રાજકોટમાં વ્યાજના રૂપિયાની લેતીદેતીમાં 23 વર્ષીય યુવાનની છરીના ચાર ઘા ઝીંકી હત્યા
રાજકોટ સહિત રાજ્યભરમાં ગુજરાત સરકારના ગૃહ ખાતાએ વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા પોલીસ મથક દિઠ લોક દરબાર યોજ્યા હતાં. પરંતુ રાજકોટમાં તો વ્યાજખોરોને પોલીસનો ભય જ ન હોય તેમ બેફામ બની રહ્યા છે. ત્યારે ગઈ મોડી રાતે શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં વ્યાજના પૈસાની લેતીદેતી મામલે 23 વર્ષીય યુવકને વ્યજખોર પિતા-પુત્રોએ છરીના ચાર ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધાનો બનાવ સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. જ્યારે મૃતકની માતાને પણ પાઈપથી ફટકાતી હત્યાનો પ્રયાસ કરતાં સારવારમાં ખસેડયા હતાં. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે હત્યા, હત્યાનો પ્રયાસ અને મનીલેન્ડ એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે ગાંધીગ્રામમાં ગાંધીનગર શેરીમાં રહેતાં ઠાકર મિહીરભાઈ તેજશભાઈ (ઉ.વ.21) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે કમલેશ ગોસાઈ, જીગર ગોસાઈ અને જયદેવ ગોસાઈનું નામ આપતાં ગાંધીગ્રામ પોલીસે કલમ 302, 307 અને મનીલેન્ડ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તે ભીલવાસ ચોક પાસે આવેલ અંબીકા આરકેડ બીલ્ડીંગમા નીલકંઠ સર્જીકલમા નોકરી કરે છે. તેના પિતા તેજશભાઇ ડ્રાઇવીંગ કામ અને માતા સુનિતાબેન ઘરકામ કરે છે. તેઓ બે ભાઈ છે, જેમા મોટાભાઈ સુરજભાઈ (ઉ.વ.23) તે સંતકબીર રોડ પર આવેલ જેનીશ ઇમીટેશનમા કામ કરે છે અને તેને એકાદ વર્ષ પહેલાં પ્રિતી નામની યુવતી સાથે પ્રેમલગ્ન કરેલ છે.
વધુમાં ઉમેર્યું કે, એકાદ મહીના પહેલા મારા પિતાએ પૈસાની જરૂરીયાત પડતા તેમના મિત્ર કમલેશ ગોસાઈ જેઓ લાખના બંગલા પાસે ખોડીયાર પાન ધરાવે છે, અને તે બાજુ રહે છે. તેની પાસેથી રૂ. 20 હજાર વ્યાજે લીધેલ હતા અને વ્યાજ પેટે દરરોજ રૂ.200 ચુકવાના હતા. તે દરમિયાન મારા ફુવા મેહુલભાઇ પુજારાને પૈસાની જરૂરીયાત પડતા મારા પિતાએ પોતાની જવાબદારી પર દશેક દિવસ પહેલા કમલેશ પાસેથી રૂ.10 હજાર અપાવેલ હતા. ગઇ કાલ રાત્રીના નવેક વાગ્યાની આસપાસ મારા ફુવા અને પિતા કમલેશની ખોડીયાર પાન પર પૈસા આપવા માટે ગયેલ હતા.
બાદમાં સાડા નવેક વાગ્યાના અરસામા મારા પિતા તથા ફુવા ઘરે આવેલ હતા. ત્યારે હું મારી માતા અને ભાઈ સુરજ ત્રણેય ઘરે હાજર હતા. ત્યારે મારા પિતાએ જણાવેલ કે, હુ તથા તારા ફુવા કમલેશને ફુવાએ વ્યાજે લીધેલ રૂ. 10 હજાર પરત આપવા ગયેલ હતા, તે દરમ્યાન કમલેશે આજનુ વ્યાજ પણ આપવું પડશે તે અંગે મારા સાથે માથાકુટ થયેલ હોય અને તેઓએ મને બે-ત્રણ ફડાકા ઝીંકેલ હતાં. ત્યારબાદ તેઓને પૈસા આપી નીકળી ગયેલ હતા.
ત્યારબાદ મારા પિતા મારા ફુવાના ઘરે જતા રહેલ હતા, ત્યારબાદ હુ મારી માતા તથા ભાઈ સુરજ એકટીવા લઇ તેઓને રૂ.20 હજાર પરત આપવા ગયેલ હતા. ત્યારે ખોડીયાર પાને જીગ2 બેઠેલ હતો. જેથી મારા માતાએ જીગરને કહેલ કે, તારા પિતાને બોલાવ અમારે તેઓને પૈસા આપવા છે. તેમ કહેતા આ જીગરે ફોન કરી તેના પિતાને ખોડીયાર પાને બોલાવેલ હતા, થોડીવારમા કમલેશ અને તેનો મોટો દીકરો જયદેવ દુકાને આવેલ હતા. દરમ્યાન મારા માતાએ કમલેશભાઈને કહેલ કે, તમોએ વગર વાંકે મારા પતિ સાથે ઝગડો કરી તેઓને ફડાકા ઝીંકેલ છે.
અમારે તમારા પૈસા જોતા નથી. તેમ કહેતા કમલેશ તથા તેના બંન્ને દીકરા ઉશ્કેરાય ગયેલ અને અચાનક જીગરે તેના પેન્ટના નેફામાંથી છરી કાઢી સુરજ પર છરીનો ઘા કરતા પડખાના ભાગે છરી વાગેલ હતી. તે દરમ્યાન અમે વચ્ચે છોડાવવા પડતા કમલેશ તથા તેના પુત્ર જયદેવે લાકડાના ધોકા દુકાનમાંથી કાઢી મારા માતાને મોઢાના ભાગે અને પીઠના ભાગે ઘા મારતા તે પડી જતા બંન્ને ભાઈઓ તેને છોડાવવા જતા જયદેવ અને કમલેશએ મારા ભાઇને પકડી રાખેલ અને જીગરે મારા ભાઈને માથાના ભાગે તથા છાતીના ભાગે છરીના બે-ત્રણ ઘા મારતા તે લોહીલુહાણ થઈ પડી દેકારો કરતા ત્યાં લોકો એકઠાં થઈ જતા ત્રણેય પિતા-પુત્ર નાસી છૂટ્યા હતાં. ઝગડામા આરોપી જીગરને પણ છરી વાગેલ હતી.
તેમજ મારા માતા અને ભાઈને ગંભીર ઇજા થતા મારા પિતાને બોલાવેલ હતા. બાદમાં બંને ઈજાગ્રસ્તને ગંભીર હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પીટલે ખસેડેલ હતાં. જ્યાં તેના ભાઈ સૂરજને ફરજ પરના તબીબોએ તપાસી મૃત જાહેર કરેલ હતાં. બનાવ અંગેની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી પીઆઈ એમ.જી.વસાવા અને ટીમે આરોપીઓને સકંજામાં લેવાં તજવીજ હાથ ધરી હતી.
વ્યજખોર કમલેશ ગોસાઈ અને તેના પુત્ર જયદેવ અને જિગરે વ્યાજખોરીના રૂપિયા મામલે 23 વર્ષીય સૂરજ ઠાકર નામના યુવાનને મોતને ઘાટ ઉતારી દેતા પરિવારજનોમાં આઘાત સાથે આરોપી સામે આક્રોશ ફેલાયો હતો અને જ્યાં સુધી ત્રણેય આરોપીની ધરપકડ નહીં થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો.
ગાંધીગ્રામમાં વ્યાજના રૂપિયા મામલે ગઈ મોડી રાતે ખેલાયેલ ખૂની ખેલમાં એક યુવકની હત્યા થઈ હતી. જ્યારે સામાપક્ષે ઝપાઝપીમાં આરોપી જીગર ગોસાઈને પણ છરીનો ઘા લાગી જતાં તેને પણ ઈજાગ્રસ્ત હાલતમાં સારવારમાં અત્રેની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ગાંધીગ્રામ વિસ્તારમાં રીક્ષા ચાલક તેજસભાઈ ઠાકરે વ્યાજખોર પાસેથી તેના બનેવી માટે લીધેલ રૂ.10 હજાર નું વ્યાજ સહિત ચુકવણું કરવા માટે આરોપી કમલેશ ગોસાઈની દુકાને ગયાં હતાં. ત્યારે આજના દિવસનું વ્યાજ 200 રૂપિયા પણ આપવા પડશે કહી આરોપીએ તેજસભાઈને ફડાકો ઝીંકી દિધો હતો અને બાદમાં તેના પત્ની અને પુત્રો તેઓએ લીધેલ રૂ.20 હજાર ચૂકવવા જતાં ખૂની ખેલ ખેલાયો હતો
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.