રાજકોટ: ટીપીના અનામત પ્લોટ પર ખડકાયેલા દબાણોનો કડૂસલો - At This Time

રાજકોટ: ટીપીના અનામત પ્લોટ પર ખડકાયેલા દબાણોનો કડૂસલો


રાજકોટ મહાનગર પાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા આજે શહેરના વેસ્ટ ઝોન વિસ્તારમાં ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ટીપીના અનામત પ્લોટ પર ખડકાયેલા દબાણો દૂર કરી 10.29 કરોડની જમીન ખૂલ્લી કરાવવામાં આવી હતી. ડિમોલીશનની કામગીરી ચુસ્ત વિજીલન્સ બંદોબસ્ત સાથે હાથ ધરવામાં આવી હોવાના કારણે કોઇ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.
રૈયાધાર, ધરમનગર, નાણાવટી ચોક, બાપા સીતારામ ચોક અને 150 ફૂટ રીંગ રોડ પર ધાર્મિક હેતુ સહિતના પાંચ દબાણો પર બુલડોઝર ફેરવી દેવાયું: 10.29 કરોડની જમીન ખૂલ્લી કરાવાઇ
આ અંગે વધુ માહિતી આપતા ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી. સાગઠીયાએ જણાવ્યું હતું કે આજે મ્યુનિ.કમિશનર અમિત અરોરાના આદેશ બાદ ટાઉન પ્લાનિંગ સ્કીમ નં.22 (રૈયા) અને ટીપી સ્કિમ નં.21 (મવડી)ના અમલીકરણના ભાગરૂપે કોર્પોરેશનને મળેલા અનામત પ્લોટમાં પર ખડકાયેલા દબાણો દૂર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત અલગ-અલગ 6 સ્થળોએ પાંચ કાચા-પાક્કા બાંધકામો અને બે સ્થળોએ પતરા અને છાપરાના દબાણો દૂર કરી બજાર કિંમત મુજબ 10.29 કરોડની 1794 ચો.મી. જમીન ખૂલ્લી કરાવવામાં આવી હતી.
વોર્ડ નં.1માં રૈયાધાર વિસ્તારમાં મારવાડીવાસ મેઇન રોડ પર ડ્રીમ સિટીની સામે ઓરડીનું દબાણ, 150 ફૂટ રીંગ રોડ પર ધરમનગર વિસ્તારમાં પરફેક્ટ ઓટો સર્વિસની પાસે વૈભવભાઇ કક્કડ નામના આસામીએ રસ્તા પર ખડકેલું પતરાનું દબાણ, નાણાવટી ચોકમાં શાંતિ નિકેતન પાર્કમાં રાજ કોમ્પ્લેક્સ શિવ કટલેરી તથા ખોડિયાર ઇમીટેશન દ્વારા માર્જીનની જગ્યામાં ખડકાયેલું છાપરાનું દબાણ, મવડી વિસ્તારમાં બાપા સીતારામ ચોકમાં નાગબાઇ સોસાયટી સામે જયેશભાઇ સોરઠીયા નામના આસામી દ્વારા રહેણાંક હેતુના મકાનનું સીલ લેવલ સુધીનું બાંધકામ, મવડીમાં પ્રમુખ નગર શેરી નં.4માં શૈલેષભાઇ જાદવ દ્વારા ઓરડી અને કમ્પાઉન્ડ હોલનું દબાણ અને 150 ફૂટ રીંગ રોડ પર આંબેડકરનગર ચોકમાં નોર્થ એન્ગલ સામે મંજુબેન નામના વ્યક્તિ દ્વારા રસ્તા પૈકીની જમીન પર ખડકાયેલું ધાર્મિક હેતુ માટેનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું.
આજે ડિમોલીશન દરમિયાન વોર્ડ નં.1, 9, 11 અને 12માં બે ટીપી સ્કિમના અનામત પ્લોટ પર ખડકાયેલા દબાણો દૂર કરી 1863 ચો.મી. જમીન ખૂલ્લી કરાવવામાં આવી હતી. જેની બજાર કિંમત 10.29 કરોડ જમીન ખૂલ્લી કરાવવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.