રાજકોટ કલેકટર કચેરીમાં અધિક કલેકટરનું સરપ્રાઈઝ ચેકીંગ; ડઝનેક ગુટલીબાજો ઝપટે ચડયા - At This Time

રાજકોટ કલેકટર કચેરીમાં અધિક કલેકટરનું સરપ્રાઈઝ ચેકીંગ; ડઝનેક ગુટલીબાજો ઝપટે ચડયા


રાજકોટ જીલ્લા કલેકટર કચેરીમાં આજે અધિક કલેકટર ચેતન ગાંધીએ એકાએક કલેકટર કચેરીની તમામ શાખાઓનું સરપ્રાઈઝ ચેકીંગ કરતા ડઝનેક ગુટલીબાજ કર્મચારીઓ ઝપટે ચડી જવા પામેલ હતા. અધિક કલેકટર ગાંધીના આ સરપ્રાઈઝ ચેકીંગના પગલે કર્મચારીઓમાં સોંપો પડી જવા પામેલ હતો.
અધિક કલેકટર ગાંધી આજે ઉઘડતી કચેરીએ જ કચેરીની પુરવઠા, આયોજન, જમીન સંપાદન, મધ્યાહન ભોજન યોજના, ખાણ-ખનિજ શાખા, સહિતની શાખાઓમાં દોડી જઈ કર્મચારીઓના હાજરીપત્રક (મસ્ટર)ની ચકાસણી કરી હતી.
કલેકટર કચેરીની વિવિધ 7 જેટલી આ શાખાઓના કર્મચારીઓના મસ્ટરની કરાયેલી ચકાસણી દરમિયાન ડઝનેક જેટલા કર્મચારીઓની ગેરહાજરી હોવાનું ખુલ્યું હતું. કચેરીના સમય દરમ્યાન ગેરહાજર રહેનારા આ તમામ કર્મચારીઓના લોકેશન અધિક કલેકટર ગાંધી દ્વારા મંગાવવામાં આવેલ હતા.
આ ઉપરાંત કલેકટર કચેરીની આ સાતેય શાખાઓના મસ્ટર કબ્જે કરી પોતાની ચેમ્બરમાં જ કર્મચારીઓને હવે હાજરી પુરવા અલ્ટીમેટમ આપ્યુ હતું. અધિક કલેકટર ચેતન ગાંધીના આ સરપ્રાઈઝ ચેકીંગ દરમ્યાન જીલ્લા પુરવઠા અધિકારી વાધવાણી પણ ગેરહાજર હોવાનું માલુમ પડતા જીલ્લા પુરવઠા અધિકારી વાધવાણીને અધિક કલેકટર ચેતન ગાંધીએ પોતાની ચેમ્બરમાં બોલાવી ખખડાવ્યા હતા.
અહીં એ ઉલ્લેખનીય છે કે જીલ્લા કલેકટર કચેરીનો ખુલવાનો સમય સવારના 10-30 કલાકનો છે. પરંતુ કેટલાક કર્મચારીઓ 10-45 કે 11 વાગ્યા સુધી પણ હાજર થતા ન હોવાનું ખુલ્યું હતું. જે બાદ અધિક કલેકટર ચેતન ગાંધીએ આજે ઉઘડતી કચેરીએ જ તમામ શાખાઓનું સરપ્રાઈઝ ચેકીંગ કરી સપાટો બોલાવી દીધો હતો.
જેમાં ખાણ-ખનીજ વિભાગના ત્રણ જેટલા કર્મચારીઓ પણ ગેરહાજર રહ્યાનું ખુલતા આ શાખાના વડાને પણ રૂબરૂ બોલાવી કર્મચારીઓની ગેરહાજરીના મામલે તેઓનો ખુલાસો પુછવામાં આવેલ હતો. અહીં એ ઉલ્લેખનીય છે કે અધિક કલેકટર ચેતન ગાંધીએ તેનો ચાર્જ સંભાળ્યાને હજુ માત્ર બે માસનો સમયગાળો થવા પામેલ છે.
બે માસના આ સમયગાળા દરમ્યાન તેઓએ કર્મચારીઓની હાજરીના મામલે કલેકટર કચેરીની તમામ શાખાઓની સવાર સાંજ રૂબરૂ મુલાકાત લેતા હતા પરંતુ આજે અધિક કલેકટર ગાંધીએ ઉઘડતી કચેરીએ કલેકટર કચેરીની તમામ શાખાઓનું સરપ્રાઈઝ ચેકીંગ કરી મસ્ટર તપાસના 12 જેટલા ગુટલીબાજ ઝપટે ચડી જવા પામેલ હતા.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.