રૂ.75 હજારની ઉઘરાણી કરતા યુવકને છરીના ઘા ઝીંકાયા - At This Time

રૂ.75 હજારની ઉઘરાણી કરતા યુવકને છરીના ઘા ઝીંકાયા


શહેરના યુનિવર્સિટી રોડ પર વિષ્ણુવિહાર સોસાયટી સામે યુવક પર ત્રણ શખ્સોઅે છરીથી હુમલો કર્યો હતો, ઘવાયેલા યુવકને હોસ્પિટલમાં ખસેડાયો હતો, પૈસાની ઉઘરાણી કરતાં યુવકને છરીના ઘા ઝીંકાયા હતા.

શહેરના પોલીસ હેડ ક્વાટર્સમાં એએસઆઇ બિલ્ડિંગમાં રહેતા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એફવાયબીકોમમાં અભ્યાસ કરતા જન્મજયસિંહ જયપાલસિંહ ઝાલા (ઉ.વ.20)એ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અયાન આરીફ લંજા, યશુ પ્રવીણ દવેરા અને શાહરૂખના નામ આપ્યા હતા. જન્મજયસિંહે ફરિયાદમાં જણાવ્યું હતું કે, 15મી ઓગસ્ટની સાંજે પોતે તેના બે મિત્ર સાથે વિષ્ણુવિહાર સોસાયટી સામે આવેલી સેવક પાનની દુકાન પાસે બેઠા હતા ત્યારે તેના જ મિત્ર અયાન, યશુ અને શાહરૂખ ત્યાં આવ્યા હતા, પંદરેક દિવસ પહેલા જન્મજયસિંહે મિત્ર અયાન લંજાને રૂ.1.15 લાખ આપ્યા હતા તેમાંથી રૂ.40 હજાર તેણે પાછા આપી દીધા હતા. જોકે રૂ.75 હજાર બાકી હતા.

જન્મજયસિંહે બાકીના રૂ.75 હજારની ઉઘરાણી કરતાં અયાન ઉશ્કેરાયો હતો અને તેણે ગાળો ભાંડી હતી, જન્મજયસિંહે ગાળો બોલવાની ના કહેતા ઢીકાપાટુનો મારમાર્યા બાદ અયાને છરી કાઢી છરીના બે ઘા જન્મજયસિંહને ઝીંકી દીધા હતા, હુમલામાં ઘવાયેલા યુવકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.