મવડી, રૈયા, કોઠારીયા, કુવાડવા રોડ, રાંદરડા તળાવ પાછળ છ નવી ટીપી સ્કીમની જાહેરાત - At This Time

મવડી, રૈયા, કોઠારીયા, કુવાડવા રોડ, રાંદરડા તળાવ પાછળ છ નવી ટીપી સ્કીમની જાહેરાત


મ્યુનિ. કોર્પોરેશનની આજે મળેલી સામાન્ય સભામાં એજન્ડા પર રહેલી 13 દરખાસ્ત સિવાય ભાજપ શાસકોએ ટાઉન પ્લાનીંગ શાખાની 7 અરજન્ટ દરખાસ્ત પૂરક તરીકે સમાવી લીધી હતી. રાજકોટ શહેરના જુદા જુદા ભાગના વિકાસ માટે વધુ 6 ટીપી સ્કીમ બનાવવાનું આયોજન જાહેર કરવામાં આવ્યું છે જે કુવાડવા રોડ, રાંદરડા તળાવ, મવડી અને કોઠારીયા વિસ્તારને લાગુ પડે છે.
આ ઉપરાંત આજની સભામાં ટીપી 26 વાવડી, ટીપી 27 વાવડી, ટીપી 30-31 કોઠારીયાનો ઇરાદો જાહેર કરીને કમિશ્નરને અધિકૃત કરવામાં આવ્યા હતા. જયારે રૈયા 33માં સામેલ જાહેરહેતુના અંતિમ ખંડ તથા રસ્તાની દરખાસ્તને પરામર્શ આપવા ઠરાવાયું હતું.
મેયર ડો.પ્રદીપ ડવના અધ્યક્ષસ્થાને આજે મળેલી સભામાં વાવડી કબ્રસ્તાનની જગ્યાની દરખાસ્ત નામંજુર કરાઇ હતી જયારે 19 દરખાસ્ત મંજૂર કરી દેવામાં આવી હતી. ટીપી સ્કીમને લગતી સાત આઇટમ સર્વાનુમતે મંજૂર થઇ હતી. તેમાં વર્ષો જુની જમીનનો કબ્જો મુળ માલિકને સોંપવાનો ઠરાવ પણ હતો. રૈયા ટીપી સ્કીમ 33માં સામેલ થયેલા અંતિમ ખંડો અને રોડ અંગે નગરરચના અધિકારીએ તૈયાર કરેલી પ્રારંભિક દરખાસ્ત પરામર્શ અર્થે મોકલવામાં આવેલ છે જે પરત્વે અભિપ્રાય આપવામાં આવ્યો હતો.
આજની બેઠકમાં નવી છ મુસદ્દારૂપ નગરરચના યોજના તૈયાર કરવા ઠરાવ કરવામાં આવ્યો છે. ટીપી 37 રાજકોટમાં મેંગો માર્કેટ, કુવાડવા, રાજકોટ-40માં રાંદરડા તળાવ પાછળનો વિસ્તાર, 29-30 મવડીમાં 150 ફુટ રોડથી રામધણ સુધીનો ભાગ, 49 રૈયામાં સ્માર્ટ સીટીની ટીપી 32ને લાગુ જગ્યા અને 50 કોઠારીયામાં છેવાડાના ભાગે ટીપી સ્કીમ બેસાડવા મનપાનું આયોજન છે આ માટે સરકારનો પરામર્શ મેળવવા આજે પ્રસ્તાવ પાસ કરાયો છે. આમ શહેરના ત્રણે છેડે નવી ટીપી સ્કીમની ઇચ્છા મહાપાલિકાએ સરકાર સમક્ષ મૂકી દીધી છે.
વાવડી ટીપી નં.26 અને 27, કોઠારીયા 30 અને 31નો ઇરાદો જાહેર કરીને સરકારમાં મોકલવા કમિશ્નરને અધિકૃત કરવામાં આવ્યા છે. વાવડીમાં કોઠારીયા અને રૂડા ગામ, કાંગશીયાળીનો સીમાડો, કોઠારીયાનો સીમાડો, વાવડીની હદ આવે છે. કુલ 175.92 હેકટરનો વિસ્તાર છે. વાવડી 27માં 169.93 હેકટરનું ક્ષેત્રફળ છે. જેમાં વાવડી, કાંગશીયાળી, પાળ ગામનો સીમાડો આવે છે.
કોઠારીયા-30નું ક્ષેત્રફળ 107 હેકટર છે અને તેમાં કોઠારીયા તથા ગામતળ, ખોખળદડ નદી, સુચિત ભાગ આવે છે. કોઠારીયા-31માં 106.21 હેકટર વિસ્તાર છે અને ગામ, નોન ટીપી વિસ્તાર, રેલવે ટ્રેક, નેશનલ હાઇવેનો ભાગ આવે છે. આમ આજની મીટીંગમાં 6 નવી ટીપી સ્કીમ, 4 યોજનાના ઇરાદા, એકમાં પરામર્શનો ઠરાવ કરાયો હતો.
- રાજકોટ-37 : કુવાડવા રોડ પર પોલીસ ચોકી સામે, મેંગો માર્કેટ બાજુમાં
- રાજકોટ-40 : રાંદરડા તળાવ પાછળના ઔદ્યોગિક વિસ્તારવાળો ભાગ
- મવડી-29, 30 : ફોર્ચ્યુન હોટલ પાછળથી રામધણ સુધીનો પાળ રોડ, આસ્થાના ગેટવાળો માર્ગ
- રૈયા-49 : સ્માર્ટ સીટી ટીપી 32ને લાગુ વિસ્તાર, નવો રીંગ રોડ
- કોઠારીયા-50 : કોઠારીયાના છેડે રેલવે ટ્રેક પાસેનો સૌથી છેલ્લો વિસ્તાર
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.