જસદણમાં સાચવવા આપેલા રૂ.3 લાખ પરત ન આપતા બે સામે ગુનો નોંધાયો : જસદણમાં રહેતા ફરિયાદીએ શિવરાજપુરના બે શખ્સો સામે ગુનો દાખલ કરાવ્યો
જસદણમાં સાચવવા આપેલા રૂ.3 લાખ પરત ન આપતા જસદણમાં રહેતા ફરિયાદી મોહનભાઈ રાદડીયાએ શિવરાજપુરના દિનેશ રાદડીયા અને ચાંપરાજ મોડા સામે ગુનો નોંધાવ્યો છે. જે ફરિયાદમાં મોહનભાઈ ભાદાભાઈ રાદડીયા (ઉ.વ.54) (રહે. જસદણ, અંબીકાનગર ગીતાનગરની પાછળ)એ જણાવ્યું હતું કે, હું મારા પરીવાર સાથે રહું છું અને ખેતીકામ કરું છુ. મારે સંતાનમાં બે દિકરા છે જેઓ હાલ સુરત તથા વડોદરા ખાતે વેપાર ધંધો કરે છે. ગત તા.8/5/2024 ના રોજ હું તથા રમેશભાઈ રામજીભાઇ રાદડીયા, ભીમજીભાઈ રામજીભાઇ રાદડીયા, મહેશભાઈ ભીમજીભાઇ રાદડીયા, હરજીભાઈ અરજણભાઈ રૂપારેલીયા, દિનેશભાઈ શંભુભાઈ રાદડીયા, ધનજીભાઈ નાગજીભાઈ વઘાસીયા (રહે. વિરનગર) એમ બધા સવારના 11 વાગ્યાની આસપાસ જસદણ નટરાજ કોમ્પેલક્ષમાં વકીલની ઓફીસ ખાતે હતા. અહીં ધનજીભાઈ વઘાસીયા પાસેથી જમીનમાં આવેલ કુવા તથા પાઇપ લાઇન બાબતના 5 લાખ 50 હજાર રૂપીયા લેવાના હતા. તે બાબતનું નોટરી લખાણ કરવાનું હતું. લખાણ થઈ ગયા બાદ 5 લાખ ધનજીભાઈએ મને આપતા મેં કહેલ કે, મારા મિત્ર દિનેશભાઇ શંભુભાઇ રાદડીયાને આપી દો અને દિનેશભાઈના હાથમાં રૂપીયા આપેલ હતા. દિનેશભાઇએ કહેલ કે, આ રૂપીયા મારી પાસે છે તમને જોતા હોય ત્યારે લઇ જજો. બે દિવસ બાદ દિનેશભાઈ પાસે પૈસા લેવા માટે ગયેલ. તેણે મને બે લાખ આપેલ. બાકીના 3 લાખ જરૂરીયાત પડતા દિનેશભાઈ પાસે માંગતા મને પછી આપી દઇશ તેમ કહી ભરોસો આપેલ હતો. જેથી મેં પોલીસમાં અરજી કરેલ. તે સમય દરમ્યાન ચાપરાજ અનકભાઈ મોડા (રહે. શિવરાજપુર, તા.જસદણ) વચ્ચે પડતા તા.20/8/2024 સુધીમાં આ રૂપીયા હું આપી દઇશ. તેમ કહીં નોટરી લખાણ કરી આપેલ જેથી ફરિયાદ કરી નહોતી. આજ દિન સુધીમાં દીનેશ કે ચાપરાજે પૈસા આપેલ નથી જેથી પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.