પશ્ચિમ બંગાળમાં ટ્રેન અકસ્માત, 7નાં મોત:માલગાડીએ કંચનજંગા એક્સપ્રેસને ટક્કર મારી, 30 ઘાયલ; ડબ્બા કાપીને લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે
પશ્ચિમ બંગાળમાં એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં સોમવારે સવારે લગભગ 9 વાગ્યે એક માલગાડીએ કંચનજંગા એક્સપ્રેસ (13174)ને પાછળથી ટક્કર મારી હતી. અકસ્માતમાં કંચનજંગા એક્સપ્રેસના 3 ડબ્બાને ભારે નુકસાન થયું હતું. પશ્ચિમ બંગાળ પોલીસના જણાવ્યા અનુસાર, 7 લોકોના મોત થયા છે, જ્યારે 25 થી 30 લોકો ઘાયલ થયા છે. ગેસકટર વડે ડબ્બા કાપીને લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મૃત્યુ પામેલા લોકોમાં એક લોકો પાઇલટ પણ સામેલ છે. જો કે, રેલવેએ હજુ સુધી આ વાતની પુષ્ટિ કરી નથી. કંચનજંગા એક્સપ્રેસ પશ્ચિમ બંગાળના અગરતલાથી સિયાલદહ જઈ રહી હતી. રેડ સિગ્નલના કારણે એક્સપ્રેસ ટ્રેનને સિલિગુડીના રંગપાની સ્ટેશન પાસે રૂઈધાસા ખાતે રોકી દેવામાં આવી હતી. આ દરમિયાન પાછળથી આવતી એક માલગાડીએ તેને ટક્કર મારી દીધી હતી. આશંકા છે કે માલગાડીના પાઇલટે સિગ્નલની અવગણના કરી હતી, જેના કારણે આ દુર્ઘટના ઘટી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે એક્સપ્રેસ ટ્રેનનો એક ડબ્બો માલગાડીના એન્જિન પર ચડી ગયો હતો. જ્યારે અન્ય બે કોચ પાટા પરથી ઊતરી ગયા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.