તસ્વીર તેરી મેરે દિલ મે.તસ્વીર થી માનસપટ ઉપર અનેક સ્મૃતિ જીવંત કરતા કસબી તસ્વીરકારો
તસ્વીર તેરી મેરે દિલ મે.તસ્વીર થી માનસપટ ઉપર અનેક સ્મૃતિ જીવંત કરતા કસબી તસ્વીરકારો.૧૯ ઑગસ્ટ - વિશ્વ ફોટોગ્રાફી દિન ફોટોગ્રાફીએ દુનિયાને ગમે ત્યાંથી જોઈ શકાય તેવી કરી અને તેના વિકાસ દ્વારા જ ટેલિવિઝન દ્વારા હવે લાઈવ શૉ ઘેરબેઠાં જોઈ શકીએ છીએ.કલાની વાત આવે ત્યારે ચિત્રકલા આપણી આંખો સમક્ષ આવીને ઊભી થઈ જાય છે, પરંતુ ફોટોગ્રાફી પણ એક કલા છે. એવું કદાચ સામાન્ય માણસના મગજમાં રૂચતું નથી. ચિત્રકલાનો ઈતિહાસ તો હજારો વર્ષો જૂનો છે, પણ ફોટોગ્રાફી તો હજી ફક્ત ૧૮૫ વર્ષની જ કુમારાવસ્થામાં છે એમ કહી શકીએ. ચિત્ર જોવાથી જે માણસના અંતરપટ પર સુખ-દુઃખની લાગણીઓનો આવિર્ભાવ જણાઈ આવતો હોય તો ફોટોગ્રાફ્સ તો એક જીવંત ક્ષણની જીવંત તસવીર છે. આ તસવીરથી માણસના માનસપટ પર લાગણીઓની ઊથલપાથલ થઈ જાય છે. જગતમાં ફોટોગ્રાફી વામનઅવસ્થામાં પણ હરણફાળ ભરવા માંડી છે. અને એકવીસમી સદીમાં તો આ ફોટોગ્રાફી કલા યુવાનીની મસ્તીમાં મહાલતી જોવા મળે. આ કલાએ માનવજાતને અને વિજ્ઞાનને સમૃદ્ધ બનાવી દીધું છે.ફોટોગ્રાફીને કલા તરીકે સ્વીકારવા એક વખત વિશ્વ પણ તૈયાર ન હતું. જ્યારે આજે છેલ્લાં ૫૦ વર્ષથી બેનમૂન કલા તરીકે સમગ્ર માનવજાતે સ્વીકારવી પડી છે. માણસની જરૂરિયાત દિવસે ને દિવસે વધતી જાય છે.તેની ઈચ્છાઓ અને આકાંક્ષાઓ માનસપટ પરના ખુલ્લા આકાશમાં મુક્ત મને વિહરતી જાય છે. ફોટોગ્રાફી એ યંત્ર દ્વારા રેકોર્ડ થતું એક પ્રતિબિંબ છે જે માનવલાગણીઓ અને વાસ્તવિક્તાને ઝડપવાની એક ઉમદા તાકાત ધરાવે છે. આજે તો ડિજિટલ યુગને જોતાં એક રાજવી ઠાઠ જેવી વૈભવસભર આ ફોટોગ્રાફી યૌવનના ઉંબરે ઊભી છે. તસવીરકાર પોતાના વિચારોને જગતમાં ફોટોગ્રાફ્સ દ્વારા ઘણુંબધું કહી શકે છે. આંખ આગળથી સરી પડતી અત્યંત સંવેદનશીલ ક્ષણોને માણસજાત માટે ત્વરિત સંગ્રહ કરી શકતી આ ફોટોગ્રાફી કલા એક વિશેષ પ્રકારની કલા છે એવું કહી શકીએ.ચિત્રકલામાં જેમ રંગ અને તેની રેખાઓ દ્વારા ઊપસતા ચિત્રને ઉભાર આપી શકાય છે, તેમ ફોટોગ્રાફીમાં પણ ઘણા સારા ફોટોગ્રાફરો પોતાની આવડત દ્વારા સારામાં સારી ઇમેજ બતાવીને લોકોને મુગ્ધ કરી દે છે. ઇંગ્લેન્ડ જેવા દેશે ફોટોગ્રાફીને કલા તરીકે સ્વીકારી જ ન હતી. આપણા ભારત દેશમાં પણ આ જ પરિસ્થિતિ હતી, પરંતુ દુનિયાના સારામાં સારા કલારસિકો થયાં દ્વારા જ જે અનુભૂતિ કરતા તેનાથી વિશેષ ફોટોગ્રાફ્સ દ્વારા વધુ સંવેદનશીલતા અનુભવવા માંડયા, જેના લીધે ચિત્રકારોએ પણ આ ફોટોગ્રાફીને એક કલા તરીકે સ્વીકારી હૃદયસરસી લગાવી દીધી. અમેરિકા જેવા દેશે તો આ કલાને પહેલેથી જ માન્યતા આપી દીધી હતી. છેવટે સર્વેએ માનવું પડ્યું કે ફોટોગ્રાફી કલા પણ માનવજાત અને જગતના સર્વ જીવો માટે લાગણીઓનું સરોવર છે. અમેરિકાના એડવર્ડ સ્ટાઈને માનવજીવનને સ્પર્શતી અનેક તસવીરોનું પ્રદર્શન સમાજને દર્શાવી ચાર ચાંદ લગાડી દીધા હતા.એક સારો ફોટોગ્રાફર પોતાની સૂઝથી યોગ્ય એન્ગલ દ્વારા દૃશ્યને શૂટ કરી અને અદ્ભુત તસવીર આપી જગતને બતાવી આપે છે કે ફોટોગ્રાફી એક એવી કલા છે જેમાં માણસે તેને સુંદર બનાવવા અને પામવા તનતોડ સાધના કરવી પડે છે. માનવની જિંદગી આ ફોટોગ્રાફી સમુદ્રને પાર કરવા પૂરી થઈ જાય છે. છતાં ફોટોગ્રાફી કલાના આ વિશાળ સમુદ્રને પૂરેપૂરું ખૂંદી શકતો નથી. એવા આ બેનમૂન કલાવારસા વિશે હું આપને થોડોક પરિચય કરાવવા માંગું છું. આજથી ૧૮૫ વર્ષ અગાઉ ૧૮૩૯ માં ફોટોગ્રાફીની શોધ જીપ્સે અને ડાગુરે નામના વૈજ્ઞાનિકોએ કરી હતી એવું મનાય છે. પિનહોલ કૅમેરાથી માંડી બોક્સ કેમેરા, ટી. એલ. આર. કૅમેરા, એસ. એલ. આર. કેમેરા અને આજે પ્રસિદ્ધિ પામેલા આજના યુગના આધુનિક ડિજિટલ કૅમેરા સુધીની વિકાસયાત્રાની કદાચ બધાને ખબર નહીં હોય. માનવજાત વિજ્ઞાનમાં રોજેરોજ કંઈક નવું શોધે છે. ઈ.સ. ૧૫૪૪ માં માં સૂર્યગ્રહણને જોવા માટે અંધારા ઓરડાનો ઉપયોગ થતો જેના પરથી ગિસોવાની બાટીસ્ટા ડેલાપોર્ટા નામના સંશોધકને ઈ.સ. ૧૫૫૮માં અંધારાવાળું બોક્સ બનાવવાનો વિચાર આવ્યો. નાના પિનહોલ એટલે કે સામાન્ય પ્રકારના કાણામાંથી પસાર થતા પ્રકાશ દ્વારા બહારનું દૃશ્યનું પ્રતિબિંબ કંઈક અંશે દેખાતું જે સૂર્યગ્રહણ જોવના માટે જ ઉપયોગી થતું. તે
વખતે લેન્સ જેવી કોઈ વસ્તુ માનવીના મગજમાં ન હતી. આ અંધારાવાળી પેટીએ કૅમેરા 'ઓબસ્ક્વોરા' નામ ધારણ કર્યું અને એનો યશ આ સંશોધનને આપ્યો. કૅમેરાની શોધ માટે કોઈ એક વૈજ્ઞાનિકનું નામ ચર્ચાતું નથી. કેમેરાની કલ્પના એક ચીન દેશના 'મોઝુ' નામન. વ્યક્તિને પણ આવી હતી. ઈ.સ.પૂર્વેના ઘણાં વર્ષો પૂર્વે એરિસ્ટોટલ પણ આ કેમેરાના નામ સાથે જોડાયેલો છે. ઈ.સ. ૧૪૫૨ થી ૧૫૧૯ માં ‘મોનાલીસા' ચિત્રના ચિત્રકાર 'લીઓનાર્દો -દા - વિન્સી'એ પણ આ કૅમેરાનો ખ્યાલ આપ્યો હતો. એ જમાનામાં આ ચિત્ર પણ બહુ ચર્ચિત હતું તે આજે પણ સૌ કોઈ જાણે છે.કૅમેરાની શોધ પછી ફિલ્મની વાત આવે છે. ફિલ્મ વગર તો ફોટોગ્રાફ (ચિત્ર) કેવી રીતે મળે ? હું માનું છું કે ઈ.સ. ૧૮૨૬ માં ફિલ્મની શોધ થઈ હશે અને ઈ.સ. ૧૮૩૯થી તેનો બરાબર રીતે ઉપયોગ શરૂ થયો. એ વખતે અમેરિકન વૈજ્ઞાનિક જ્યોર્જ ઈસ્ટમેને ‘કોડાક' કંપનીની સ્થાપના કરી અને ‘ઈસ્ટમેન કોડાક’ બોક્સ કૅમેરા વિશ્વના બજારમાં મુકાયો. આ કૅમેરાએ તો માનવજાતને ઘેલી કરી દીધી. અનેક નાના-મોટા તસવીરકારોએ પોતાના સ્ટુડિયો શરૂ કર્યા. કૅમેરાની ગુણવત્તા સુધારાઈ. આ બોક્સ કૅમેરા પછી તો ધમણવાળા પ્લેટ કૅમેરા શોધાયા. પ્લેટ પર રસાયણ લગાવી પ્રતિબિંબ મેળવી નેગેટિવના રૂપમાં સર્જન થયું. ફિલ્મના વિકાસની સાથે સાથે ઉત્તમ કક્ષાના કૅમેરાના લેન્સ પણ શોધાયા, જેને લીધે અત્યંત આધુનિક અને વાપરવામાં એકદમ સરળ પડે તેવા કૅમેરાનો જન્મ થયો. સન ૧૯૬૦ પછી જાપાને ફોટોગ્રાફી જગતમાં મોટી હરણફાળ ભરી. આજે વિશ્વનું મોટાભાગનું બજાર જાપાન પાસે છે. જર્મની અને અમેરિકાના લેન્સ આજે પણ વિશ્વવિખ્યાત છે. પરંતુ કિંમતની દૃષ્ટિએ જાપાન કરતાં મોંઘા છે.જાપાને કેમેરા જગતમાં ઘણી ટેક્નિકો દ્વારા એવા સારા કૅમેરા આપ્યા કે વિશ્વ મુગ્ધ થઈ ગયું. ૫૦ એમ. એમ. એસ. એલ. આર. કૅમેરા જેમાં ટેલિફોટો, વાઈસ એન્ગલ કે નોર્મલ લેન્સ ફિલ્મ કૅમેરામાં લોડેડ હોવા છતાં ફિલ્મને કંઈ જ અસર ન થાય તે રીતે બદલી શકવા સમર્થ બનાવાયો છે. એ પણ જાપાનની જ દેન છે. પેન્ટેક્ષ કંપની જાપાને આવો કૅમેરા બજારમાં મૂકી પ્રોફેશનલ ફોટોગ્રાફરની સવલતો વધારી દીધી છે.આ પછી તો ઓટોફોક્સ અને પ્રોગ્રામ કેમેરા બજારમાં આવ્યા. અમેરિકા આ બધી બાબતોમાં ઘણું પાછળ રહી ગયું. આ પ્રકારના કેમેરા સૌ પ્રથમ 'કોનિકા' જાપાને સને ૧૯૭૮ માં બજારમાં વેચાણ અર્થે મૂક્યા અને ત્યાર બાદ રેઈન્જ ફાઈન્ડર ૩૫ એમ. એમ. મિનિયેચર, ૧૨૦ ટી. એલ. આર., ૧૨૦ એસ. એલ. આર. કૅમેરા પોલોરાઈડ ઇન્સ્ટન્ટ કેમેરા, ૫૦ એમ. એમ. એસ. એલ. આર. કૅમેરા તથા કાર્ટિજ કૅમેરા તથા આકાશી ખગોળને લગતી ફોટોગ્રાફી અર્થે વાપરવામાં આવતા કેમેરાની પણ શોધ થઈ. અતિ ત્વરિત ગતિથી ફોટો પાડી શકાય અને સેકન્ડના બેથી ચાર હજારમા ભાગમાં એટલે કે વધુ શટરસ્પીડવાળા કૅમેરા પણ શોધાઈ ચુકાયા છે. જે વિજ્ઞાનને ઘણા જ મદદરૂપ પુરવાર થયા છે. કેપસ્યુલ કૅમેરા પણ આ જ સદીની મોટી દેન છે. સોનોગ્રાફી કરવા માટે વપરાતા કૅમેરા પણ વિશ્વને અજાયબી પમાડે તેવા છે.આજે તો કદમાં અતિ નાના અને ખૂબ જ સેન્સિટિવ નજીવા પ્રકાશમાં પણ ફોટોગ્રાફી કરી શકે અને ત્વરિત પરિણામ આપી શકે તેવા ડિજિટલ કૅમેરાઓની વણજાર વિશ્વના બજારમાં શરૂ થઈ ગઈ છે. જેનો મોટો ફાયદો એ છે કે તેમાં ફિલ્મરોલ વપરાતો નથી. એક નાની ચીપ દ્વારા દૃશ્યને સોફ્ટવેરની મદદથી મેમરી કરીને કોમ્પ્યુટર દ્વારા એક સામાન્ય પ્રિન્ટરથી જોઈએ તેવી તસવીર મળી શકે છે. દુનિયામાં એક જ મિનિટમાં ખૂણે ખૂણે સમાચારોની આપ-લે તથા તસવીરને ઈ-મેઇલ દ્વારા પહોંચાડી શકીએ છીએ. આ બધી વિજ્ઞાનની સિદ્ધિ નહીં તો બીજું શું કહી શકીએ ! તસવીરકલામાં મહિલાઓ પણ પાછળ નથી. મહિલા તસવીરકાર માગર્ગારેટ હાર્કર કે જે રોયલ ફોટોગ્રાફી સોસાયટી, લંડનની ભૂતપૂર્વ પ્રમુખ હતી તેણે 'ફોટોગ્રાફી કલાનો ઈતિહાસ', 'ફોટોગ્રાફી શિક્ષણ' અને 'ફોટોગ્રાફી કલા' એ ત્રણે વિષયો પર પુસ્તકો પ્રકાશિત કર્યાં છે.સને ૧૯૪૦ થી ૧૯૮૦ સુધીમાં તેજસ્વી ખ્યાતનામ ફોટોગ્રાફરોએ અમેરિકામાં રહીને કલાત્મક ફોટોગ્રાફી ક્ષેત્રે વિશ્વમાં પોતાનાં નામો ગજવ્યાં. જેમાં યુસુફ કાર્શ, કાર્નિંગ હામ, આન્સેલ આદમ વગેરે મોખરે છે. મહિલા તસવીરકાર કાર્નિંગ હામે તો ક્રિએટીવ ફોટોગ્રાફીમાં ઉજ્જવળ કારકિર્દી બનાવી હતી. તેની મૌલિક તસવીરો આજે પણ દુનિયાના લોકોનું ધ્યાન ખેંચે છે.આજના જમાનામાં અને એમ કહું તો છેલ્લા દસેક વર્ષથી કલર ફોટોગ્રાફી સર્વત્ર જોવા મળે છે. અત્યારે તો પ્રવાસધામો, સ્થાપત્યકલાની ફોટોગ્રાફી, લગ્ન ફોટોગ્રાફી, બર્થ-ડે ફંક્શનની ફોટોગ્રાફી, વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી, પ્રોડક્ટ ફોટોગ્રાફી, મોડલ ફોટોગ્રાફી, બધી જ પ્રકારની ફોટોગ્રાફી ગણીએ તો ૯૯ ટકા ફોટોગ્રાફી કલર નેગેટિવ ફિલ્મ પર જ થાય છે. શ્વેત-શ્યામ ફોટોગ્રાફી જવલ્લે જ જોવા મળે છે. કલર ફોટોગ્રાફી શરૂ થઈ ત્યારે કલર રોલ ફિલ્મ ડેવલપ કરાવવા મુંબઈ મોકલવા પડતા હતા. મુંબઈના કોલાબા વિસ્તારમાં એક પારસી ભાઈએ 'સ્પેક્ટ્રમ કલર લેબ' શરૂ કરી હતી અને ત્યાર બાદ ફોર્ટ વિસ્તારમાં 'કોડાક' કંપનીએ લેબ ચાવી કરેલ. પશ્ચિમ ભારતમાં કદાચ આ પહેલી કલર રોલ પ્રોસેસીંગ માટેની લૅબોરેટરી હતી. આપણા અમદાવાદની વાત કરીએ તો રીલીફ રોડ ઉપર શ્રીમતી કોટિસે સૌ પ્રથમ કલર લેબ સ્થાપી હતી. અમદાવાદનો આ પ્રથમ કક્ષાનો એ જમાનાનો પ્રોફેશનલ સ્ટુડિયો હતો. કલર રોલ પ્રોસેસીંગ તથા પ્રિન્ટિંગ માટે પણ જાપાન જ વિશ્વમાં આગળની હરોળમાં સ્થાન ધરાવે છે. ઈલેક્ટ્રોનિક્સ અને મિકેનિકલ ક્ષેત્રે પણ જાપાને જ બહુ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. એક જ દિવસમાં મારા માનવા મુજબ એક મશીન 'દશ હજાર નંગ ૪/૬'ની સાઇઝની પ્રિન્ટ ડેવલપ કરવાની ક્ષમતા ધરાવે છે.આધુનિક વિજ્ઞાનને જાપાન દેશે ખૂબ જ મદદ કરી છે એમ કહી શકાય. ચંદ્ર પરની તસવીરો, સાગરના પેટાળમાં રહેલી સાગરસંપત્તિ તે ફોટોગ્રાફી અને કૅમેરાની શોધને જ આભારી છે. થોડીક જ સેકંડોમાં આપણે કરેલી ફોટોગ્રાફીની તસવીર પણ કોમ્પ્યુટર દ્વારા જોઈ શકીએ છીએ. તે પણ જાપાનને આભારી છે. આજે આપણે સૌ એટલે કે દુનિયાના ફોટોગ્રાફી કરતા દરેક વ્યક્તિ જાપાન દેશના ખૂબ ખૂબ ઋણી છે. કારણ કે જાપાને આપણને કલર ફિલ્મ અને કલર પેપર તથા સામાન્ય વ્યક્તિને પોસાય તેવા ગુણવત્તાવાળા કૅમેરાની ભેટ આપીને માનવીની ઇચ્છાશક્તિ અને વિજ્ઞાનને આસમાને પહોંચાડી દીધું.સો.દિન મહિમા
નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.