સર્વે સન્તુ નિરામયા- પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટના પ્રાંગણમાં 'વિશ્વ યોગ દિવસ'ની ઉત્સાહભેર ઉજવણી - વ્હેલી સવારે શાંત વાતાવરણમાં યોગાભ્યાસ કરતાં સાધકો - At This Time

સર્વે સન્તુ નિરામયા- પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટના પ્રાંગણમાં ‘વિશ્વ યોગ દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી – વ્હેલી સવારે શાંત વાતાવરણમાં યોગાભ્યાસ કરતાં સાધકો


રાજકોટ, તા. ૨૧ જૂન - રાજકોટ શહેરમાં જયુબિલી બાગ ખાતે આવેલી પ્રાદેશિક માહિતી કચેરીના પ્રાંગણમાં ૨૧ જૂન - 'વિશ્વ યોગ દિવસ'ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જે અન્વયે વ્હેલી સવારે શાંત વાતાવરણમાં સાધકો યોગાભ્યાસ કરીને યોગમય બન્યા હતાં.

પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ ખાતે 'વિશ્વ યોગ દિવસ'ની ઉજવણી નિમિત્તે યોગ શિબિર યોજવામાં આવી હતી. આ યોગ શિબિરમાં જોડાયેલા લોકોને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોચશ્રી મીતાબેન તેરૈયા અને તેમની ટીમના યોગ ટ્રેનર્સ દ્વારા સૌ પ્રથમ સૂક્ષ્મ વ્યાયામ તથા સૂર્ય નમસ્કારથી શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ યોગ શિબિરમાં ત્રિકોણાસન, વૃક્ષાસન, વક્રાસન, ઉષ્ટ્રાસન, શવાસન સહિતના યોગાસનો તેમજ કપાલભાતિ, અનુલોમ-વિલોમ જેવા વિવિધ પ્રાણાયામોનો સાધકોએ લાભ લીધો હતો. તેમજ યોગ કોચશ્રીએ યોગાસન, પ્રાણાયામ અને ધ્યાન કરવાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને થતાં ફાયદાની જાણકારી આપી હતી તથા નિયમિત યોગ કરવા પ્રોત્સાહન આપ્યું હતું.

આ તકે સહાયક માહિતી નિયામકશ્રીઓ સોનલબેન જોશીપુરા, પ્રિયંકાબેન પરમાર, પારુલબેન આડેસરા અને વોટસન મ્યુઝિયમના ક્યુરેટરશ્રી સંગીતાબેન રામાનુજ સહિતના સ્ટાફ અને સ્થાનિકો સહભાગી બન્યા હતા.

માર્ગી


9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.