અનમોલ પાર્કમાં નિંદ્રાધીન પિતા-પુત્રના બે મોબાઈલ અને રોકડની ઉઠાંતરી કરતા તસ્કરો
અનમોલ પાર્કમાં ઘર પાસે ખુલ્લી જગ્યામાં સુતેલા પિતા-પુત્રએ ઓશિકા પાસે રાખેલ બે મોબાઈલ ફોન અને રોકડ મળી રૂા.10 હજારના મુદામાલની ચોરી કરી તસ્કરો નાસી છુટતા આજીડેમ પોલીસે ગુન્હો નોંધી શોધખોળ હાથ ધરી હતી.
બનાવ અંગે આજીડેમ ચોકડી પાસે અનમોલ પાર્ક સોસાયટી શેરી નં.1માં રહેતા મહેબુબભાઈ કાસમભાઈ અજમેરી (ઉ.52) એ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ હતું કે તેઓ માધાપર ચોકડી પાસે આવેલ બ્લુ ડાર્ટ કુરીયર કંપનીની સર્વિસની બોલેરો ગાડીમાં ડ્રાઈવીંગ કામ કરે છે. ગઈ તા.29ના તેઓ તેના કામ પરથી સાંજના સાતેક વાગ્યે ઘરે આવેલ અને રાત્રીના ઘરની બહાર ખુલ્લી જગ્યામાં તેઓ તેના દિકરા તૌફીક સાથે સૂઈ ગયેલ તેમજ તેમના પત્ની અને અન્ય પરિવારજનો ઘરમાં અંદર સુતા હતા ત્યારે વહેલી સવારે ચારેક વાગ્યે તેમનો પુત્ર જાગી ગયેલ અને તેણે પરિવારજનોને જગાડી કહેલ કે રાતના એકાદ વાગ્યે તે તેમના ઓશિકા પાસે પગારના રોકડા રૂા.7000 અને એક મોબાઈલ ફોન રાખી સુતો હતો. બાદમાં કંઈક અવાજ આવતા તે જાગી ગયેલ અને ઓશિકે રાખેલ મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા જોવામાં આવેલ ન હતા.
તેમજ ફરિયાદીએ પણ પોતાના ઓશિકા પાસે રાખેલ મોબાઈલ ફોન જોવામાં આવેલ નહી જેથી ઘરની ખુલ્લી જગ્યામાં કોઈ અજાણ્યો શખ્સ ઘુસી આવી રોકડા રૂા.7000 અને બે મોબાઈલ ફોન મળી રૂા.10 હજારના મુદામાલની ચોરી કરી નાશી છુટયા હતા. બનાવ અંગેની ફરિયાદ પરથી આજીડેમ પોલીસે ગુન્હો નોંધી સીસીટીવી ફુટેજના આધારે તસ્કરની શોધખોળ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.