પેસેન્જર બેસાડવા મામલે રીક્ષાચાલકો વચ્ચે પોલીસ મથકની અંદર બઘડાટી - At This Time

પેસેન્જર બેસાડવા મામલે રીક્ષાચાલકો વચ્ચે પોલીસ મથકની અંદર બઘડાટી


શહેરમાં પેસેન્જર ભરવા મામલે અવાર નવાર રીક્ષા ચાલકો વચ્ચે જાહેરમાં ગાળાગાળી અને મારામારીના બનાવો સામે આવતા રહે છે. અને શાંત વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરતા હોય છે. ત્યારે આજે બપોરના સમયે શાસ્ત્રી મેદાન પાસે રીક્ષા ચાલકો વચ્ચે બઘડાટી બોલ્યા બાદ એ ડીવીઝન પોલીસ મથકે પણ સામ સામા તિક્ષ્ણ હથીયાર ખેંચાયા હતા. અઘટીત બનાવ બને તે પહેલા જ પોલીસ સ્ટાફે ભુરાયા થયેલ શખ્સોને પકડી કાયદાનું ભાન કરાવ્યું હતું.
પ્રાપ્ત વિગત મુજબ આજે બપોરના 12 વાગ્યાની આસપાસ શાસ્ત્રી મેદાનના ખુણે એસબીઆઈ બેંકની સામે ઉભા રહેતા રીક્ષાચાલકો વચ્ચે પેસેન્જર બેસાડવા મામલે સામાન્ય ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા છુટાહાથની મારામારી સુધી મામલો પહોંચી ગયો હતો અને જાહેરમાં મારામારી થતા થોડો સમય વાતાવરણ તંગ થઈ ગયું હતું.
ત્યાંથી પસાર થતા લોકોમાં પણ દહેશતનો માહોલ છવાયો હતો. બાદમાં રીક્ષાચાલકોના બે જુથ એક જ રીક્ષામાં બેસી એ ડીવીઝન પોલીસ મથકે પહોંચ્યા હતા. જયાં પોલીસ મથકની અંદર રીક્ષા ઘુસાડી સામ-સામા ચપ્પુ ખેંચતા દોડધામ મચી ગઈ હતી.
બનાવ અંગે એ ડીવીઝન પોલીસ મથકના સ્ટાફને જાણ થતા નિચે દોડી આવ્યો હતો અને વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરતાં શખ્સોને દબોચી તેઓની સરભરા કરી કાયદાનું ભાન કરાવી ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image