૨૧મી જૂને પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લાકક્ષાના ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી કરાશે - At This Time

૨૧મી જૂને પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લાકક્ષાના ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી કરાશે


પંચમહાલ જિલ્લા તંત્ર દ્વારા આગામી ૧૦મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષા ઉપરાંત તમામ તાલુકા કક્ષાની ઉજવણી માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ સંદર્ભે કરવામાં આવેલા આયોજન અંગેની વિગતો પત્રકારો સમક્ષ મૂકતા પંચમહાલ કલેક્ટરશ્રી આશિષ કુમારે જણાવ્યું હતું કે, જિલ્લા કક્ષાની ઉજવણી ગોધરાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવશે. તદુપરાંત આઈકોનિક સ્થળ પાવાગઢ ખાતે પણ યોગના કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

જિલ્લામાં સાત સ્થળોએ તાલુકા/નગરપાલિકા કક્ષાનો સંયુક્ત કાર્યક્રમ યોજાશે. સાથે સાથે જિલ્લાના દરેક મહત્વના તેમજ હેરિટેજ સ્થળો ઉપરાંત ગ્રામ્ય, શાળા-કોલેજો અને અન્ય સંસ્થાઓ ખાતે બહોળી સંખ્યામાં યોગ સાધકો ‘સ્વયં અને સમાજ માટે યોગ’ની થીમ પર યોગાભ્યાસ કરશે, તેમ કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું.

જિલ્લા તેમજ તાલુકા/નગરપાલિકા કક્ષાની ઉજવણી સંદર્ભે વધુ વિગતો આપતા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં બે હજારથી વધારે લોકો જોડાશે. આ બાબતે સમાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, યોગ સાથે જોડાયેલી સંસ્થાઓ, એન.જી.ઓ., ઉપરાંત અગ્રણીઓ સાથે સફળ બેઠકો યોજવામાં આવી હતી. તેમજ જિલ્લા અને તાલુકા કક્ષાની સમિતિઓની રચના અને કાર્યક્રમની આનુષંગિક વ્યવસ્થાઓ પૂર્ણ થઈ ગઈ હોવાનું તેમણે જણાવ્યું હતું.

વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં જિલ્લાના વધુમાં વધુ નાગરિકોને યોગાભ્યાસમાં જોડાઈને આ કાર્યક્રમને લોકભાગીદારીનો કાર્યક્રમ બનાવવા કલેક્ટરશ્રીએ અનુરોધ કર્યો છે. ૨૧મી જૂનના દિવસે સવારે ૫:૩૦ કલાકથી કાર્યક્રમની શરૂઆત થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પંચમહાલ જિલ્લાના સાડા ચાર લાખ નાગરિકોએ યોગાભ્યાસ કરીને યોગ પ્રત્યે પંચમહાલના પ્રેમને અભિવ્યક્ત કર્યો હતો.ત્યારે આ વર્ષે પણ લાખોની સંખ્યામાં યોગાભ્યાસ કરીને યોગ કાર્યક્રમને સફળ બનાવવા માટે પંચમહાલ જિલ્લાના પ્રબુદ્ધ નગરજનો આતુર છે.

રિપોર્ટ વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.