ભાસ્કર એક્સક્લુઝિવ:પાક સરહદે રાજસ્થાન અને પંજાબમાં 2280 કિમી લાંબા નવા રસ્તા બનશે
ચીનને અડીને આવેલા ઈસ્ટર્ન ફ્રન્ટ પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવાની તૈયારીઓ વચ્ચે મોદી સરકાર વેસ્ટર્ન ફ્રન્ટને મજબૂત કરી રહી છે. પાકિસ્તાનને અડીને આવેલી સરહદે તારની વાડ પાસે અને તેને જોડવા માટે લિન્ક રોડની જાળ પાથરશે. રાજસ્થાન અને પંજાબને સ્પર્શતા સરહદી વિસ્તારોમાં 2280 કિમી લાંબા રસ્તા બનાવવા માટે 4,406 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં આને મંજૂરી અપાઈ છે. રસ્તા બનાવવામાં કેન્દ્રીય કોલ નિર્માણ વિભાગ (સીપીડબલ્યુડી)એ 2021માં આ પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો. ત્યાર પછી ગૃહ મંત્રાલયે તેને મંજૂરી આપી હતી. ફંડ માટે લાંબા સમયથી કેબિનેટની મંજૂરીની રાહ જોવાઈ રહી હતી. આ પ્રોજેક્ટ શરૂ થયા પછી બોર્ડર સુધી સેના 48 કલાક કરતાં પણ ઓછા સમયમાં પહોંચી જશે. આ રોડ નેટવર્ક એ ચીનના સીપેકનો જવાબ હશે
પાકિસ્તાનમાં ચીનના ઇકોનોમી પ્રોજેક્ટ ‘સીપેક’ના જવાબમાં ભારતે વેસ્ટર્ન ફ્રન્ટ એટલે કે પશ્ચિમ સરહદે થ્રી-લેયર રોડ બનાવાશે. ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ બોર્ડરથી 40થી 50 કિમી દૂર 1,491 કિમી લાંબો ટૂ લેન રોડ અને અમૃતસર-જામનગર 1,254 કિમી લાંબો ઇકોનોમી એક્સપ્રેસ-વેનું નિર્માણ લગભગ પૂરું થઈ ગયું છે. માળખાકીય સુવિધાઓ ઉપરાંત વ્યૂહાત્મક દૃષ્ટિએ પણ તેનું મહત્ત્વ વધારે છે. રાજસ્થાન-પંજાબ પાસે 1,590 કિલોમીટરથી વધુ રસ્તા બનશે
અત્યારે તારની વાડ પાસે કાચો રસ્તો છે. તેને પાકો બનાવાશે. આથી ભારે વાહનોની હેરફેર કરવા સાથે બોર્ડર પર પેટ્રોલિંગ કરવામાં પણ સરળતા રહેશે. સીપીડબ્લ્યુડીએ રાજસ્થાન અને પંજાબમાં અંદાજે 2 હજાર કિમીનો રસ્તો બનાવવાની યોજના તૈયાર કરી છે. તારની વાડના આધારે બંને રાજ્યમાં 1,590 કિમી લાંબો રસ્તો બનાવાશે. તેમાં રાજસ્થાન પાસેની બોર્ડર પર 1,037 કિમી અને પંજાબ પાસેની સરહદે 553 કિમી લાંબો સિંગલ લેન રોડ બનાવાશે. ગુજરાત પાસેની સરહદે રાજ્ય સરકારે 200 કિમી રોડ બનાવ્યો
ગુજરાત સરકારે પહેલેથી જ રાજ્ય પાસેની સરહદે 200 કિલોમીટરથી લાંબો રસ્તો બનાવ્યો છે. ગુજરાતને અડીને આવેલી 508 કિમી લાંબી સરહદમાંથી 262 કિમી સરહદ તો કાદવવાળી છે. જ્યારે બોર્ડર પાસે અંદાજે 200 કિમી રસ્તાનું નિર્માણ નરેન્દ્ર મોદીના ગુજરાતના મુખ્યમંત્રીકાળમાં જ કરાયું હતું. સરહદ પર રોડ નેટવર્ક સિવાય વીજળી અને પાણીનું નેટવર્ક પણ મજબૂત કરાયું હતું. તેને પગલે ત્યાં વિન્ડ અને સોલાર પેનલ લગાવવામાં મદદ મળી છે. તેનાથી બોર્ડર ટૂરિઝમ પણ વધ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.