પૂર્વની બેઠક OBC સમાજને ફાળવતો હાઇકમાન્ડ, પશ્ચિમમાં પ્રથમ મહિલા પ્રતિનિધિ,મંત્રી રૈયાણી- લાખા સાગઠીયાના નામ કપાયા
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટે ભારતીય જનતા પક્ષે ઉમદવારોની યાદી જાહેર કરી દીધી છે ત્યારે સૌરાષ્ટ્રના પાટનગર અને પૂરા રાજયમાં સંઘ તથા ભાજપના કેન્દ્ર બિંદુ જેવા રાજકોટમાં ઉમેદવારોની પસંદગીમાં ભાજપે મોટો અપસેટ સર્જી દીધો છે. ગઇકાલે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ચૂંટણી નહીં લડવા કરેલી જાહેરાત સાથે જ મોટી નવા જુની થઇ રહ્યાના એંધાણ મળ્યા બાદ ચારે ચાર બેઠક પરના વર્તમાન ધારાસભ્યોને ભાજપે નિવૃત્ત કરીને ચારે નવા ચહેરા ચૂંટણી માટે પસંદ કરી દીધા છે.
રાજકોટ પૂર્વમાં વર્તમાન ધારાસભ્ય અને વાહન વ્યવહાર, યાત્રાધામ વિભાગના મંત્રી અરવિંદ રૈયાણીનું પત્તુ કપાઇ ગયું છે. તેમની જગ્યાએ પૂર્વ મેયર અને પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ પર પાર્ટીએ પસંદગી ઢોળી છે. રાજકોટ-69માં ચૂંટણી ન લડવાની જાહેરાત કરનાર વિજયભાઇ રૂપાણીની જગ્યાએ જૈન સમાજના જ કોર્પોરેટર અને ડે.મેયર ડો.દર્શિતાબેન શાહનું નામ ફાઇનલ થયું છે. આ બેઠક પર પ્રથમ વખત મહિલાને પાર્ટીએ ટીકીટ આપી છે.તો રાજકોટ-70માં ગોવિંદભાઇ પટેલને નિવૃત્ત કરીને પાર્ટીએ ખોડલધામના ટ્રસ્ટી રમેશભાઇ ટીલાળાને ઉમેદવાર બનાવ્યા છે. સાથે જ આ બેઠક પરથી ડો.ભરત બોઘરાનું નામ કપાયું છે જયારે રાજકોટ ગ્રામ્યમાં સલામત મનાતા ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાને પણ પાર્ટીએ બદલાવીને પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન કોર્પોરેટર ભાનુબેન બાબરીયાને પસંદ કર્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.