મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો રાજ્યવ્યાપી પ્રારંભ, 80 દિવસમાં 3 લાખથી વધુ મહિલાઓને લાભ પોષણસુધા યોજનાનો વધાર્યો વ્યાપ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન રાજ્યની મહિલાઓના આરોગ્યમાં સુધાર લાવવા માટે તેમજ તેમને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે વિવિધ યોજનાઓ લાગુ કરી હતી. આ જ દિશામાં આગળ વધીને જૂન 2022માં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’ શરૂ કરવામાં આવી. 18 જૂન, 2022ના રોજ વડાપ્રધાન
નરેન્દ્ર મોદીના હસ્તે આ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો. યોજના શરૂ કર્યાથી અત્યાર સુધીમાં (વર્ષ 2022-
23) 3,38,000 માતાઓ આ યોજનાનો લાભ લઇ ચૂકી છે.
મહિલા ગર્ભ ધારણ કરે તે 270 દિવસ અને બાળકના જન્મથી 2 વર્ષ સુધીના 730 દિવસ, એટલે કે કુલ 1000 દિવસના સમયગાળાને ‘ફર્સ્ટ વિન્ડો ઓફ ઓપોર્ચ્યુનિટી’ કહેવામાં આવે છે, જે સમય દરમિયાન માતા અને બાળકનું પોષણસ્તર સુદૃઢ બનાવવું જરૂરી છે. આ બાબતના મહત્વને સમજીને ભારત સરકારના ‘પોષણ અભિયાન’ અંતર્ગત માતા અને બાળકના આ 1000 દિવસ ઉપર ફોકસ કરવાનું જણાવવામાં આવ્યું હતું. આ બાબતને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા આ 1000 દિવસ દરમિયાન સગર્ભા અને પ્રસૂતા માતાઓને પોષણયુક્ત આહાર પૂરો પાડવાના ઉદ્દેશથી ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’ મંજૂર કરવામાં આવી.
વર્ષ 2022-23માં તમામ પ્રથમ સગર્ભા અને પ્રથમ પ્રસૂતા માતા તથા આરોગ્ય વિભાગના સોફ્ટવેરમાં સગર્ભા તરીકે અથવા જન્મથી બે વર્ષના બાળકની માતા તરીકે નોંધાયેલ લાભાર્થીઓ આ યોજનાનો લાભ લઇ શકે છે. આ યોજના અંતર્ગત દરેક લાભાર્થીને દર મહિને આંગણવાડી કેન્દ્ર પરથી રાશન તરીકે 2 કિલો ચણા, 1 કિલો તુવેર દાળ અને 1 લિટર સીંગતેલ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.
પોષણસુધા યોજના માતાના ગર્ભમાં રહેલ શિશુ માટે તેમજ જન્મ બાદ તેને સ્તનપાન કરાવવા માટે માતાને વધુ પ્રમાણમાં પોષણની જરૂરિયાત રહે છે. આ જરૂરિયાતને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે પ્રાયોગિક ધોરણે ‘પોષણ સુધા યોજના’ ગુજરાતના આદિજાતિ વિસ્તારના પાંચ જિલ્લા (દાહોદ, વલસાડ, મહીસાગર, છોટાઉદેપુર અને નર્મદા) ના 10 તાલુકાઓમાં અમલી બનાવી હતી. તેનું વિસ્તરણ કરીને જૂન 2022માં રાજ્યના તમામ 14 આદિજાતિ જિલ્લાઓના કુલ 106 તાલુકાઓમાં આ યોજના અમલી બનાવવામાં આવી.
આ યોજના અંતર્ગત આંગણવાડી ઉપર નોંધાયેલ સગર્ભા અને ધાત્રી માતાઓને એક વખતનું સંપૂર્ણ પોષણક્ષમ ભોજન આપવામાં આવે છે. આ સાથે આયર્ન અને કેલ્શિયમની ગોળીઓ તેમજ આરોગ્ય અને પોષણ અંગે શિક્ષણ આપવામાં આવે છે. યોજનાના મોનીટરિંગ અને રિવ્યુ માટે વિશેષ મોબાઇલ એપ્લિકેશન પણ બનાવવામાં આવી છે. વર્ષ 2022-23માં દોઢ લાખથી વધુ મહિલા લાભાર્થીઓએ આ યોજના હેઠળ લાભ મેળવ્યો છે. રાજ્યની માતાઓ અને બાળકોના પોષણની સ્થિતિમાં સુધાર લાવવા માટે અને એક સુદૃઢ અને તંદુરસ્ત સમાજની રચના કરવા માટે ગુજરાત સરકારનો મહિલા અને બાળ વિકાસ વિભાગ સતત પ્રયત્નશીલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.