રાજકોટ પુરવઠાએ ઝડપી લીધેલ ૫ લાખના ઘઉં – ચોખામાં ગમે ત્યારે ફોજદારી
રાજકોટ તા. ૨ : તાજેતરમાં ૨ દિ' પહેલા રાજકોટ પુરવઠા તંત્રે જંગલેશ્વર પાસે આવેલા પરસાણાનગર-૮માં આવેલ એક ગોડાઉનમાંથી ૫ લાખ ૧૧ હજારની કિંમતના ઘઉં - ચોખાનો જથ્થોઝડપી લીધો હતો. રેશનીંગનો આ જથ્થો મેંદરડા પંથકના અને હાલ મહેશ્વરી સોસાયટી ભવાની ચોકમાં રહેતા અલ્તાફ ચૌહાણે ગોડાઉનમાં રાખ્યો હતો, પૂરવઠાએ તેનું નિવેદન લીધું તેમાં તેણે એવું નિવેદન આપ્યું છે કે, પોતે રીક્ષાવાળાઓ - ફેરીયાઓ પાસેથી આ જથ્થો લીધો છે, રેશનીંગના - સસ્તા અનાજના કોઇ દુકાનદારની આમા સંડોવણી નથી.
દરમિયાન રાજકોટ પુરવઠા તંત્ર તપાસ કરી રહ્યું છે, તેની મોટે ભાગે તપાસ પૂરી થઇ છે, હવે આજે કલેકટરને રીપોર્ટ કરાશે. આ કેસમાં કલેકટરની સૂચના બાદ જવાબદાર સામે ગમે ત્યારે ફોજદારી સહિતના પગલા લેવાઇ રહ્યાનું બહાર આવ્યું છે.
બીજી બાજુ રાજકોટમાં આટલો મોટો જથ્થો ઝડપાયો તે વિગતો જાણ્યા બાદ ગાંધીનગર પુરવઠા તંત્ર ચોંકી ઉઠયું છે, અને વીજીલન્સના ત્રણ અધિકારીઓ વિગતો જાણવા રાજકોટ દોડી આવ્યા છે, આ અધિકારીઓનું કહેવું છે કે, આ કેસમાં પ્રોપર કામ થાય, અન્ય કોઇ સંડોવાયેલા હોય તો તે લોકો સામે પગલા લેવાય, સ્પીડી વર્ક થાય તે માર્ગદર્શન અર્થે ટીમ રાજકોટ આવી છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.