રાજકોટમાં ‘ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ’ દ્વારા અત્યાર સુધીમાં ૧૦૫ અંગદાન કરાવવામાં આવ્યા
રાજકોટમાં ‘ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ’ દ્વારા અત્યાર સુધીમાં ૧૦૫ અંગદાન કરાવવામાં આવ્યા
આઈ. એમ. એ ગુજરાત સ્ટેટ બ્રાંચ (IMA GSB), સ્ટેટ ઓર્ગન ટીશ્યુ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન (SOTTO) અને ગુજરાત મીડિયા ક્લબ (GMC) દ્વારા આયોજિત અંગદાન મહોત્સવમાં ‘ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ’નું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને હસ્તે સન્માન
અંગદાન મેળવનાર પરિવારનો આનંદ અંગદાતા સ્વજનનાં મૃત્યુના દુઃખને દૂર કરે છે. - ભુપેન્દ્રભાઈ પટેલ
રાજકોટ આઈ. એમ. એ ગુજરાત સ્ટેટ બ્રાંચ (IMA GSB), સ્ટેટ ઓર્ગન ટીશ્યુ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન (SOTTO) અને ગુજરાત મીડિયા ક્લબ (GMC) દ્વારા અંગદાન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, ડૉ. કેતન દેસાઈ, ભારતીય ક્રિકેટર જશપ્રીત બુમરાહ મુખ્ય મહેમાનો તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
શરીરનાં અવયવોનું દાન સ્ત્રી-પુરુષ બંને કરી શકે છે. તેને કોઇ પણ ઉંમર, ધર્મ કે જાતિ સાથે કોઇ નિસબત નથી. કોઇ ભેદભાવ નથી. કોઇ પણ વ્યક્તિ અંગદાન કરી શકે છે. બ્રેઇન ડેડ થયેલ દર્દીએ અંગદાન કર્યું હોય તો ટ્રાન્સપ્લાન્ટની ટીમ બ્રેઇન ડેડ દર્દીનું તબીબી પરીક્ષણ કરીને અવયવોનું દાન કરવા યોગ્ય છે કે નહીં તે તપાસીને તેની ચકાસણી કરે છે. શરીરમાંથી અવયવ બહાર કાઢીને તેનું પ્રત્યારોપણ કરવું એ એક વ્યવસ્થિત પ્રક્રિયા છે. તેમાં શરીરનું બિનજરૂરી ડિસેક્શન કરવામાં આવતું નથી. તેના લીધે અંતિમવિધિમાં કોઇ પણ પ્રકારની અડચણ થતી નથી. અંગદાનને મહાદાન કહેવામાં આવ્યું છે, કારણ કે તેનાંથી આ દુનિયામાંથી જતા જતા પણ કોઈ અન્ય મનુષ્યનું જીવન અમર બનાવી શકાય છે. રાજકોટમાં ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ અને અન્ય અનેક સંસ્થાઓ આ દિશામાં ખુબ જ સારું કાર્ય કરી રહી છે. જેમાં ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનનાં ટ્રસ્ટીઓ ડો. દિવ્યેશ વિરોજા, ડો. સંકલ્પ વણઝારા, ડો. તેજસ કરમટા, ભાવનાબેન મંડલિ, નિતીનભાઈ ઘાટલીયા, મિતલ ખેતાણી, વિક્રમભાઈ જૈન, ભાવેશભાઈ ઝીંઝુવાડીયા તેમજ અન્ય અનેક નાની મોટી સંસ્થાઓ, ડોક્ટર્સ, પેરામેડીકલ સ્ટાફ, પોલીસ તંત્ર, પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા, અન્ય સરકારી સંસ્થાઓ, સામાજિક કાર્યકર્તાઓનો મોટો ફાળો રહ્યો છે. અંગદાન મહોત્સવમાં અંગદાન જાગૃતિની વિવિધ પ્રવૃત્તિઓ બદલ લોકોને જાગૃત કરવા અને 105 અંગદાન કરાવવામાં સફળ થનાર ‘ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ’નું સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે અંગદાનનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, “અંગદાન થકી કોઈને નવજીવન આપવાનો ભાવ પણ આપણામાં રહેલો છે એ આપણી સંસ્કૃતિને ઉજાગર કરે છે. આપણી સંસ્કૃતિનાં ઉચ્ચ આદર્શોને અંગદાન આગળ ધપાવે છે. અંગદાન મેળવનાર પરિવારનો આનંદ અંગદાતા સ્વજનના મૃત્યુના દુઃખને દૂર કરે છે. અંગદાનથી મોટું કોઈ દાન ન હોય શકે.”આ પ્રસંગે ‘ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ’નાં ટ્રસ્ટીઓ ડો. દિવ્યેશ વિરોજા, ડો. સંકલ્પ વણઝારા, નિતીનભાઈ ઘાટલીયા, ભાવનાબેન મંડલિ સહિતનાઓએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ સાથે રહી ‘અંગદાનનું સંકલ્પ કાર્ડ’ની પ્રતિકૃતિ પણ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીને અર્પણ કરી હતી.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.