હોળી-ધુળેટીના તહેવાર બાદ કામગીરી ફરી શરૂ
હિંમતનગર ખેડ તસીયા અને ઈડર સ્ટેટ
હાઈવેને જોડતા હાથમતી ઓવરબ્રિજના
કામ માટે હાથમતી વિયર ખાલી થશે
હિંમતનગરના ખેડ તસીયા રોડ અને ઇડર સ્ટેટ હાઈવેને જોડતો હાથમતી વિયર પરના ઓવરબ્રિજની કામગીરી ચોમાસાને લઈને બંધ થઇ હતી. જે કામગીરી હવે સાત મહિના બાદ થવાને લઈને પહેલા હાથમતી વિયર ખાલી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાથમતી વિયર ખાલી થઇ ગઈ, પરંતુ શ્રમિકોના અભાવે કામગીરી શરૂ થઇ શકી નથી. ત્યારે હવે તહેવાર બાદ કામગીરી શરુ થઇ શકે છે.
આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગરથી ખેડ તસીયા રોડ અને હિંમતનગરથી ઇડર રોડને જોડતો હાથમતી વિયર પર રાજ્ય સરકાર દ્વારા રૂ. 21 કરોડના ખર્ચે ઓવરબ્રિજ મંજૂર કર્યો હતો. જેની કામગીરી વર્ષ 2023માં માર્ચમાં શરૂ થઇ હતી. અબડમેન્ટ અને 6 પિયર બની ગયા બાદ ચોમાસું શરૂ થયું હતું.જેને લઈને હાથમતી વિયરમાં પાણીની આવક શરૂ થઇ હતી. ત્યાર બાદ ખેડૂતોને રવિ સીઝન માટે સિંચાઈ માટે પાણી આપવાનું હોવાથી વિયર ભરવામાં આવ્યો હતો. જેથી કામગીરી જુલાઈ-2023માં બંધ કરવામાં આવી હતી.
ખેડૂતોને રવિ સીઝન માટે સિંચાઈનું પાણી પૂર્ણ થયા બાદ હિંમતનગરનો હાથમતી વિયરમાં પાણીનું લેવલ કેનાલ કરતા નીચે જતા નદી માર્ગે પાણી છોડવામાં આવ્યું હતું. અંદાજે 15 દિવસમાં પાણીથી હાથમતી વિયર ખાલી થઇ ગયો છે.
બીજી તરફ હોળી-ધૂળેટીના તહેવારને લઈને શ્રમિકોના અભાવે કામગીરી શરુ થઇ શકી નથી. ત્યારે અગામી તહેવારો પૂર્ણ થયા બાદ કામગીરી શરુ થઇ શકે છે. 6 પિયર અને એક પિયર કેપ સુધી કામગીરી ચોમાસા પહેલા અટકી હતી જે હવે શરુ થશે. આ અંગે હિંમતનગરના માર્ગ અને મકાન વિભાગના મદદનીશ ઇજનેર તુષાર પટેલે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, હાથમતી વિયર પર 21 કરોડના ખર્ચે ઓવરબ્રિજ 6 પિયર બે અબડમેન્ટ, 16 મીટર પહોળો જેમાં 11 મીટર રોડ અને બંને તરફ ફૂટપાથ, સ્ટ્રીટ લાઈટ સાથેનો બનશે. હાથમતી વિયર ખાલી થયો છે હોળી-ધુળેટીના તહેવાર બાદ કામગીરી શરુ થશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.