ઇલેકશન કાર્ડને આધાર સાથે લિંક કરવાની યોજનાની શરૂઆત ગુજરાતથી થશે - At This Time

ઇલેકશન કાર્ડને આધાર સાથે લિંક કરવાની યોજનાની શરૂઆત ગુજરાતથી થશે


આધાર કાર્ડને હવે મતદાર ઓળખપત્ર સાથે પણ લિન્ક- અપ કરવાની યોજના દેશભરમાં આવવા પર છે એવી વાતો તો લાંબા સમયથી ચાલતી હતી, પણ હવે એ સ્પષ્ટ બન્યું છે કે તેનો પ્રારંભ ગુજરાતથી થશે. આગામી મહિને મતદારયાદીની સંક્ષિપ્ત સુધારણા થવાની હોવાથી એ દરમિયાન જ આ માટેની જોગવાઈ સાથે નવાં મતદારોનાં નામ ઉમેરાનું નવું ફોર્મ અમલમાં મૂકાશે.

દર વર્ષે 1 જાન્યુઆરીની સ્થિતિએ જ મતદાર યાદીમાં કરાતી સંક્ષિપ્ત સુધારણા આ વખતે ઓક્ટોબરની સ્થિતિએ પણ થવાની છે, જે માટે 12મી ઓગષ્ટથી મતદારો નામ ઉમેરા, સુધારા કે કમી કરાવી શકશે. એ પહેલાં પણ સતત સુધારણા હેઠળ ફોર્મ સ્વીકારવાનું તો રાબેતા મુજબ ચાલુ જ રહેશે અને 31 જુલાઈ સુધી ફોર્મ નં. 6, 7, 8 અને 8(ક) યથાવત જ રહેશે, જ્યારે 1 ઓગષ્ટથી નવાં ફોર્મ આવશે. પ્રાપ્ત વિગતો મુજબ, નામઉમેરા માટે ફોર્મ નંબર 6માં મોડિફિકેશન આવશે, જેમાં ફોર્મ નંબર 6 (બી) નવું ઉમેરાશે. ભવિષ્યમાં વ્યાપકપણે મતદાર ઓળખપત્ર (એપિક) સાથે આધાર લિન્ક- અપ થવાનું હોવાથી ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં આ સંક્ષિપ્ત સુધારણા વખતે જ 6(બી) ફોર્મમાં નવાં મતદારોના આધારની વિગતો પણ મેળવતા થવાશે.સૂત્રોએ આમ જણાવતાં ઉમેર્યું કે, આ ઉપરાંત 8 નંબરનાં ફોર્મમાં વિગતોમાં સુધારો કરી શકાતો હતો અને 8(ક)માં એક જ વિધાનસભા મતવિસ્તારમાં એકથી બીજાં સરનામે નામ ટ્રાન્સફર કરી શકાતું, જે બે અલગ ફોર્મને બદલે હવે 8 નંબરનું માત્ર એક જ ફોર્મ રહેશે. એટલું જ નહીં, ડુપ્લિકેટ એપિક માટે જુદું ફોર્મ ભરવું પડતું તેને બદલે હવે તે અરજી પણ ફોર્મ નંબર 8 મારફત જ કરી શકાશે. ભવિષ્યમાં કોઈ મતદાર એકથી બીજા રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થળાંતરિત થઈ જાય તો પણ તેનું એપિક એ નું એ જ યથાવત રહેશે. નામ રદ્દ કરવા માટેનું 7 નંબરનું ફોર્મ યથાવત રહેશે.એક અન્ય સુધારો સર્વિસ વોટર્સ માટેનાં ફોર્મમાં પણ આવી રહ્યો છે, જે વિશે મળતી માહિતી પ્રમાણે, અગાઉના યુગમાં પુરૂષો જ સેનામાં ફરજ બજાવતા હતા એટલે ફોર્મમાં તેમનાં જીવનસાથી વિશેની કોલમમાં અત્યાર સુધી વાઈફ શબ્દ લખાતો આવ્યો છે પરંતુ હવે જ્યારે અનેક મહિલાઓ પણ વિવિધ આર્મ્ડ ફોર્સીસમાં કાર્યરત છે ત્યારે તેમનાં જીવનસાથી એવા પુરૂષોનાં રજિસ્ટ્રેશન પણ એ જ ફોર્મમાં થઈ શકે તે માટે ફોર્મમાં સ્પાઉસ શબ્દ લખાયેલો આવશે, જેથી જેન્ડર ઈક્વાલિટી પણ જળવાઈ રહે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.