સુરતની ઘટનાને પગલે રાજકોટના તમામ ગણેશ પંડાલ પર પોલીસની સઘન વોચ - At This Time

સુરતની ઘટનાને પગલે રાજકોટના તમામ ગણેશ પંડાલ પર પોલીસની સઘન વોચ


ડીસીપી-એસીપીના નેજા હેઠળ શહેરભરમાં પોલીસનું પેટ્રોલિંગ વધારી દેવાયું

આયોજકો સાથે પોલીસ કમિશનરે બેઠક કરી ગાઇડલાઇનના પાલનની સૂચના આપી

સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનાના સમગ્ર રાજ્યમાં ઘેરા પડઘા પડ્યા છે. રાજકોટ પોલીસે પણ આવી ઘટના શહેરમાં બને નહીં તે માટે ગણેશ પંડાલના સંચાલકો સાથે તાકીદની બેઠક કરી ગાઇડલાઇનના કડક પાલનના આદેશ કર્યા હતા તો પોલીસનું પેટ્રોલિંગ વધારી દેવાયું છે.

જોઇન્ટ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયાએ જણાવ્યું હતું કે, શહેરમાં 323 જેટલા ગણપતિના પંડાલની નોંધણી થઇ છે. ગણેશોત્સવ પહેલા જ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ પંડાલના સંચાલકો સાથે બેઠક કરી હતી અને પંડાલની સુરક્ષા સંદર્ભે તેમને ગાઇડલાઇન આપી તેનું પાલન કરવાની તાકીદ કરી હતી, પરંતુ સુરતની ઘટના બન્યા બાદ કમિશનર ઝાએ યુદ્ધના ધોરણે ફરીથી પંડાલના સંચાલકોને બોલાવ્યા હતા અને તેમની સાથે બેઠક કરી ગાઇડલાઇનનું કડક પાલન કરવાની સૂચના આપવામાં આવી છે.

એટલું જ નહીં શહેરમાં ડીસીપી અને એસીપીના નેજા હેઠળ દરેક વિસ્તારમાં પોલીસનું પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. પોલીસ પંડાલ અને તેની આસપાસ ફૂટ પેટ્રોલિંગ કરશે, એ વિસ્તારના સિનિયર સિટિઝન અને મહિલાઓને મળી તેમને સુરક્ષાની ખાતરી કરાવશે. ગણેશ પંડાલ પર પોલીસની ખાસ વોચ રહેશે. પોલીસ દ્વારા દરેક વિસ્તારના માથાભારે તત્ત્વોની યાદી પણ તૈયાર કરવામાં આવી છે અને આવા તત્ત્વો પર પણ ખાસ વોચ રાખવામાં આવી રહી છે. ગણેશોત્સવ અને આગામી દિવસમાં ઇદનો પણ તહેવાર હોય શહેરમાં કોમી એખલાસનું વાતાવરણ જળવાઇ રહે તે માટે પોલીસ સાવચેત બની છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.