જીવન રક્ષક એવી ૧૦૮ એમ્બ્યુલન્સ ટીમની ઈમાનદારીનું વધુ એક દ્રષ્ટાંત
જીવન રક્ષક એવી ૧૦૮ એમ્બ્યુલન્સ ટીમની ઈમાનદારીનું વધુ એક દ્રષ્ટાંત - ઉપલેટા ૧૦૮ સેવાની ટીમે રોકડ રૂ. ૨૯,૫૬૦ અને ડોક્યુમેન્ટ્સ દર્દીના પરિજનોને પરત કરી પ્રમાણિકતા દાખવી
રાજકોટ તા. ૨૦ જુલાઈ - ગુજરાત સરકારની ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાની ઓળખ માત્ર ઇમરજન્સી સારવાર પૂરતી સીમિત ન રહેતાં પ્રમાણિકતા માટે પણ નેત્રદિપક સાબિત થઇ રહી છે. જેના અનેક ઉદાહરણ દિન-પ્રતિદિન જોવા મળી રહ્યા છે. ત્યારે તાજેતરમાં વધુ એક દાખલો ઉપલેટા ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાની કર્તવ્યનિષ્ઠ ટીમે પૂરો પાડ્યો છે.
ગત તા. ૧૯ જુલાઈ, ૨૦૨૪ના રોજ પોરબંદરથી રાજકોટ હાઈવે પર ઉપલેટા બાયપાસ નજીક એક છકડો રીક્ષા અને કાર અથડાતા વાહન અકસ્માત સર્જાયો હતો. જેમાં છકડો રીક્ષાચાલક ૪૫ વર્ષીય શ્રી આસીફભાઇ અબ્બાભાઈ કુરેશી ગંભીર રીતે ઘાયલ થયાં હતાં.
આ બનાવ અંગે ૧૦૮ એમ્બ્યુલન્સ ટીમને જાણ થતા તુરંત જ ટીમ ઘટનાસ્થળે જવા રવાના થઈ હતી. સ્થળ પર પહોંચીને ટીમે ઈજાગ્રસ્ત શ્રી આસીફભાઈને તપાસતા તેઓ અર્ધબેભાન હાલતમાં મળી આવ્યા હતા. તેમને હાથ સહીત શરીરના જુદા-જુદા ભાગે ઈજા પહોંચી હતી. ટીમ દ્વારા દર્દીને સ્થળ પર પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર અર્થે કોટેજ હોસ્પિટલ, ઉપલેટા ખસેડવામાં આવ્યા હતા.
ઈ.એમ.ટી.શ્રી ધીરૂભાઇ લાખણોત્રા અને પાઇલોટશ્રી યશરાજસિંહ જાડેજા દ્વારા દર્દીની ઓળખ માટે તપાસ કરતાં તેની પાસેથી રોકડ રૂ. ૨૯,૫૬૦ અને જરૂરી ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા, જે દર્દીના પરિવારજનોનો સંપર્ક કરીને પરત કરવામાં આવ્યાં હતાં. ૧૦૮ સેવાની લોકેશનની ટીમે પ્રમાણિકતા દર્શાવતા દર્દીના પરિજનોએ કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારે દર્દીઓના જીવન રક્ષક તરીકે આગવી ભૂમિકા ભજવતી ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાએ ઈમાનદારીનું વધુ એક ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડ્યું હતું.
9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.