ટીપીઓ સાગઠિયાએ અન્ય કોઈ ડોક્યુમેન્ટ સાથે છેડછાડ કરી હતી? પોલીસ વધુ તપાસ કરશે
ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં જવાબદારીથી છટકવા ખોટી મિનિટ્સ નોટ બનાવી હતી તે ટીપીઓ સાગઠિયાએ અન્ય કોઈ ડોક્યુમેન્ટ સાથે છેડછાડ કરી હતી ? કે કેમ? તે જાણવા પોલીસ વધુ તપાસ કરશે. ટીપી શાખાના કર્મચારીઓને ધમકાવી બનાવેલી ખોટી મિનિટ્સ નોટ અંગે ગુનો દાખલ થયા પછી સાગઠિયાના વધુ રિમાન્ડ મંગાઈ શકે છે.
ફરિયાદમાં ક્રાઈમ બ્રાંચ પીએસઆઇ અને ખાસ તપાસ સમિતિના સભ્ય ડી. સી. સાકરીયાએ જણાવ્યા મુજબ, ટીઆરપી અગ્નિ કાંડ પછી રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશને આઇપીસી કલમ 304, 308, 337, 338, 114, 36 મુજબ ગુનો નોંધાયેલો.
જેની તપાસ એસીપી ક્રાઈમ ભરત બી. બસીયાની અધ્યક્ષતામાં રચાયેલી તપાસ સીટ કરી રહી છે. રાજકોટ મહાનગર પાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખભાઈ ધનજીભાઈ સાગઠીયા (ઉં.વ.55, રહે. અલખધણી એપાર્ટમેન્ટ, શિવશક્તિ કોલોની શેરી નં.4, યુનિવર્સીટી રોડ, રાજકોટ)ની ટીઆરપી આગ દુર્ઘટનાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તેમની પુછપરછ દરમિયાન આરોપી ટીપીઓએ પોતાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ વિવિધ મીટીંગોની મિનીટસ નોંધ પુરાવા તરીકે પોતાના બચાવ અર્થે રજુ કરેલ હતી. આ ફાઇલ તેઓએ રજુ કરતા તા. 03/6/2024 ના રોજ સરકારી પંચોની હાજરીમાં કબ્જે કરવામાં આવેલ હતી.
આ ફાઇલમાં રાજકોટ મહાનગર પાલીકા ટાઉન પ્લાનીંગ શાખાના લેટર હેડ હેઠળ ટાઉન પ્લાનીંગ ઓફીસરના અધ્યક્ષ સ્થાને શાખાની કામગીરી અંતર્ગત અલગ-અલગ તારીખે યોજાયેલ મીટીંગની કાર્યવાહીનો નોંધ હતી. જેમાં એટીપીઓ, સર્વેયર તથા અન્ય કર્મચારીઓની સહીઓ હતી. જે મિનીટસ નોટ પરની સહીઓની પેટર્ન ઉપરથી આ તમામ કાર્યવાહી નોંધ તેમાં જણાવેલ તારીખના દિવસે નહીં પરંતુ તે સિવાયના અન્ય કોઇ દિવસે એક જ સાથે સહી કરી પોલીસને ગેરમાર્ગે દોરવા ઉભી કરેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ જણાતા, રાજકોટ મહાનગર પાલીકા ટાઉન પ્લાનીંગ શાખાના એટીપીઓ, સર્વેયર તેમજ અન્ય કર્મચારીઓના નિવેદન મેળવી જો આમાં કોઈ ગુન્હાહિત જણાતુ હોય તો કાયદેસરની કાર્યવાહી કરવા એસીપી ક્રાઈમએ લેખીત હુકમ કરેલ હતો.
જેના આધારે મિનિટ્સ નોટમાં જેની જેની સહી હતી તેમના નિવેદનો લેતા જણાય આવેલ કે, તા.25/05/2024ના રોજ ટીઆરપી ગેમઝોનનો બનાવ બન્યા બાદ તા.27/05/2024 ના રોજ સાંજના 4.36 વાગ્યે વેસ્ટ ઝોનના એ.ટી.પી. રાજેશભાઈ મકવાણાએ ટી. પી. ટેકનીકલ નામના વોટ્સએપ ગ્રુપ (ટાઉન પ્લાનીંગ શાખા આરએમસીના સ્ટાફ માટેનુ વોટસએપ ગૃપ)માં મેસેજ કરેલ કે, ટીપીઓની સુચના અન્વયે સાંજે 6.30 કલાકે તમામ ટેકનીકલ સ્ટાફે સેન્ટ્રલ ઝોન ખાતે મિટીંગ માટે હાજર રહે. જે મેસેજથી ટેકનીકલ સ્ટાફના ટાઉન પ્લાનીંગ શાખાના સબંધીત કર્મચારીઓ સેન્ટ્રલ ઝોન ટી.પી.શાખાની ઓફીસ ખાતે હાજર રહેલ. બેઠકમાં ટી.પી.ઓ. સાગઠીયા હાજર હોય, તેઓ એ કહેલ કે, ટી.આર.પી. ગેમ ઝોનમાં આગનો બનાવ બનેલ છે તે બાબતે પોલીસ કોઇ પણ સમયે મારી પુછપરછ કરી શકે તેમ છે.
જેથી મારા બચાવ અર્થે મેં મારે લેવાની થતી સમયાંતરેની મીટીંગ લીધેલ હોય કે ન લીધેલ હોય પરંતુ સમયાંતરેની તમામ મિનિટ્સ નોટ બનાવેલ છે. તેમાં તમારે બધાને લાગુ પડે ત્યાં સહીઓ કરવાની જ છે. જેથી હાજર સ્ટાફે વિગતો જોઇ ચકાસી સહી ન કરવા જણાવતા સાગઠીયાએ ઉગ્ર થઇ કહેલ કે, તમારે આમા સહી કરવાની જ. આમ તત્કાલીન ટી.પી. વિભાગના વડા સાગઠીયાના ગર્ભીત ધમકી ભર્યા શબ્દો કહેતા સબંધીત કર્મચારીઓએ લાગુ પડતી મીનીટસ નોટમાં એકસાથે બધી સહીઓ તા.27/5/2024 ના રોજ કરી લીધેલ હતી.
આમ, સાગઠિયાએ અલગ અલગ તારીખોની બનાવટી મિનીટસ નોટ બનાવી તે ખરી ન હોવાનુ જાણવા છતા ટીઆરપી ગેમઝોનમાં બનેલ આગના બનાવના ગુન્હાની જવાબદારીમાંથી બચવા અને રજુ કરવા અર્થે પોતાના કબ્જામાં રાખી ખરા તરીકે ઉપયોગ કરી આઇપીસી કલમ 465, 466, 471, 474 મુજબ ગુન્હો કરેલ હોય જેથી મનસુખભાઈ ધનજીભાઈ સાગઠીયા સામે અલગથી ડીસીબી પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરાયો હતો.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.