જામનગરમાં વ્યાજખોરોનો ત્રાસ: રાક્ષસી વ્યાજ વસૂલ લીધા પછી પણ વધુ નાણાં માટે એક યુવાનને ઢોર માર મરાયો
જામનગર,તા 25 જુન 2022,શનિવાર જામનગરમાં વ્યાજખોરોની રંજાડ યથાવત રહી છે, અને વ્યાજખોરોની ચુંગાલમાં ફસાઈ ગયેલા વધુ એક યુવાનને ઢોર મારવામાં આવ્યો છે, અને હોસ્પિટલમાં સારવાર લેવાઈ રહી છે. જે મામલો પોલીસ મથકે લઇ જવામાં આવ્યો છે.આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં કાલાવડ નાકા બહાર સિલ્વર પાર્ક સોસાયટીમાં રહેતા મોહમ્મદ શેહઝાદ નામના ૩૦ વર્ષના મેમણ યુવાન કે જેણે આજથી ચાર વર્ષ પહેલાં જામનગરના મોઈન અજીતભાઈ બાજરીયા પાસેથી દસ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને દર મહિને ત્રણ ટકા લેખે વ્યાજ ચૂકવતો હતો.જેના વ્યાજ સહિતની ૧૫ લાખ જેટલી રકમ ચૂકવી દીધી હોવા છતાં પણ મોઈન બાજરિયા દ્વારા ચેક ના લખાણ ને લઈને અવારનવાર બ્લેકમેઈલ કરતો હતો, અને વધુ પૈસા કઢાવવા ત્રાસ આપતો રહ્યોં હતો.દરમિયાન ગઈકાલે મહંમદ સેહઝાદ તેના ઘરે હાજર હતા દરમિયાન મોઇન બાજરીયા તેના ઈસ્માઈલ નામના સાગરિત સાથે ધસી આવ્યો હતો, અને ગાળાગાળી કરી હતી. ત્યારબાદ મેમણ યુવાનને બાઈકમાં બેસાડીને લાલપુર બાયપાસ થી દરેડ તરફ લઈ ગયો હતો, જ્યાં આડેધડ ધોકા વડે માર મારવામાં આવ્યો હતો. આ બનાવ પછી ઈજાગ્રસ્ત સેહઝાદભાઈ ને તાત્કાલિક સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, અને તેની સારવાર ચાલુ છે. આ મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હોવાથી પોલીસ ટુકડી દોડતી થઇ છે, અને વધુ તપાસ ચલાવી રહી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.