મતવિભાગમાં કુલ-૩૧૬ મતદાન મથકો આવેલા છે.તથા ૧૨૮-હાલોલ વિધાનસભા મતવિભાગમાં કુલ-૩૪૭ મતદાન મથકો આવેલા છે. આમ જિલ્લામાં કુલ-૧૫૧૦ મતદાન મથકો આવેલ છે. જે મતદાન મથકો પૈકીચૂંટણી પ્રક્રિયામાં મહિલાઓની ભાગીદારી સુનિશ્વિત કરવા અને જેન્ડર ઇક્વાલિટીને પ્રોત્સાહન આપવા માટે દરેક વિધાનસભા મતવિસ્તાર દીઠ ૭(સાત) ’’સખી’’ મતદાન મથકો (આમ જિલ્લામાં કુલ ૩૫- સખી મતદાન મથકો) તૈયાર કરવામાં આવેલ છે. આ તમામ મતદાન મથકોમાં પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર, સિક્યૂરિટી સ્ટાફ, સહીતનો તમામ સ્ટાફ મહિલાઓ સંચાલિત કરશે.
જિલ્લાના દરેક વિધાનસભા મતવિસ્તાર દીઠ ૧-મોડેલ મતદાન મથક (આમ જિલ્લામાં કુલ-૫ મોડેલ મતદાન મથકો) તૈયાર કરવામાં આવ્યા છે. જે મતદાન મથકોને વિવિધ રંગોળીથી તેમજ જુદા-જુદા રંગોથી સુશોભિત કરવામાં આવશે. તેમજ શેડ સાથેનો વેઇટીંગ રૂમ, બેસવા માટે ખુરશીઓની વ્યવસ્થા તેમજ પ્રવેશ તથા બહાર નીકળવા માટે અલગ-અલગ દ્વાર રાખવામાં આવશે. તથા સાઇન બોર્ડ તેમજ પાર્કિગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
પંચમહાલ જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયામાં દિવ્યાંગજનોની ભાગીદારી સુનિશ્વિત કરવા દરેક વિધાનસભા મતવિસ્તાર દીઠ ૧-દિવ્યાંગજનો સંચાલિત મતદાન મથક, (આમ જિલ્લામાં કુલ-૫ દિવ્યાંગજનો સંચાલિત મતદાન મથકો) તૈયાર કરવામાં આવેલ છે. જે મતદાન મથકો પર તમામ સ્ટાફ જેવા કે, પ્રિસાઇડીંગ ઓફિસર,પોલીંગ ઓફિસર,તથા અન્ય સ્ટાફ તરીકે દિવ્યાંગ અધિકારી/કર્મચારીઓની નિયુક્તિ કરવામાં આવેલી છે.
વન સંરક્ષણ અને પર્યાવરણની સુરક્ષાની જાળવણી માટે જિલ્લામાં વિધાનસભા મતવિસ્તાર દિઠ-૧ ગ્રીન (Eco friendly) મતદાન મથકો, આમ જિલ્લામાં કુલ-૫ ગ્રીન (Eco friendly) મતદાન મથક તૈયાર કરવામાં આવેલ છે. જેમાં કોઇપણ પ્રકારના પ્રતિબંધિત પ્લાસ્ટિક મટિરિયલ્સનો ઉપયોગ કરવામાં આવશે નહીં.
ચૂંટણી પ્રક્રિયામાં યુવાઓની સક્રિય ભાગીદારી સુનિશ્વિત કરવા માટે પંચમહાલ જિલ્લામાં સમાવિષ્ટ ૧૨૭-કાલોલ વિધાનસભા મતવિભાગમાં ૧-યુવા મતદાન મથક તૈયાર કરવામાં આવેલ છે. જેમાં સમાવિષ્ટ તમામ સ્ટાફ જેવા કે, પ્રિસાઇડીંગ ઓફિસર, પોલીંગ ઓફિસર, તથા અન્ય સ્ટાફ ’’૨૫-૩૦’’ વર્ષની વય ધરાવતા યુવાઓ હશે.
વિશેષમાં પંચમહાલ જિલ્લામાં દિવ્યાંગ મતદારો માટે મતદાન મથક ખાતે વ્હીલચેર, મતદાન પ્રક્રિયા બાબતે કોઇ દિવ્યાંગ મતદારને મુશ્કેલી પડે તો તે માટે મતદાન મથક ખાતેથી વીડિયો કોલિંગના માધ્યમથી સાઇન લેગ્વેજના નિષ્ણાંત દ્વારા તેઓને સમજ કરવામાં આવશે. તેમજ દિવ્યાંગ મતદારોને સહાયકની સેવાઓ પૂરી પાડવામાં આવશે. જિલ્લામાં તમામ મતદાન મથકો પર રેમ્પ, પીવાનું શુદ્ધ પાણી, ટોયલેટ, સાઇન બોર્ડ વગેરેની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
તો, આવો આપણે સૌ આ લોકશાહીના આ ’’અવસર’’માં તા.૦૫/૧૨/૨૦૨૨ (સોમવાર)ના રોજ મતદાનના દિવસે પોતાનો અમૂલ્ય ફાળો આપી, મતદાન અવશ્ય કરીએ અને લોક્શાહીના આ ’’અવસર’’ને સૌ સાથે મળી વધુ સફળ બનાવીએ, તેમ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પંચમહાલ સુજલ મયાત્રા મતદારો જોગ સંદેશો પાઠવે છે.
’’ મારો મત એ મારૂં ભવિષ્ય-એક મતની તાકાત’’

રિપોર્ટર વિનોદ પગી પંચમહાલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.