વધુ એક શેરબજાર પેઢીનું ઉઠમણુ રાજકોટના 45 લોકોના 15થી20 કરોડ ફસાયા
શહેરમાં વધુ એક શેરબજારની પેઢીના સંચાલકે ઉઠમણા કરી નાસી છુટતા શહેરના 40થી45 લોકોના 15થી20 કરોડ જેટલી માતબર રકમ ફસાઈ ગઈ હોવાનું સામે આવી રહ્યું છે જે મામલે ગાંધીગ્રામ પોલીસ મથકમાં અરજી આપવામાં આવી છે. શેરબજારના વ્યવસાય સાથે સંકળાયેલા એક શખ્સે ઈન્વેસ્ટમેન્ટ પેઢી શરુ કરી મિત્ર સર્કલ થકી શેરબજારમાં મોટી કમાણીની લાલચે કરોડો રૂપિયા ફુલેકુ ફેરવી રફુચકકર થઈ જતા ચકચાર મચી ગઈ હતી.
સૂત્રોમાંથી જાણવા મળેલ વિગત મુજબ 150 ફુટ રીંગરોડ પર નાગરિક બેંક પાછળની સોસાયટીમાં રહેતા નિરવ મહેતા નામના શખ્સે અયોધ્યા ચોકમાં આવેલી એક બિલ્ડીંગમાં આઠમા માળે ફોર ધ મની પ્લાન્ટ ઈન્વેસ્ટમેન્ટ નામની શેરબજારના વ્યવસાય સાથે સંકળાયેલ પેઢી શરુ કરી હતી ત્યારબાદ તેમણે તેમનો વ્યવસાય શરુ કરવા માટે નજીકના મિત્રોને ઈન્વેસ્ટમેન્ટ કરવાનું કહ્યું હતું અને આ તમામ મિત્રોએ તેમની મોટી રકમ નિરવ મહેતાની પેઢીમાં ઈન્વેસ્ટ કરી હતી તે સમયે નિરવ મહેતાએ કહ્યું હતું કે પોતે પોર્ટફોલિયો મેનેજ કરી નિફટીમાં નાણા લગાવશે.
જે મિત્રોએ રોકેલા નાણાના દર મહિને 15 ટકા વળતર પણ ચોકકસપણે આપશે તેવી બાંહેધરી આપી હતી. તેમની નજીકના દશેક મિત્રોએ બે થી અઢી કરોડ રૂપિયા નિરવ મહેતાને આપ્યા હતા અને તેણે ટ્રેડીંગ શરુ કર્યુ હતું. એક વર્ષ સુધી દર મહિને નિરવ મહેતાએ નાણાં ચૂકવ્યા હતા જેથી વિશ્ર્વાસ કેળવાઈ જતા તે દશેક મિત્રોએ સગાસંબંધીઓ અને મિત્રો મળી 25થી30 વ્યક્તિઓ તેમની સાથે જોડાયા હતા.
તમામ લોકોએ 15થી20 કરોડ રૂપિયા નિરવ મહેતાને શેરબજારમાં લગાવવા માટે આપ્યા હતા પરંતુ નિરવ મહેતાને લોશ જતા કમાણી થતી રકમ આપવાનું બંધ કરી દીધું હતું તેથી તમામ લોકોનો વિશ્ર્વાસ તુટયો હતો.
બાદમાં મિત્રોએ તેને ઉભો કરવા માટે વધુ દોઢથી બે કરોડ રૂપિયા આપ્યા હતા અને કહ્યું હતું કે આ રૂપિયા લગાવી માઈનસ રકમ સરભર કર અને દેણુ ચુકતે કરજે ત્યારે નિરવ મહેતાના દાઢ ડણકી હતી અને તેની બાજુમાં ઉભા રહેનાર મિત્રોને ધુંબો મારવાનું નકકી કરી લીધુ હતું.
તમામ રોકાણકારોની ઉઘરાણી અને ધમકીઓથી બચવા પોતે દેવામાં ડુબી જતા તેની પત્ની પણ છુટાછેડા લઈને ચાલી ગઈ છે. આથી લોકોએ તેને સપોર્ટ આપવાનું નકકી કર્યુ હતું તે સમયે નિરવ મહેતા પોતાની ઓફિસને તાળા લગાવી 15થી20 કરોડનું ફુલેકુ ફેરવી પોબારા ભણી ગયા હતા. અગાઉ પણ દશેક લોકો પોલીસને અરજી આપી હતી.
પરંતુ ત્યારે કોઈ કાર્યવાહી થઈ ન હતી. હાલ એક અરજદારે ગાંધીગ્રામ પોલીસ મથકમાં અરજી આપતા અન્ય આઠ રોકાણકારો પણ સાથે જોડાયા હતા. જેમાં તેણે કહ્યું હતું કે નિરવ મહેતા ઈુસ્યોરન્સ કંપનીમાં નોકરી કરતો હતો બાદમાં તેણે પેઢી શરુ કરી હતી. હાલ પોલીસે તપાસ હાથ ધરી પુરાવા એકઠા કરવા દોડધામ શરુ કરી હતી. ઉલ્લેખનીય છે કે ફુલેકુ ફેરવનાર શખ્સના પિતા જીલ્લા બેંકમા ફરજ બજાવતા હોવાનું પણ સામે આવ્યું છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.