નવા રીંગ રોડના ખુણે મહાપાલિકાનો પ્રથમ પાર્ટી પ્લોટ બનાવવા ટેન્ડર જાહેર - At This Time

નવા રીંગ રોડના ખુણે મહાપાલિકાનો પ્રથમ પાર્ટી પ્લોટ બનાવવા ટેન્ડર જાહેર


રાજકોટ શહેરમાં હાલ લગ્નની મૌસમ ચાલી રહી છે પરંતુ ફાયર સેફટીની વ્યવસ્થા ઉભી કરવા માટે મનપાના તમામ લગ્ન હોલ બંધ છે ત્યારે બજેટમાં વધુ એક વખત મૂકાયેલા આયોજન અંતર્ગત ન્યુ રાજકોટમાં વોર્ડ નં.11માં કટારીયા ચોકડી સામે લક્ષ્મીના ઢોરાથી આગળ, ગ્રેસ કોલેજના રસ્તે બે કરોડના ખર્ચે પાર્ટી પ્લોટ બનાવવા ટેન્ડર બહાર પાડી દેવામાં આવ્યા છે. આ બાદ પૂર્વ અને મધ્ય ઝોનમાં પણ પાર્ટી પ્લોટ બનાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ મનપા સુત્રોએ જણાવ્યું છે.
ભુતકાળમાં પણ શહેરમાં જુદા જુદા સ્થળે પાર્ટી પ્લોટ બનાવવા આયોજન કરવામાં આવ્યા હતા. પરંતુ તે કાગળમાંથી બહાર આવી શકયા ન હતા. હવે વેસ્ટ ઝોનમાં ટીપી 10માં કુલ 11036 ચો.મી.ના પ્લોટમાં 5614 ચો.મી. પાર્કિંગની જગ્યા સાથે આ પ્લોટ ડેવલપ કરાશે. જેમાં ખાનગી પાર્ટી પ્લોટ જેવી તમામ વ્યવસ્થા હશે અને 1પ00 લોકો માટે સુવિધા રહેશે. જે માટે ર.07 કરોડનો ખર્ચ થવા અંદાજ મૂકવામાં આવ્યો છે.
શહેરમાં લગ્ન પ્રસંગો માટે હોલ, વાડી સિવાય પાર્ટી પ્લોટની ડિમાન્ડ છેલ્લા સમયમાં ખુબ વધતી જાય છે. આથી મનપા ચાર-પાંચ વર્ષથી પાર્ટી પ્લોટ બનાવવા બજેટમાં જોગવાઇ મૂકતી હતી. આ વર્ષના બજેટમાં પણ ત્રણે ઝોનમાં એક-એક પાર્ટી પ્લોટના આયોજન મૂકવામાં આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાએ હવે ત્રણ વોર્ડને લાગુ પડે તે રીતે વોર્ડ નં. 11મા ટીપી સ્કીમ નં. 10 ફાઇનલ પ્લોટ 73બીના પ્લોટ પર પાર્ટી પ્લોટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. મનપાના લગ્નહોલની માફક પાર્ટીપ્લોટ પણ વ્યાજબીભાવથી મધ્યમવર્ગીય પરિવારોને ભાડેથી આપવામાં આવશે. જોકે આ પ્લોટ કોન્ટ્રાકટર ડેવલપ કરે તે બાદ ભાડા સહિતની નીતિ નકકી કરવામાં આવનાર છે.
શહેરના ત્રણેય ઝોનમાં પ્રસંગોની ઉજવણી માટેના પાર્ટીપ્લોટ બનાવવાનો નિર્ણય મનપા દ્વારા લેવામાં આવ્યો છે. ત્રણેય ઝોનના છેવાડાના વિસ્તારોમાં મહાનગરપાલિકાના ખાલી પ્લોટનો સર્વે કરાયો હતો. જેમાં સૌપ્રથમ વોર્ડ નં. 11માં વિશાળ પાર્ટી પ્લોટ બનાવવામાં આવશે. મનપાના લગ્નહોલ સિઝન દરમિયાન કાયમી હાઉસફૂલ થઈ જતા હોય છે.
પરંતુ અમુક પરિવારો પાર્ટીપ્લોટમાં પોતાના સંતાનોના લગ્નનું આયોજન કરવાનું વિચારતા હોય છે. જેની સામે ખાનગી પાર્ટીપ્લોટમાં પણ સિઝન દરમિયાન અગાઉથી બુંકીંગ થઈ જતુ હોય અને ભાડા પણ વધારે હોવાથી તેઓ પ્લોટમાં પ્રસંગ ઉજવી શકતા નથી. મહાનગરપાલિકાના ખાલી પ્લોટ ઉપર પાર્ટી પ્લોટની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથધરાઈ છે. જે પૂર્ણ થયા બાદ તુરંત પાર્ટીપ્લોટનું કામ શરૂ કરવામાં આવશે. જેને સંભવત એક વર્ષ જેટલો સમય લાગે તેમ જાણવા મળેલ છે.
વોર્ડ નં. 11માં ટીપી નં. 10, એફ.પી. 73/બીમાં પ્રથમ પાર્ટી પ્લોટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. અટલ સરોવરમાં એક પાર્ટી પ્લોટની જગ્યા રાખવામાં આવી છે પરંતુ આ જગ્યા ખાનગી એજન્સીને સોંપી દેવામાં આવી છે. આથી મનપાનો આ પ્રથમ પાર્ટી પ્લોટ બની રહેશે.
પ્લોટમાં લોન એરીયા, સ્ટેજ, રૂમ, કિચન, પાર્કિંગ સહિતની સુવિધા રહેશે. 161 જેટલા ફોર વ્હીલર, 370 જેટલા ટુ વ્હીલરને પાર્કિંગની વ્યવસ્થા વિચારાઇ છે


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.