૨૦મી ફેબ્રુઆરી-વિશ્વ સામાજિક ન્યાય દિવસ : સમાનતાના છે સૌ કોઈ હકદાર - At This Time

૨૦મી ફેબ્રુઆરી-વિશ્વ સામાજિક ન્યાય દિવસ : સમાનતાના છે સૌ કોઈ હકદાર


૨૦મી ફેબ્રુઆરી-વિશ્વ સામાજિક ન્યાય દિવસ : સમાનતાના છે સૌ કોઈ હકદાર

સમાન - સર્વાંગી વિકાસની તકોના સર્જન થકી ગુજરાતમાં
સામાજિક સમરસતા માટેના વાતાવરણનું નિર્માણ કરતી રાજ્ય સરકાર

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનાં નેતૃત્વમાં “સબ સમાજ કો લિયે સાથ મે, આગે હી બઢતે જાના હૈ” ના સેવામંત્ર સાથે રાજ્યના સાતત્યપૂર્ણ વિકાસ માટે કટિબદ્ધ સરકાર

સામાજિક ન્યાય દિવસ પર ચાલો જાતિવાદથી પર જઇ “વસુધૈવ કુટુંબકમ”ની ભાવના સાથે વિકાસપથ પર આગળ વધીએ

કોઈપણ રાષ્ટ્રમાં વસતાં પ્રત્યેક નાગરિકને સમાન ન્યાય મળે તે માટે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા વર્ષ ૨૦૦૭માં સમાનતાના કેન્દ્રવર્તી વિચાર સાથે ૨૦મી ફેબ્રુઆરીનો દિવસ “વિશ્વ સામાજિક ન્યાય દિવસ” તરીકે ઉજવવાની ઘોષણા કરવામાં આવી હતી, ત્યારથી દર વર્ષે સમગ્ર વિશ્વમાં ૨૦મી ફેબ્રુઆરીએ “વિશ્વ સામાજિક ન્યાય દિવસ” ની ઉજવણી કરવામાં આવે છે. સામાજિક અખંડિતતાને ટેકો આપવા માટે આ દિવસ મનાવવામાં આવે છે.
વિશ્વ સામાજિક ન્યાય દિવસ’નો ઇતિહાસ
સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલીએ ૨૬ નવેમ્બર ૨૦૦૭ના રોજ જાહેરાત કરી હતી કે દર વર્ષે ૨૦ ફેબ્રુઆરીને સામાજિક ન્યાય માટે વિશ્વ દિવસ તરીકે ઉજવવામાં આવશે. સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલીએ આ દિવસની શરૂઆત માનવતા માટે જોખમી સમસ્યાનો સામનો કરવા માટે કરી હતી. તેનો હેતુ સમાનતા ફેલાવીને અન્યાય અને ભેદભાવને નાબૂદ કરવાનો છે.
વિશ્વ સામાજિક ન્યાય વર્ષ ૨૦૨3ની થીમ “સામાજિક ન્યાય માટેના અવરોધો દૂર કરવા તેમજ તકો શોધવી” છે. સામાજિક ન્યાયની આધારશિલા પર કેન્દ્રિત ભારતીય બંધારણમાં ધર્મ, જાતિ, જ્ઞાતિ અને લિંગ ભેદભાવથી પર રહીને સામાજિક ન્યાય પ્રક્રિયાના માળખાની રચના કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા સમાજના નબળા વર્ગોને શિક્ષણ, પાયાની સવલતો, રોજગારી મળી રહે તેવા સ્ત્રોતોનું સર્જન તથા તેના માટે બજેટમાં વિશેષ જોગવાઈ પણ કરવામાં આવે છે.
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના તમામ નાગરિકોને સામાજિક ન્યાય મળી રહે તે માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સામાજિક સમાનતા માટે અનેક યોજનાઓ અમલી છે. રાજ્યનું પ્રત્યેક બાળક મૂલ્યનિષ્ઠ શિક્ષણ મેળવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ‘‘રાઈટ ટુ એજ્યુકેશન’’ ના નેજા હેઠળની શિક્ષણ પણ છે તો તેજસ્વી બાળકોને અભ્યાસ માટે આવશ્યક પુસ્તકોની સહાય પણ આપવામાં આવે છે. આ ઉપરાંત શિક્ષણ પ્રોત્સાહક અનેકવિધ યોજનાઓ થકી વિવિધ સમાજના દિકરા – દિકરીઓને ઉચ્ચ અભ્યાસ માટેની વિશેષ સવલતો પણ પૂરી પાડવામાં આવી રહી છે. સ્ત્રી સાક્ષરતા દર વધે, મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે વિવિધ યોજનાઓ કાર્યરત છે. રાજ્ય સરકાર સામાન્ય જનની સાથે દિવ્યાંગજનોની પણ વિશેષ દરકાર કરી રહી છે. રાજ્યમાં વસતા દિવ્યાંગજનો પોતાના અધિકારોથી વંચિત ન રહે તે માટે વિશેષ કાળજી પણ લેવામાં આવે છે. બોટાદ જિલ્લામાં પણ સામાજિક સમરસતાની સાથે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડી તેઓ અન્ય સમાજની સાથે સર્વાંગી વિકાસની દિશામાં ઝડપભેર આગળ વધે તે માટેના અનેકવિધ કાર્યો કરવામાં આવી રહ્યાં છે. રાજ્યનો વિકાસ સોળે કળાએ ખીલે તે હેતુસર સુચારૂ વ્યવસ્થા અમલી છે.

રાજ્યના પ્રત્યેક વર્ગના લોકોને વિકાસની મુખ્યધારામાં લાવવા સરકાર કટિબદ્ધ છે. જે અન્વયે બોટાદ જિલ્લામાં તમામ વર્ગોના લોકોને સમાન લાભ મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. લોકોને “ઘરનું ઘર” મળી રહે તે માટે આવાસ યોજના, જરૂરિયાતમંદ પરિવારની દિકરીને લગ્ન સમયે સહાયરૂપ બનતી “કુંવરબાઈનું મામેરું” તેમજ લોકો પોતાનો વ્યવસાય શરૂ કરીને આર્થિક ઉપાર્જન કરી શકે તે માટે સાધન સહાય વગેરે જેવી અનેકવિધ યોજનાઓને કારણે નબળા વર્ગના લોકો આર્થિક રીતે સ્વાવલંબી બન્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વમાં “સબ સમાજ કો લિયે સાથ મે, આગે હી બઢતે જાના હૈ” ના સેવામંત્ર સાથે ગુજરાતની વર્તમાન સરકાર રાજ્યના સર્વાંગી અને સાતત્યપૂર્ણ વિકાસની સાથે સર્વ સમાજના સમાન વિકાસ માટે કટિબદ્ધતા સાથે કાર્ય કરી રહી છે. સામાજિક ન્યાય દિવસ પર જાતિવાદ અને ઊંચ-નીચના બંધનો દૂર કરીને આ દિવસને સાચા અર્થમાં સાર્થક બનાવીએ, તેમજ “વસુધૈવ કુટુંબકમ”ની ભાવના સાથે વિકાસપથ પર આગળ વધીએ.

Report by
Ashraf jangad
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.