‘વંદે ગુજરાત વિકાસયાત્રા’ અંતર્ગત બોટાદમાં યોજાયો કાર્યક્રમ : વિવિધ યોજનાના ૬૨ લાભાર્થીઓને કરાયા લાભાન્વિત - At This Time

‘વંદે ગુજરાત વિકાસયાત્રા’ અંતર્ગત બોટાદમાં યોજાયો કાર્યક્રમ : વિવિધ યોજનાના ૬૨ લાભાર્થીઓને કરાયા લાભાન્વિત


‘વંદે ગુજરાત વિકાસયાત્રા’ અંતર્ગત બોટાદમાં યોજાયો કાર્યક્રમ : વિવિધ યોજનાના ૬૨ લાભાર્થીઓને કરાયા લાભાન્વિત
*****
વિકાસયાત્રા રથ બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું
*****
સરકારશ્રીના સંવેદનશીલ અભિગમ થકી છેલ્લા ૨૦ વર્ષમાં અનેક હકારાત્મક પરિવર્તનોના સાક્ષી આપણે સૌ બન્યા છીએ: ધારાસભ્યશ્રી સૌરભભાઈ પટેલ
*****

માહિતી બ્યુરો,બોટાદ:- આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસના કામોને જનસમુહ સુધી પહોંચાડવા માટે વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત આજે નવમાં દિવસે “વંદે ગુજરાત વિકાસયાત્રા રથ” બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યો હતો. જ્યાં યાત્રાનું સહર્ષ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પૂર્ણ થયેલા કામોનું લોકાર્પણ અને મંજૂર થયેલા નવા કામોની જાહેરાત કરવામાં આવી હતી સાથોસાથ ૬૨ લાભાર્થીઓને વિવિધ યોજના અંતર્ગત લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં બોટાદના ધારાસભ્યશ્રી સૌરભભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, સરકારશ્રીના સંવેદનશીલ અભિગમ થકી છેલ્લા ૨૦ વર્ષમાં અનેક હકારાત્મક પરિવર્તનોના સાક્ષી આપણે સૌ બન્યા છીએ. શિક્ષણ ક્ષેત્રે રાજ્યમાં મોટી જાગૃતિ આવી છે. છેવાડાના માનવી પોતાના દીકરા અને દીકરીઓને શાળાઓમાં મોકલતા થયા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ યોગ્ય દિશા બતાવી છે જેના લીધે પર્યાવરણ, ટેકનોલોજી, કૃષિ સહિતના દરેક ક્ષેત્રમાં આપણા દેશે હરણફાળ ભરી છે.

વધુમાં ધારાસભ્યશ્રીએ ઉમેર્યુ હતું કે, આપણે સૌએ સાથે મળીને દેશના વિકાસની આ પ્રક્રિયાને ઝડપી બનાવવાની છે. આગામી સમયમાં બોટાદ શહેરના જુદા જુદા વિસ્તારમાં સી.સી.રસ્તા, વોર્ડ નંબર-5માં કોમ્યુનિટી હોલ, ખોડીયાર નગર-2માં આંગણવાડી, જુદા જુદા વિસ્તારમાં ગટરલાઈન નાખવાની કામગીરી સહિતના વિકાસના કામો નિર્ધારિત છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વંદે ગુજરાત વિકાસયાત્રા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોનું ઔષધીય છોડથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વંદે ગુજરાત વિકાસયાત્રા અંગેની ફિલ્મનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મહાનુભાવોના હસ્તે કુંવરબાઈનું મામેરૂં, વ્હાલી દીકરી, એસસીપી યોજના, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના સહિતની યોજનાઓના કુલ-૬૨ લાભાર્થીઓને લાભાન્વિત કરાયા હતા.

કાર્યક્રમમાં જિલ્લા અગ્રણી ભીખુભાઈ વાઘેલા, ચંદુભાઈ સાવલીયા, બોટાદના કલેક્ટરશ્રી બી.એ.શાહ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.ડી.પલસાણા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી પી.બી.પટેલ, માર્કેટિંગ યાર્ડના ચેરમેનશ્રી જીવરાજભાઈ, ચીફ ઓફિસરશ્રી એમ.એમ.વાઘેલા, પ્રાંત અધિકારીશ્રી દિપક સતાણી, સહિતના અધિકારીશ્રી-પદાધિકારીશ્રીઓ, લાભાર્થીઓ, તેમજ મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
0000000


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.